શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 30 ઑગસ્ટ 2016 (13:53 IST)

સણોસરા ખાતે સૌની યોજનાનું લોકાર્પણ કરતાં પીએમ મોદી, વાંચો શું કહ્યું તેમણે પોતાના સંબોધનમાં

પીએમ મોદીએ આજે સણોસરા ખાતે 12,000 કરોડના પ્રોજેક્ટ 'સૌની' યોજનાનું લોકાર્પણ કર્યું હતું. સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજનાની લિંક-1નું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થતાં સણોસરા નજીક આવેલા આજી-3 ડેમની સાઇટ પરથી બટન દબાવીને મોદીએ યોજનાને ખુલ્લી મૂકી હતી. ત્યાર બાદ તેઓ સભા સંબોધવા માટે પહોંચ્યા હતાં. નરેન્દ્ર મોદીને જોવા માટે જનમેદની ઉમટી પડી હતી. મોબાઈલની ફ્લેશ લાઈટ શરૂ કરીને નર્મદાની આરતી ઉતારવામાં આવી હતી. નર્મદે સર્વદેના નારા સાથે પીએમ મોદીએ સંબોધન શરૂ કર્યું હતું. તેમણે કહયું હતું કે તમે મને દિલ્હી મોકલ્યો હતો તેવો ને તેવો જ છુ ને. તેવો પ્રશ્ન જનતાને કર્યો હતો. ગુજરાતથી દિલ્હી ગયો ત્યારે નવો નવો હતો. બધુ શિખવા માટે ખુબ સમય જતો હતો. પણ હવે બધુ આવડી ગયું છે. પણ ગુજરાતના મુખ્યપ્રધાન પદે રહ્યો ત્યારે ગુજરાતે મને ખુબ શિખવાડ્યું છે. ગુજરાતે જે શિખવ્યું છે તેનો મને ખુબ લાભ થયો છે.

ગુજરાતના ખેડૂતોનો આભાર વ્યકત કરું છું, કે તેમણે મારી વાત સાંભળી છે. પાણીનો સંચય કરીને ખેડૂતોએ અદ્દભૂત કામ કર્યું છે. કચ્છમાં ધૂળની ડમરીઓ ઉડતી હતી, તેવા કચ્છમાં નર્મદાનું પાણી પહોંચ્યું છે. કચ્છમાં આજે ખેતી શક્ય બની છે. કચ્છના બીએસએફના જવાનોને પીવાનુ પાણી પહોંચાડયું છે. કચ્છની 70,000 ટન કેરી એક્સપોર્ટ થઈ છે. આનંદીબહેનના નેતૃત્વમાં સૌની યોજના ઝડપથી આગળ વધી છે, અને હવે વિજયભાઈ તેને આગળ ધપાવશે.

એક એક ગુજરાતી ગર્વ કરે તેવી આ સિદ્ધિ છે. એક નદી લોકોને કેટલુ તારી શકે, તે આપણે જોઈ રહ્યા છીએ. 115 ડેમ પાણીથી તરબતર થઈ જશે. ટૂકડા ફેંકવાનો માર્ગ ન અપનાવાય. અમે ટૂકડા નથી ફેંકયા, માત્ર વિકાસ અને પરિવર્તન ને અપનાવ્યું છે. ટૂકડા ફેંકીને ચૂંટણી ન જીતાય, મિત્રો. હું જ્યારે મુખ્યપ્રધાન હતો, તે દર વર્ષે મારે યુરિયા ખાતરની માંગ માટે પત્રો લખવા પડતા હતા. દેશના બધા રાજ્યોના ખેડૂતોને યુરિયા કાળાબજારમાંથી ખરીદવું પડતું હતું. પણ હવે હું દિલ્હી ગયો ત્યારે મે વ્યવસ્થા સુધારીને યુરિયાના 20 લાખ ટન ઉત્પાદનમાં વધારો કર્યો છે. અમે યુરિયાનું 100 નીમકોટિન કર્યું છે.

પહેલા ગેસના કનેક્શન નહોતા મળતાં હતા. સબસીડીની રકમ ખોટા લોકોના ઘેર જતી હતી. ગેસના બાટલાના કાળાબજાર થતાં હતા. પણ હવે 2019 પહેલા તમામને ગેસના કનકેશન મળી જશે, તેવું આ સરકારે બીડુ ઝડપયું છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં ગરીબ પરિવારોને ગેસના કનેક્શન અપાઈ રહ્યા છે, અને એલઈડી બલ્લ માટે ગુજરાતને અભિનંદન આપ્યા હતા. સમગ્ર દેશમાં ગુજરાત પહેલું રહ્યું છે. 2 કરોડ એલઈડી બલ્બનું વિતરણ કર્યું છે. એલઈડી બલ્બ લગાવવાથી સામાન્ય માનવીના 2000 રૂપિયાની બચત થવાની છે. 500 મેગાવોટ વીજળીની બચત થશે અને પર્યાવરણની મોટી બચત થશે.
 
 સૌરાષ્ટ્રવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો: નીતિન પટેલ

 ગુજરાતના ડેપ્યુટી સીએ નીતિન પટેલે સભા સંબોધી હતી. જેમાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ સૌની યોજનાનું લોકાર્પણ કર્યું હતું જેને કારણે સૌરાષ્ટ્રવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. જ્યારે ખેડૂતો માટે સિંચાઈનું પાણી બહુ જરૂરી હતું.  

 નરેન્દ્ર મોદી દેશના ભગીરથ બન્યા: આનંદીબેન પટેલ

સૌની યોજનાના લોકાર્પણ પ્રસંગે સીએમ વિજય રૂપાણી સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ સણોસરા પહોંચ્યા હતાં જ્યાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ હાજર રહ્યા હતાં જ્યાં સભા સંબોધી હતી. જેમાં કહ્યું હતું, આ યોજના આપણાં સૌનું સપનું હતું. જ્યારે સૌની યોજના સાકાર કરવા માટે આનંદીબેને આનંદ વ્યક્ત કર્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના ભગીરથ બન્યા છે.