શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 20 ડિસેમ્બર 2014 (16:15 IST)

અફવા ફેલાવી શીપ રિસાયકલીંગના ધંધાને ખતમ કરવાના કાવતરા સામે સાવધ રહેવા અનુરોધ

અલંગ શીપ બ્રેકીંગ યાર્ડમાં આવતા જહાજોમાં ઝેરી કચરો છે તેવી અફવા ફેલાવી અલંગ શીપ રિસાયકલીંગના ધંધાને ખતમ કરવાના કાવતરા સામે સરકારને પણ સાવધ રહેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

ભાવનગર શહેર અને જિલ્લાના વિકાસમાં અત્યંત મહત્વના એવા અલંગના શીપ રી-સાયકલીંગ વ્યવસાયને અવાંતર હેતુથી પર્યાવરણના નામે તોડી પાડવા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સક્રિય બનેલા કેટલાંક તત્વો દ્વારા અલંગમાં ભાંગવા માટે આવતા જહાજોમાં પર્યાવરણને નુકસાન થાય તેવી વસ્તુઓ અને જોખમી કચરો હોવાની બીનજરૃરી અને વાહીયાત ફરીયાદ ઉભી કરી, આવી ફરીયાદના દબાણના ઓઠા તળે આ ઉદ્યોગને નિષ્પ્રાણ બનાવવા વ્યવસ્થિત કાર્યવાહી કરવામાં આવે છે તેને વખોડી કાઢતા ધારાશાસ્ત્રી અક્ષય ઓઝાએ રાજ્ય સરકારને એક પત્ર પાઠવી આ પ્રકારની બીનજરૃરી ફરિયાદો અને અફવાઓ ફેલાવતા તત્વો સંબંધે સંપુર્ણ માહિતી મેળવી અને અલંગના જહાજોને ભાંગવાના વ્યવસાયને કોઈપણ પ્રકારે અટકાવવા જે પ્રયત્નો કરવામાં આવે છે તે પ્રયત્નોને અટકાવવા તથા અલંગ શીપ રી-સાયકલીંગ વ્યવસાયનાં હકારાત્મક પરીણામો અને પરીસ્થિતી વ્યાપક રીતે પ્રસિધ્ધીમાં મુકવા માટે માંગણી કરેલી છે.

તેમણે કરેલી રજુઆતમાં એવું જણાવ્યું હતું કે ભાવનગર શહેર અને જિલ્લામાં હૈયાત ઉદ્યોગ હતા તે બંધ પડયા છે, ત્યારે સને ૧૯૮૪માં તત્કાલીન નાણાંપ્રધાન અને કર્મશીલ આગેવાન સનત મહેતાએ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતીઓના વગેરેના અભ્યાસ બાદ અલંગને આ વ્યવસાય માટે ખુબ જ સાનુકુળ અને કુદરતી રીતે લાયક કેન્દ્ર હોવાનું જણાતા આ ઉદ્યોગ છેલ્લા ૩૦ વરસમાં ભાવનગર શહેર અને જિલ્લા તથા રાજ્ય અને કેન્દ્ર સરકારની સમૃધ્ધિમાં ઘણો મોટો સહાયરુપ બન્યો છે એટલે આ વ્યવસાયને અને તે રીતે ગુજરાત રાજ્ય અને ભારતને બદનામ કરી ગુજરાતમાં માત્ર પર્યાવરણને જોખમી એવા જહાજો સરળતાથી ભાગંવા લાવી શકાય છે તેવી ખોટી વાતો આવી રજુઆતોના કારણે ફેલાવવામાં આવે છે તે અલંગના જહાજો ભાંગવાના વ્યવસાય માટે જોખમરુપ છે ત્યારે આ બારામાં સત્વરે સક્રિય કાર્યવાહી કરવા તેમણે માંગણી કરી હતી.