મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ , મંગળવાર, 12 જાન્યુઆરી 2016 (10:20 IST)

2017ની વિધાનસભા ચૂંટણીમાં CM પદ પર અમિત શાહને લાવવાની પ્લાનિંગ ?

2017માં ભાજપને જીત અપાવી અમિત શાહ ગુજરાતના મુખ્‍યમંત્રી બનશે ?

ગુજરાતમાં ભાજપનો ગઢ બચાવી રાખવા ગુજરાતના રાજકારણમાં ઘરખમ ફેરફારો આવી રહ્યા છે. ગુજરાતના ભાજપ સંગઠનથી માંડીને સરકારમાં મોટાપાયે ફેર બદલ કરવાની દિશામાં ચર્ચા વિચારણા શરૂ થઇ છે. જેમાં 2017ની વિધાનસભાની ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને તથા ગુજરાતની વર્તમાન પરિસ્‍થિતિને જોતાં મુખ્‍યમંત્રી પદે આનંદીબેનના સ્‍થાને અમિત શાહને બેસાડવા ભાજપ હાઇકમાન્‍ડ દ્વારા ખાનગી રાહે વ્‍યૂહરચના ઘડવામાં આવી રહી હોવાનું ભાજપના સૂત્રો જણાવે છે.
15મી જાન્‍યુઆરીએ ભાજપના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થવાની છે. ત્‍યારે ભાજપના રાષ્ટ્રીય અધ્‍યક્ષ અમિત શાહ ફરી ત્રણ દિવસની મુલાકાતે આવવાના છે. 13 થી 16 જાન્‍યુઆરી સુધી અમિત શાહ અમદાવાદમાં રાહી ગુજરાત ભાજપની કથળેલી સ્‍થિતિ અંગે સંપૂર્ણ પ્‍લાનિંગ કરશે.
 
    ભાજપ સંગઠનમાં પણ અમિત શાહ જૂથનો દબદબો રહેશે. આગામી તારીખ 15મીએ ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક થવાની છે, ત્‍યારે ભાજપના રાષ્ટ્રીય અધ્‍યક્ષ અમિત શાહ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત ભાજપના રાજકારણમાં સક્રિય થતાં તેમના જૂથના જ નેતાને પ્રમુખ પદ આપવામાં આવે તેવી શક્‍યતાઓ છે. ગુજરાતમાં સ્‍થાનિક સ્‍વરાજયમાં ભાજપનો પરાજય અને પાટીદાર અનામત આંદોલનને કારણે ભાજપની ખડાયેલી છબીની સાથે સરકારમાં તંત્ર શિથીલ બન્‍યો હોવાની બૂમરાણો મચી ગઇ હતી. ત્‍યારે ગુજરાત ભાજપનો હવાલો વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની સૂચનાથી રાષ્ટ્રીય અધ્‍યક્ષ અમિત શાહે સંભાળી લીધો હોવાનું કહેવાય છે.
 
    છેલ્લા એક મહિનામાં અમિત શાહે ગુજરાતની બે વાર મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ ગુજરાત સરકાર અને સંગઠનની ઝીળવટભરી માહિતી એકઠી કરીને એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. જે રિપોર્ટના આધારે નવા સંગઠનની રચના અને ગુજરાત સરકારમાં ફેરબદલ કરવાની ગંભીર ભલામણો આ રિપોર્ટમાં કરવામાં આવી છે.
 
   અગાઉની બે મુલાકાતો દરમિયાન અમિત શાહે સૌપ્રથમ પાટીદાર આંદોલનને સમાપ્ત કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જેના ભાગરૂપે જેલમાં બંધ પાટીદારોને છોડાવવા તથા પાટીદારો સામેના પોલીસ કેસો પાછા ખેંચવા માટે અમિત શાહે વિવિધ કાયદાકીય નિષ્‍ણાંતો સાથે ચર્ચા કરી હતી. પરિણામે છેલ્લા પંદર દિવસથી ગુજરાત સરકાર દ્વારા પાટીદારો સામેના કેસો પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ થઇ હતી. અમિત શાહની તે અગાઉની મુલાકાત સમયે પણ અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાના મેયરની નિમણુકમાં અમિત શાહ જૂથના ગૌતમ શાહને અમદાવાદના મેયર તરીકે મુકવામાં આવ્‍યા હતા. અમિત શાહની છેલ્લી મુલાકાત દરમિયાન ભાજપના નવા સંગઠનની રચનામાં પ્રદેશ પ્રમુખની નિમણૂક અંગે સંગઠનના આગેવાનો સાથે બેઠક થઇ હતી. તેમાં અમિત શાહ ગ્રુપના પ્રદીપસિંહ જાડેજાને પ્રમુખ બનાવવાની જોરદાર હલચલ શરૂ કરવામાં આવી હતી.
 
   એક સમયે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના સ્‍પર્ધી ગણાતા સંજય જોશીની ઘરવાપસી પાછળ ભાજપના હાઇકમાન્‍ડની રણનીતિ જૂદી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્‍યક્ષ અમિત શાહને ગુજરાતની લગામ આપવામાં આવી છે. અમિત શાહની ગુજરાત મુલાકાતોનો દોર અને ગુજરાત ભાજપના સંગઠનમાં અમિત શાહ ગ્રુપનું વધતું વર્ચસ્‍વ 2017ની વિધાનસભાની ચૂંટણીની વ્‍યૂહરચના છે. ભાજપના અંગત સૂત્રો સંકેત આપી રહ્યાં છે કે 2017માં ભાજપને જીત અપાવી અમિત શાહ ગુજરાતના મુખ્‍યમંત્રી બનશે, જયારે સંજય જોશીને ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં સક્રિય બનાવવામાં આવશે