શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 14 નવેમ્બર 2016 (12:11 IST)

અમદાવાદમાં નોટ એકસચેન્જ કરાવવા અવનવા પેંતરા, એક ડોલરનો ભાવ 100થી વધુ બોલાયો

સરકારે કરેલી મોટી નોટોની બંધીથી ભારે આર્થિક અરાજકતા પેદા થઈ છે. નાણાં નથી તેવા લોકો નવી નોટો લેવા કામ-ધંધો છોડીને લાઈનોમાં અટવાયા છે. અને જેની પાસે બ્લેકમની પડેલા છે  જૂની નોટો વટાવવા માટેના રિયલ એસ્ટેટ અને સોની બજારના સ્ત્રોત બંધ થઈ જતા હવે મની એક્ષ્ચેન્જરોને ત્યાં ચુનંદા લોકોની દોડધામ વધી ગઈ છે. 1 ડોલરનો ભાવ રૂા.67ની આસપાસ ચાલતો હોવા છતાં કાળાં નાણાં આપીને 1 ડોલર રૂા.100 થી 104 રૂપિયામાં વેચાયા હોવાનું આધારભૂત સુત્રોનું કહેવુ છે. શહેરમાં મોટા મોટા આઠથી દસ મની એક્ષ્ચેન્જનરોને ત્યાં લોકોની દોડધામ વધી ગઈ છે. અને ઉંચી કિંમતે ડોલર વેચાતા હોવાનું આ જ ધંધા સાથે સંકળાયેલા સુત્રોનું કહેવું છે.  જ્યારથી નોટબંધી અમલમાં આવી ત્યારથી લોકો તેમની પાસે ઘરમાં પડેલા રોકડા વટાવવા માટે દોડધામ કરી રહ્યાં છે. પહેલા દિવસે રાત્રે લોકોએ જવેલર્સોને ત્યાં લાઈનો લગાવી રૂા.31 હજારના ભાવનું સોનું રૂા.55 હજારમાં ખરીદ કર્યું છે. બે દિવસ બાદ ઈન્કમટેક્સ વિભાગની વોચ ગોઠવાઈ જતા આ ધંધો ઠપ્પ થઈ ગયો ત્યારે નાણાં વટાવવા માટે લોકો ડોલર ખરીદવા લાગ્યા છે.વિદેશની ટિકીટોમાં પણ ભારે ડિમાન્ડ લોકો પાસે વધારાના પડેલા રોકડા યેનકેન પ્રકારે વટાવવા માટે હાલમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના બિઝનેસ સાથે સંકળાયેલા અેકમોને ત્યાં પણ વિદેશની ટિકિટો માટે ભારે હોડ લાગી હોવાનું જાણવા મળ્યું છે. કોઈ પણ મોંઘા ભાવની ટિકીટો પણ લોકો હાલમાં લઈને નાણાં વટાવી રહ્યાં છે.આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ પણ તેમના ઘરે પડેલા રોકડા નાણાં સગેવગે કરવા ધંધે લાગ્યા છે. આ અધિકારીઓને ત્યાં કદાચ કલ્પી શકાય નહીં તેટલા રોકડા નાણાં પડેલા છે.