મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 23 માર્ચ 2015 (15:43 IST)

આંબાના વૃક્ષને બિમાર વ્યક્તિની જેમ બાટલા ચઢાવતા ખેડૂત કનુભાઇ

બિમાર વ્યક્તિની જેમ કોઇ વૃક્ષને બાટલો ચઢાવવામાં આવ્યો હોય એવું સાંભળ્યું છે ખરું? આશ્ચર્ય પમાડે એમ નવસારી જિલ્લાનાં ખેરગામનગરમાં રહેતાં એક ખેડૂતે પોતાના આંબાને બાટલા ચઢાવ્યા છે.

અતિશયોક્તિ લાગે એવા આ બનાવની હકીકત એવી છે કે, નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાનાં ખેરગામ શામળા ફળિયા ખાતે રહેતા કનુભાઇ શંકરભાઇ પટેલને ઘરે પાંચ જેટલા દેશી કેરીનાં આંબા ઉગ્યા હતાં. આ આંબા મોટા થતાં તેને કેરી આવવા માંડી હતી પરંતુ દેશી કેરીનો ભાવ મળતો ન હોય તેમણે દશેરી, આમ્રપાલી અને પછાતિયો કેરીની ખૂંટીઓ મારી હતી. (ખૂંટી એટલે આંબાના થડમાં આંબાની જાત બદલવા માટે મારવામાં આવતી પાતળી ડાળી.) આ ખૂંટી પાસે દરરોજ પાણી નાખવામાં આવે તો જ ખૂંટી જીવે એમ હોય ખેરગામની ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા કનુભાઇનું મગજ તબીબી ઉપાયમાં દોડયું હતું. તેમને અને દર્દીઓને ચઢાવવામાં આવ્યા બાદ ખાલી થયેલા બાટલાનો ટપક સિસ્ટમમા ઉપયોગ કરવાનો વિચાર આવતાં તેમણે પાંચેય આંબાને બાટલા ચઢાવી દીધા હતાં. બાટલામાં ભરેલું પાણી ટપક પદ્ધતિની જેમ ખૂંટી પાસે પડતું રહેતાં તેમની પાંચેય ખૂંટી જીવી ગઇ હતી. કનુભાઇનાં ઘર નજીકથી પસાર થતાં લોકો આંબાને બાટલો ચઢાવેલો જોતા ઉંડા વિચારમાં ગરકાવ થઇ રહ્યાં છે. જો કે, આ સિસ્ટમ સમજ્યા બાદ લોકો પણ ''માનવું પડે'' એમ કહી રહ્યાં છે.