શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 19 જાન્યુઆરી 2017 (15:05 IST)

ગુજરાતી બાળકોને ગુજરાતી વાંચતા નથી આવડતું- એજ્યુકેશનમાં ગુજરાત ઝારખંડ-છત્તીસગઢ કરતાંય પછાત

રાજ્ય સરકારની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા કેવી છે તેની ચકાસણી માટે શરૂ કરાયેલા 'ગુણોત્સવ'માં સરકારી શાળાઓની વરવી વાસ્તવિકતા બહાર આવી રહી છે. બુધવારે રીલીઝ થયેલા 11મા એન્યુઅલ સ્ટેટસ ઑફ એજ્યુકેશન રિપોર્ટ (ASER) 2016માં ગ્રામીણ શાળાઓમાં શિક્ષણની ગુણવત્તાના રિપોર્ટમાં આ હકીકત સામે આવી છે.

ગણિતના વિષયમાં ત્રીજા ધોરણના માત્ર 18 ટકા વિદ્યાર્થીઓ બાદબાકી કરી શકે છે. જ્યારે પાંચમા ધોરણમાં માત્ર 26 ટકા લોકોને બાદબાકી આવડે છે. ભાગાકારની વાત કરીએ તો પાંચમા ધોરણના માત્ર 16 ટકા બાળકોને ભાગાકાર કરતા આવડે છે. ત્રીજા ધોરણમાં માત્ર 19 ટકા બાળકો અને આઠમા ધોરણમાં 35 ટકા બાળકો જ ભાગાકાર કરી શકે છે.ASER સર્વેમાં ગુજરાતના 779 ગામડાઓના 3થી 16 વર્ષની વયના 12,923 વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા હતા. સર્વેમાં કુલ 644 સરકારી શાળાઓને આવરી લેવાઈ હતી. પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશનના પ્રવક્તા ચિરાગ વ્યાસે જણાવ્યું હતું કે, "દર વર્ષે ASER ગામડાના બાળકો શાળાએ જાય છે કે નહિ, તેઓ વાંચી શકે છે કે નહિ અને પ્રાથમિક ગણિત કરી શકે છે કે નહિ તે અંગે સર્વે કરે છે."
અંગ્રેજીની વાત કરીએ તો ત્રીજા ધોરણના 50 ટકા વિદ્યાર્થીઓ અંગ્રેજીના કેપિટલ લેટર્સ જેવા કે A,J,Q,N,E,Y,R,O ઓળખવામાં નિષ્ફળ ગયા હતા. જ્યારે ધોરણ 1ના 82 ટકા બાળકો કેપિટલ લેટર્સ વાંચી શક્યા નહતા. અંગ્રેજી તો છોડો ગુજરાતી બાળકો ગુજરાતી બારાખડી પણ નથઈ આવડતી. ક્લાસ 1માં 46.3 ટકા બાળકો ગુજરાતી લેટર્સ ઓળખી શક્યા નહતા જ્યારે 22 ટકા આ લેટર્સ તો ઓળખી શક્યા હતા પરંતુ શબ્દો કે નાના વાક્યો વાંચી શક્યા નહતા.

સરકારી શાળાઓમાં શિક્ષકોના ઓછા પગાર અને તેમની ભરતીના નીચા ધારાધરણોની રાજ્યના પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા પર માઠી અસર પડી રહી છે. બુધવારે જાહેર થયેલા એન્યુઅલ સ્ટેટસ ઑફ એજ્યુકેશ રિપોર્ટ (ASER) મુજબ ગતિશીલ ગણાતું ગુજરાત એજ્યુકેશનની બાબતમાં બિહાર, ઝારખંડ અને છત્તીસગઢ જેવા પછાત રાજ્યોથી પણ પાછળ છે. સરકારી શાળાઓમાં ભણતરની કથળતી ગુણવત્તાને કારણે ભૂલકાઓ સારા શિક્ષણથી વંચિત તો રહે જ છે પરંતુ વાલીઓ પણ બાળકોને આગળ ભણાવવાનો ઉત્સાહ ગુમાવી રહ્યા છે. આથી હાઈસ્કૂલ ડ્રોપઆઉટ રેટમાં ગુજરાત દેશમાં પાંચમા ક્રમે છે.
ગુજરાત હાયર સેકેન્ડરીના વિદ્યાર્થીઓને ખાસ કરીને 15થી 16 વર્ષની છોકરીઓને સ્કૂલમાંથી ઊઠાવી લેવામાં દેશમાં પાંચમા ક્રમે છે. છોકરીઓની બાબતમાં ગુજરાતની સરખામણીએ વધુ સંકુચિત મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ પણ ગુજરાત કરતા આગળ છે. ગુજરાતમાં 23.5 ટકા છોકરીઓના ભણતરથી વંચિત રહી જાય છે. ગુજરાત કરતા તો આ બાબતે ઓડિશા (19.2 ટકા), છત્તીસગઢ (18.4 ટકા), ઝારખંડ (14.3 ટકા), આસામ (12 ટકા ). બિહાર (11.3 ટકા) સાથે આગળ છે જેમાં હાઈસ્કૂલમાંથી ડ્રોપઆઉટ થતી છોકરીઓની સંખ્યા ગુજરાત કરતા ઓછી છે.
ગુજરાત માત્ર છોકરીઓને જ નહિ, ટીન એજ છોકરાઓને પણ સ્કૂલમાંથી ઊઠાવી લેવામાં અવ્વલ છે. રિપોર્ટ મુજબ ગુજરાતના 15થી 16 વર્ષના 18.7 ટકા છોકરાઓ હાઈસ્કૂલ છોડી દે છે. આ બાબતમાં પણ મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢ ગુજરાત કરતા આગળ છે.ગુજરાતના પ્રાઈમરી અને સેકન્ડરી એજ્યુકેશનના પ્રિન્સિપાલ સેક્રેટરી સુનૈના તોમરે ટાઈમ્સ ઑફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે, "ASER રિપોર્ટ અમારા માટે ગુણોત્સવ જેટલો જ મહત્વનો છે. અમે સમસ્યાને પારખીને તેનો ઉકેલ લાવવા પ્રયત્ન કરીશું." હાલમાં ગુજરાત સરકારે શિક્ષકોની ગુણવત્તા સુધારવા માટે બ્લોક રિસોર્સ અને ક્લસ્ટર રિસોર્સ સેન્ટરની સ્થાપના કરી છે.