શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 24 સપ્ટેમ્બર 2016 (12:56 IST)

ગુજરાતના એક નાનકડા ગામને એનઆરઆઈએ વિકાસ મોડેલ બનાવ્યું.

આપણા એનઆરઆઈ ભાઈઓ સરકાર કરતાં ઝડપથી કામ કરે છે તે વાત આજે નક્કી થઈ ગઈ છે. આ લોકો વિદેશમાં રહીને પોતાની માતૃભૂમીને કયારેય નથી ભૂલતાં એનું એક તાજુ ઉદાહરણ આણંદના એક ડેમોલ નામના ગામમાં જોવા મળ્યું છે. સરકાર સ્માર્ટ સીટી અને સ્માર્ટ ગામની વાતો કરે છે પણ સ્માર્ટનેસ ગામમાં કે સીટીમાં ક્યારેય દેખા દેતી નથી. જ્યારે આપણા એનઆરઆઈ ભાઈઓ કશું જ બોલ્યા વિના સ્માર્ટનેસને લોકોની આંખો સામે લાવી દેતા હોય છે.  આણંદ જિલ્લામાં માત્ર 2800ની વસ્તી ધરાવતાં ડેમોલ ગામમાં એનઆરઆઇના સહયોગથી થયેલ વિકાસથી મોડેલ ગામ બની રહ્યું છે. ગામના 50 ટકા પરિવારો વિદેશમાં સ્થાયી થયેલા છે. નાનકડાં ગામમાં રૂ. ત્રણ કરોડ ખર્ચે નિર્માણ પામેલા જલારામ સંસ્કારધામમાં મધ્ય ગુજરાતમાં વિદેશથી આવતાં પરિવારજનો માટે વાતાનુકૂલિત રૂમો સાથે 51 રૂમની મોટેલ બનાવવામાં આવી છે. ગામના આરસીસી રોડ સહિત તમામ આધુનિક સુવિધાઓ છે. સ્વચ્છતા માટે એનઆરઆઇ પરિવારો તરફથી મળેલ આર્થિક સહયોગથી ભંડોળ ઉભું કરવામાં આવ્યું છે. જેનો ઉપયોગ ડોર ટુ ડોર કલેકશન માટે તેમજ ગામના સફાઇકાર્યમાં થાય છે. 

ડેમોલ ગામમાં મહતમ વસ્તી પાટીદારોની છે. જેઓના 260 પરિવારો ગામમાં અને 325 પરિવારો વિદેશમાં સ્થાયી થયેલા છે. ડેમોલ કેળવણી મંડળના પ્રમુખ હસમુખભાઇ પટેલે જણાવ્યું હતું કે ગામમાં આવેલી ધો.1થી7ની પ્રાથમિક શાળા માટે એનઆરઆઇ પરિવારજનો દ્વારા રૂ.35 લાખના ખર્ચે નવું મકાન બનાવવામાં આવ્યું છે. તેમજ વિદ્યાર્થીઓને ગણવેશ પણ એનઆરઆઇ દાતાઓ તરફથી આપવામાં આવે છે. ડેમોલ જેવા નાનકડા ગામમાં 14 ઉપરાંત મંદિરો છે. ગામમાં બે રામજી મંદિર, આશાપુરી માતાજી મંદિર, ભાથીજી મહારાજના બે મંદિર, અંબામાતાનું મંદિર, મેલડી માતાનું મંદિર, બળીયાદેવના બે મંદિર, સ્વામિનારાયણ મંદિર, મહાદેવના બે મંદિર, બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર, મસ્જીદ, ચર્ચ આવેલા છે.