બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 16 નવેમ્બર 2016 (14:08 IST)

સોડા વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા પિતાની પુત્રીએ મેળવ્યા 5 સુવર્ણચંદ્રક

પાલનપુરમાં રહેતા અને સોડાની લારી ચલાવતા પિતાની પુત્રીએ મંગળવારે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના 12મા પદવીદાન સમારોહમાં પાંચ સુવર્ણચંદ્રક મેળવ્યા હતા.પાલનપુરના રાજેશભાઇ મોરયાણીએ આર્થિક ભીંસ વચ્ચે તેમની દીકરી અને બે દીકરાઓને ઉચ્ચ શિક્ષણ માટે મોકલ્યા છે. જ્યાં દાંતીવાડા કૃષિયુનિવર્સિટીના આસ્પી ગૃહ વિજ્ઞાન અને પોષણશાસ્ર મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતી તેમની પુત્રી વિનિતા મોરીયાણીએ પોતાના ચાર વર્ષના સ્નાતક અભ્યાસ દરમિયાન અભ્યાસ સહિત વિવિધ પ્રવૃતિમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ મંગળવારે રાજ્યપાલના હસ્તે પાંચ સુર્વણ ચંદ્રક મેળવ્યા હતા. આ અંગે વિનિતા મોરીયાણીએ જણાવ્યું હતુ કે, પારિવારિક આર્થિક ભીંસમાં પણ માતા- પિતાએ મને ભણાવી તો મે પણ તેમને મદદરૂપ થવા ટયુશન કરાવ્યા સાથે સાથે અભ્યાસમાં પણ પુરતું ધ્યાન આપી પહેલા વર્ષથી અંતિમ વર્ષ સુધી ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કર્યુ. જેથી આજે સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા છે. મારા આ જ્ઞાનનો ઉપયોગ મારા જેવી આર્થિક નબળી સ્થિતિના પરિવારની બહેનોના ઉત્થાન માટે તેમજ કુપોષણ સામે બાળકોને રક્ષણ મળે તે માટે કરીશ.પાલનપુરના ભારત વિકાસ પરિષદના કાર્યકર દિનેશભાઇ વોરાની પુત્રી શ્રૃતિએ વેટનરી વિદ્યાશાખામાં સ્નાતક અભ્યાસ દરમિયાન સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન બદલ સૌથી વધુ વિવિધ 6 સૂવર્ણચંદ્રક મેળવ્યા હતા. હાલમાં જુનાગઢ કૃષિ યુનિ. ખાતે અનુસ્નાતકનો અભ્યાસ કરતી શ્રૃતિએ જણાવ્યું કે, મારા માતા - પિતા અને કોલેજના પ્રાધ્યાપકોના માર્ગદર્શનને કારણે હુ આજે આ સિધ્ધિ મેળવી શકી છુ. છોકરીઓ જેમાં ઓછો અભ્યાસ કરતી હોય તેવા પશુપાલન અને પશુ ચિકિત્સાક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસ કરીને પશુપાલકો માટે કાંઇક કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવાનો મારો ધ્યેય છે.