ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 6 ડિસેમ્બર 2016 (12:20 IST)

નોટબંધીથી અલંગનો શીપ બ્રેકિંગ ઉદ્યોગ ઠપ થતાં એક લાખ મજૂરો બેકાર

ભાવનગરની આર્થિક કરોડરજ્જુ સમાન અલંગ શિપબ્રેકિંગ યાર્ડ ખાતે નોટબંધીને કારણે એક લાખ જેટલા મજૂરોને પગાર ચૂકવવા માટે રોકડ નાણા નહીં મળતા શિપબ્રેકરો મુંજવણમાં મુકાઇ ગયા છે. પરપ્રાંતિય મજૂરોને અત્યાર સુધી શિપબ્રેકરો અને કોન્ટ્રાક્ટરો ગમેતેમ કરી પૈસાની વ્યવસ્થા કરી પગાર-મહેનતાણાના નાણા ચૂકવતા હતા, પરંતુ હવે પરિસ્થિતિ પ્રગાઢ બનતા મજૂરોની રોજગારીની સાથો સાથ શિપબ્રેકિંગ ઉદ્યોગ પણ ઠપ્પ થઇ જાય તેવા સંજોગોનું નિર્માણ થઇ રહ્યુ છે.ભાવનગર જિલ્લાના અલંગ ખાતે એક લાખ જેટલા ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા સહિતના રાજ્યના શ્રમિકો શિપબ્રેકિંગ અને તેને લગતા આનુષંગિક વ્યવસાયોમાં કામ કરી રહ્યા છે. પરપ્રાંતિય મજૂરોના કૌશલ્ય, અને આકરૂ કામ કરવાની શક્તિને કારણે શિપબ્રેકિંગ ઉદ્યોગ આ શ્રમિકો પણ આધારીત છે. નોટબંધીને કારણે બજારમાં નાણાની ભારે અછત ઉભી થઇ હતી. આ મજૂર લોકોના દૈનિક ખર્ચા, જરૂરીયાતોને ધ્યાનમાં રાખી અને શિપબ્રેકરો દ્વારા મજૂરીના નાણા સમયસર મળી રહે તેના માટેના પ્રયાસો કરતા હતા. પરપ્રાંતિય મજૂરો એક વખત તેઓના પ્રદેશમાં જતા રહે છે ત્યારબાદ બે-ત્રણ મહિનાથી માંડીને છ મહિના સુધી પરત ફરતા નથી. આથી ના છુટકે આ મજૂરો ચાલ્યા ન જાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. એક શિપબ્રેકરના જણાવ્યા પ્રમાણે આટલી મોટી રોજગારી આપનાર શિપબ્રેકિંગ ઉદ્યોગના મજૂરોની રોગારી જળવાઇ રહે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવી જરૂરી છે. અગાઉ સિહોર અને અન્ય જગ્યાએ આવેલી રી-રોલિંગ મિલો અને ફર્નેસ મિલોમાં તૈયાર થઇ રહેલા સળીયા બાંધકામ ઉદ્યોગ અને સરકારી પ્રોજેક્ટમાં ખપી રહ્યા નહીં હોવાથી મોટાભાગની મિલોએ શટર પાડી દીધા છે અને લાંબા સમય સુધી શરૂ થવાના કોઇ એંધાઇ વર્તાઇ રહ્યા નથી. રોલિંગ મિલો બંધ થવાને કારણે 5000 મજૂરોને છૂટા કરવામા આવ્યા છે. શિપબ્રેકિંગમાંથી નિકળતા સ્ક્રેપનો મહત્તમ ઉપયોગ રોલિંગ મિલોમાં કરવામાં આવે છે, અને હાલ વૈશ્વિક સ્તરે લોખંડમાં આગઝરતી તેજી હોવા છતા અલંગમાંથી નીકળતુ લોખંડ વેચાઇ રહ્યુ નથી અને પ્લેટોના થપ્પા લાગી રહ્યા છે. શિપબ્રેકરોએ પોતાના ઉત્પાદનમાં કાપ મુકવાના હેતુથી રોજ એક કલાક વહેલુ કામ બંધ કરાવી દેવામાં આવી રહ્યું છે. શ્રમિકોની રોજગારીનો પ્રશ્ન ઉપસ્થિત થતા તેઓ પોતાના વતન ભણી દોટ મૂકે તેવી શક્યતાથી પણ શિપબ્રેકરોને ભરશિયાળે પરસેવા છૂટી રહ્યા છે. અલંગના શ્રમિકોમાંથી મોટાભાગના પાસે બેંકના ખાતા પણ નથી. હાલમાં બે બેંકો દ્વારા મજૂરોના નવા ખાતા ખોલાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ આ બેંકના ખાતા ખોલાવવાની ગતિ ખૂબજ ધીમી છે. પરિણામે મજૂરોને ચેકથી નાણા આપવાની વ્યવસ્થા હાલ તુરત થઇ શકે તેમ નથી.