ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 12 જાન્યુઆરી 2017 (12:16 IST)

ગુજરાતમાં મોસમની સૌથી વધુ ઠંડીઃ નલિયા 5, અમદાવાદ ૧૦ ડિગ્રી

કાશ્મીર અને હિમાચલમાં ભારે બરફવર્ષાને પગલે ઉત્તર ભારતના સમગ્ર વિસ્તાર અને ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં ઠંડીનું કાતિલ મોજું ફરી વળ્યું હતું. રાજસ્થાનના માઉન્ટ આબુમાં માઇનસ ૨.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુજરાતના અમદાવાદમાં ૧૦.૩ અને કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન ૫.૪ ડિગ્રી નોંધાતા સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડી પડી હતી. પાટનગર દિલ્હીમાં લઘુત્તમ ૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે. એક તરફ રણ અને બીજી તરફ સમુદ્ર વચ્ચે આવેલું કચ્છનું નલિયા ૫.૪ ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ બન્યું હતું. ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પણ તીવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ડીસમાં ૬.૮, પાટનગર ગાંધીનગરમાં ૮.૮ ડિગ્રી તાપમાન નોંધાતા જનજીવન પ્રભાવિત થયું હતું. હવામાન વિભાગે જણાવ્યા મુજબ આગામી ૪૮ કલાક શીત લહેર ચાલુ રહેશે. ડીસામાં છેલ્લા ૬૩ વર્ષ અગાઉ ૧૦ જાન્યુઆરી ૧૯૫૪માં લઘુત્તમ તાપમાન ૨.૮ ડિગ્રી નોંધાયું હતું. નલિયાનું તાપમાન અસાધારણ હદે નીચુ જવા માટે ઉત્તર-પશ્ચિમના ઠંડા પવનો જવાબદાર છે. અફઘાનિસ્તાનના હિમાચ્છાદિત શિખરો પર થઈને આવતા ઠંડાગાર પવનો ગુજરાતમાં વાયા કચ્છ થઈને પ્રવેશ મેળવે છે. જમીનથી પાંચથી સાત કિલોમીટર ઊપર થઈને પસાર થતાં એ પવનો જમીની ભાગને ઠંડો કર્યા વગર રહેતા નથી. એ પવનના રસ્તામાં આવતાં મહત્ત્વના સ્થળોમાં એક નલિયા છે અને વળી નલિયામાં હવામાન કચેરી છે. પરિણામે અહીંના હવામાન પર સતત નજર રહે છે. એટલે જ ઠંડી મર્યાદા ચૂકે એ સાથે જ નલિયા સમાચારોમા ચમકતુ થાય છે. ૨૦૧૨માં નલિયામાં સૌથી ઓછુ તાપમાન ૧ જાન્યુઆરીએ ૩.૨ ડિગ્રી નોંધાયુ હતું. એ તાપમાન મધરાતના બદલે સવારના આઠ આસપાસનું હતું! ૧૯૬૪ની ૧૧મી ડિસેમ્બરે નલિયામાં નોંધાયેલું ૦.૬ ડિગ્રીનું તાપમાન નલિયાના ઈતિહાસમાં નોંધાયેલું સૌથી ઓછુ તાપમાન છે. એ પછી જાન્યુઆરી-૨૦૧૧માં ૦.૮ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.