બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 22 ઑક્ટોબર 2014 (12:22 IST)

અંધશ્રદ્ધાની સ્મશાનયાત્રા, ચાર રસ્તા ઉપર બેસીને જ વડા ખાવામાં આવશે

કાળી ચૌદશે તંત્ર, મંત્ર, સાધના, તાંત્રિક મેલી વિદ્યા, ભૂતપ્રેતને વશ કરવાની વાતો થાય છે. વર્ષોથી આવું થઇ રહ્યું છે જેની સામે વિરોધ રૃપે સુરતમાં અંધશ્રદ્ધાની સ્મશાનયાત્રા સાથે સ્મશાનમાં જાગરણ કરવામાં આવશે. આ ઉપરાંત લોકોને જાગૃત કરવાના આશયથી ચકલા ઉપર બેસીને વડા ખાવામાં આવશે.

કાળી ચૌદશ અંગે આજે પણ સમાજમાં ઘણીબધી અંધશ્રદ્ધાઓ પ્રવર્તે છે અને જેના કારણે જાહેર રસ્તા ઉપર વડા, ઝાડું કે જૂના માટલા લોકો મૂકી જાય છે, તો કેટલાક લોકો મેલી વિદ્યાના ઓઠા હેઠળ સ્મશાનમાં વિધિ કરે છે. ભૂવા ભગતો, તાંત્રિકો મેલી વિદ્યા દ્વારા ભૂતપ્રેતને વશ કરવાની વાતો કરે છે. આ તમામ બાબતો ખોટી હોય છે. તે અંગે લોકોને જાગૃત કરવાનું કામ સત્યશોધક સભા દ્વારા છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહ્યું છે.

સત્યશોધક સભાના મધુભાઇ કાકડીયા કહે છે કે, કાળી ચૌદશે દિવસે જે રીતે ચાર રસ્તાઓ ઉપર વડા મુકવામાં આવે છે તેનો સત્યશોધક સભા સખત વિરોધ કરે છે. તેમજ કાળી ચૌદશ નિમિત્તે સત્યશોધક સભા દ્વારા ચકલા (ચાર રસ્તા) ઉપર સામૂહિક રીતે વડા ખાવામાં આવશે. સ્મશાનમાં જાગરણ કરવામાં આવશે. ઉપરાંત તાત્રિકોને સત્યશોધક સભાના કાર્યકરો પર વિદ્યા અજમાવવાનો જાહેર પડકાર પણ આપવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા મંડળોની બહેનો પણ જોડાશે. તેઓ ખાવાના વડા એકત્ર કરીને ભૂખ્યા અને જરૃરિયાતમંદ લોકોને આપશે. આ ઉપરાંત મહિલાઓ સ્મશાન યાત્રામાં જોડાઇને સ્મશાનયાત્રા સુધી જશે અને સ્મશાન ગૃહમાં જાગરણ કરશે. કાળી ચૌદશે રાત્રે ૯ વાગ્યે અંબિકાનગર અને શિવનગરમાં કતારગામ, વેડરોડની સોસાયટીઓના લોકો એકત્ર થશે ત્યાં સ્મશાનયત્રા નીકળશે. જે અશ્વનિકુમાર સ્મશાન ગૃહ પહોંચશે. આ પૂર્વે સાંજે ૬ થી ૮ દરમિયાન કતારગામ દરવાજા, અંબિકા સોસાયટી, વેડરોડ, સીંગણપોર, કોઝવે, કુબેરનગર, લલીતા ચોકડી અને ધનમોરા કોમ્પ્લેક્ષ ખાતે ચકલા પર જાહેરમાં વડા ખાવામાં આવશે.

બીજી તરફ કતારગામ, વેડરોડની ૧૨૫ જેટલી સોસાયટીના પ્રમુખ, મંત્રીઓ દ્વારા પણ એક નવો રાહ ચીંધવામાં આવશે. કાળી ચૌદશે રાત્રે જે ચોક ઉપર વડા મુકવામાં આવે છે ત્યાં એક મોટું પાત્ર (વાસણ) મુકવામાં આવશે. તેમાં જ બધા વડા એકત્ર કરાશે. જેથી આ વડા લોકોના પગમાં કે વાહનો નીચે કચડાઇને બગાડ નહી થાય. ત્યારબાદ આ વડાને અન્ન તરીકે કોઇ ભૂખ્યા કે પ્રાણીને આપવામાં આવશે. તમામ સોસાયટીઓના વડા રાત્રે સાડા દસ વાગ્યે કતારગામ ધનમોરા સર્કલ પર એકત્રિત કરાશે જ્યાં વિશાળ જનમેદની ઉમટશે.