શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 12 ડિસેમ્બર 2016 (16:53 IST)

અરવલ્લી જિલ્લામાં કૃષિ ક્ષેત્રેમાં નવતર પ્રયોગ -પામારૃઝા અને જામારૃઝા વનસ્પતિની ખેતીથી અત્તર બને છે.

એક વીઘા જમીનમાંથી ૧૦ લીટર અત્તર તૈયાર થાય છે
 અરવલ્લી જિલ્લાના ડોકટર કંપા ગામમાં વનસ્પતિની ખેતી કરવામાં આવે છે કે જેમાંથી અત્તર બને છે અને આ અત્તર પણ ખેડૂત પોતાના ખેતરમાં જ જરૃરી સાધનો જેવા કે બોઈલર વસાવીને કરે છે. ખાસ પ્રકારની વનસ્પતિમાંથી આ ખેડૂત ત્રણ થી ચાર માસમાં એક વીઘા જમીનમાંથી ૧૦ લિટર જેટલુ સેન્ટ પેદા કરે છે અને વર્ષ દરમિયાન ૪૦ લિટરથી વધુ અત્તર તૈયાર કરી બજારે મોકલે છે. આધુનિક ટેકનોલોજીના યુગમાં ખેતી ક્ષેત્રે પણ હવે ક્રાંતિ આવી છે અને કિસાનો ધ્વારા દિન-પ્રતિદિન ખેતીમાં વિવિધ પ્રયોગો હાથ ધરી કંઈક નવું સંશોધન થતું જોવા મળે છે ત્યારે અહીં વાત છે મોડાસા તાલુકાના ડૉકટર કંપાની છે જયાં એવા ખાસ પ્રકારની બે વનસ્પતિઓ પામારૃઝા અને જામારૃઝા વનસ્પતિમાં પાક તૈયાર થયા પછી તેને લણીને ખેતરમાં ઉભા કરાયેલા ખાસ પ્લાન્ટમાં તેની પ્રક્રિયા કરી આ વનસ્પતિમાંથી તેલ બનાવવાનું આવી રહ્યુ છે. આ નવતર પ્રયોગને લઈને અનેક ખેડૂતો પણ અહી આ ખેતી નિહાળવા અને તેનો પ્રયોગ કરવા માટે પ્રેરાઈ રહ્યા છે. મોડાસાના ડૉકટર કંપાના રહીશ ખેડૂત મણિભાઈ પટેલને પૂછતાં તેમણે આ ખેતી અંગે વિગતો આપતાં જણાવ્યુ હતુ કે આ ખેતીમાં કોઈપણ પ્રકારની જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો પડતો નથી અને બે થી ત્રણ માસમાં તેની ઉપજ પણ લઈ શકાય છે જેમાં એક વીઘા જમીનમાંથી ૧૦ લિટર સેન્ટ બને છે. તેની પ્રક્રિયા અંગે તેમણે જણાવ્યુ કે ખેતરમાં જયારે આ પાક તૈયાર થઈ જાય તે પછી તેનું કટિંગ કરવામાં આવે છે અને ખેતરમાં જ ગોઠવેલ નાનકડા પ્લાન્ટમાં બોઈલરમાં ઘાસ કાપીને નાખવામાં આવે છે ઘાસ જેવી લાગતી આ વનસ્પતિ લીલી હોય ત્યારે સીધી જ બોઈલરમાં નાખવામાં આવે છે પરંતુ, સુકાઈ ગઈ હોય તો તેના પર પાણીનો છંટકાવ કર્યા પછી તેને બોઈલરમાં નાખવામાં આવે છે. ત્યારપછી બોઈલરની નીચે અગ્નિ પ્રગટાવીને બે કલાક સુધી તેને ગરમ કરવામાં આવે છે આમ ગરમ થયેલા બોઈલરમાંથી બનેલી વરાળ નળી મારફતે બીજા બોઈલરમાં જાય છે જયાં વરાળ ઠંડી થયા પછી તેમાંથી અત્તર બની જાય છે.આ રીતે પામારૃઝા અને જામારૃઝા નામની ખાસ પ્રકારની વનસ્પતિ આ પ્રક્રિયા પછી જે કાચુ અત્તર આપે છે લિટરે રૃા.૧૩૦૦ થી ૧૫૦૦ ના ભાવે બજારોમાં વેચાય છે.  અને અમદાવાદ, મુંબઈ અને દિલ્હી જેવા મહાનગરોના  વેપારીઓ તે ખરીદી લે છે. આમ, વૈજ્ઞાનિક પદ્ધતિથી અવનવી ખેતી વિકસાવીને અને ખાસ પ્રકારની આ વનસ્પતિમાંથી અત્તર બનાવવાની નવતર પદ્ધતિએ સમગ્ર જિલ્લામાં નવી સિદ્ધિ હાંસલ કરી છે.