શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 17 ડિસેમ્બર 2016 (13:06 IST)

ગુજરાતમાં બે વિચિત્ર અકસ્માત, મહેસાણા સુરતમાં 4નાં મોત, 25થી વધુ ઘાયલ

ગુજરાતમાં દિવસે દિવસે અકસ્માતોની સંખ્યામાં ભયજનક રીતે આંકડાઓ વધી રહ્યાં છે. ત્યારે આ અકસ્માતો મોટાભાગે મોટી ગાડીઓ દ્વારા થયા હોવાનું જોવા મળે છે. ગુજરાતમાં મહેસાણા અને સુરતમાં થયેલા બે મોટા અને વિચિત્ર અકસ્માતોએ કુલ ચારનો ભોગ લીધો છે અને 25થી વધુ તેમાં ઈજા પામ્યાં છે. 

પ્રાપ્ત વિગતો પ્રમાણે મહેસાણાના ગોઝારિયા તાલુકાના હાઈવેથી વસઇ તરફ જવાના માર્ગે ગુરૂવારે રાત્રે અમદાવાદથી નવ પરિણીત યુવતીને તેડીને વિસનગર તરફ જઇ રહેલી 407 ટ્રક, વિસનગરથી અમદાવાદ તરફ જઇ રહેલ સ્કૂલ લક્ઝરી બસ અને બાઇક વચ્ચે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં 2 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જ્યારે 25થી વધુ વ્યક્તિઓને ઇજા થઈ હતી. ગોઝારીયાથી વસાઇ તરફ જવાના માર્ગે પર ગુરૂવારે રાત્રે 8 કલાકે ત્રિપલ અકસ્માત સર્જાતા પોલીસની સાથે ગામલોકો બચાવ કાર્યમાં દોડી ગયા હતા. જેમા અમદાવાદના મણીનગર વિસ્તારમાં રામબાગની ડાહીબેન ચીમનલાલ શાહ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની સ્કૂલ લકઝરીબસ વિસનગર તરફથી અમદાવાદ જઇ રહી હતી. જ્યારે  બે દિવસ પૂર્વે થયેલા લગ્ન બાદ નવ પરિણીતાને તેડીને 407મા અમદાવાદથી દેવીપૂજક પરિવારો વિસનગર તરફ જઇ રહ્યા હતા ત્યારે ઓવર ટેક કરીને નીકેળેલા બાઇક ચાલકને બચાવવા જતા ત્રણેય વાહનો એકબીજા સાથે અથડતા ચીસાચીસ મચી જવા પામી હતી. 
અકસ્માતમા 407ના વચ્ચેથી બે ફાડીયા થઇ જતા અંદર બેઠેલા વ્યક્તિઓને ગંભીર ઇજા થઇ હતી. બાઇક સવાર સહિત 2 વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા અને 25 થીવધુને ઇજાઓ થઇ હતી. જોકે, શાળાના બાળકોનો સામાન્ય ઇજાઓને બાદ ચમત્કારી બચાવ થયો હતો. ઘટના સ્થળે પહોચેલા લાંઘણજ પીએસઆઇ કે.બી.પટેલે હાજર લોકોની મદદથી ઇજાગ્રસ્તોને વિસનગર,ગોજારીયા,વસાઇ અને મહેસાણાની 108માં સારવાર માટે મહેસાણા સીવીલમા ખસેડ્યા હતા.  તો બીજી બાજુ સુરતમાં પણ આવો એક વિચિત્ર અકસ્માત જોવા મળ્યો હતો. ભટાર વિસ્તારમાં આજે(શનિવાર) વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં એક દંપતીનું મોત નિપજ્યું છે. ભટાર પોલીસ લાઈન પાસે સવારે શાંતિનિકેતનની સ્કૂલ વાને ફૂટપાથ પર રહેતા મજુર પરિવાર પર ગાડી ફેરવી દેતા દંપતીનું મોત થયું છે. અન્ય 3થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે વાન ચાલકની ધરપકડ કરી લીધી છે.

મળતી માહિતી અનુસાર, મૂળ ઝાલોદનો પરિવાર ભટાર સી-10 ટેનામેન્ટ પાસે રસ્તા પર રહેતો હતો.  મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવાર આજે વહેલી સવારે કામ પર જવા માટે રસોઈ કરી રહ્યો હતો. દરમિયાન શાંતિનિકેતન સ્કૂલની વિંગર વાન(GJ-5-AV-0962) પુરપાટ ઝડપે આવી હતી. વાન ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પરિવાર પર ફરી વળી હતી. જેમાં દંપતીનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય 3 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ખટોદરા પોલીસે વાન ચાલકની ધરપકડ કરી વાનને પણ કબજે કરી છે.મૃતક લાલાના પુત્રએ જણાવ્યું હતું કે, વહેલી સવારે રોટલો બનાવી રહ્યા હતા. અચાનક ફૂલ સ્પીડમાં આવેલી સ્કૂલ વાન તેમના પર ચડી ગઈ હતી. જેમાં તેના માતાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે તેના પિતાનું સારવાર દરમિયાન મોત થયું હતું. હીટ એન્ડ રનમાં ત્રણ જેટલા મજુરો ગંભીર રીતે થયા છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.