ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગાંધીનગર , ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2015 (15:17 IST)

અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાની ચૂંટણીનું આવતા સપ્તાહમાં એલાન

અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાની ચૂંટણીનું એલાન અાવતા સપ્તાહમાં થશે તેવું રાજ્ય ચૂંટણીપંચનાં સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ ઉપરાંત રાજકોટ, સુરત, વડોદરા, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓ અાગામી ઓક્ટોબર મહિનાની ૧૦ કે ૧૨ તારીખે યોજાય તેવી શક્યતા છે. 

ગઈ કાલે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં પણ છ મહાનગરપાલિકાની અાગામી ચૂંટણી અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી અને બાકી રહેલી તમામ કામગીરી તાત્કા‌િલક ધોરણે પૂરી કરી દેવા અંગે અાદેશ જારી થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. મોટા ભાગનાં વિકાસકામોને લીલી ઝંડી અાપી દેવાઈ છે અને ચૂંટણી જાહેર થાય તે પહેલાં અા કામો અાટોપી લેવા જણાવાયું છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યના ચૂંટણીપંચે અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાની ચૂંટણીઓ માટે તડામાર તૈયારીઓને અાખરી ઓપ અાપી દીધો છે. રાજ્ય ચૂંટણીપંચના કમિશનર વરેશ સિંહા અને ચૂંટણીપંચના સચિવ મહેશ જોષીના વડપણ હેઠળની ટીમે કાર્યક્રમની રૂપરેખા ઘડી કાઢી છે.  ઉલ્લેખનીય છે કે પાંચ વર્ષ પહેલા ૧૧ અોક્ટોબરે છ મહાનગરપાલિકાઅોની ચૂંટણી યોજાઈ હતી. સામાન્ય રીતે જે તારીખે ચૂંટણી યોજાઈ હોય તેનાં પાંચ વર્ષ બાદ તેની અાગળ પાછળની તારીખોમાં ચૂંટણી યોજાતી હોય છે. અાથી અાગામી અોક્ટોબરની ૧૦ કે ૧૨ તારીખે ચૂંટણી યોજાય તેવું માનવામાં અાવી રહ્યું છે. 

અાગામી સપ્તાહમાં ગમે ત્યારે પ્રેસ કોન્ફરન્સ યોજીને રાજ્ય ચૂંટણીપંચ છ મહાનગરપાલિકાની ચૂંટણીનું એલાન કરશે. ચૂંટણીપંચ અા અંગેનું જાહેરનામું પાછળથી બહાર પાડશે પણ ચૂંટણીના એલાન સાથે જ અાચારસંિહતાનો ચુસ્ત અમલ શરૂ થઈ જશે.  અાગામી એક-બે દિવસમાં જ અમદાવાદ સહિતની છ મહાનગરપાલિકાઓમાં સ્ટેન્ડિંગ કમિટિની અંતિમ બેઠક મળશે તેવું પણ જાણવા મળ્યું છે. અા બેઠકમાં બાકી રહેલાં વિકાસકામો અંગે ચર્ચા થશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત અાંદોલન સમગ્ર રાજ્યમાં ફેલાઈ ગયા બાદ એક તબક્કે છ મહાનગરપાલિકાની ચૂંટણીઓ પાછી ઠેલાય તેવી અટકળો પણ થઈ રહી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટના અાદેશ અનુસાર હવે ચૂંટણી પાછી ઠેલવી શક્ય નથી ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે.  અનામતના મુદ્દે પાટીદાર સમાજ સરકારનું નાક દબાવી રહ્યો છે અને અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાની ચૂંટણીઓ ભાજપ માટે કપરી કસોટી સાબિત થવાની છે તેવું માનવામાં અાવી રહ્યું છે. અાગામી સપ્તાહમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીનું એલાન થશે ત્યારબાદ રાજકીય પક્ષો પુરજોશમાં ચૂંટણી અંગેની કામગીરી શરૂ કરી દેશે.