શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 23 ફેબ્રુઆરી 2015 (15:14 IST)

અમદાવાદમાં વિકાસનાં નામે વિનાશ...વર્ષો જૂનાં ઘટાદાર વૃક્ષો કપાયા

અમદાવાદમાં છેલ્લા ચાર વર્ષથી નિરંતર વિકાસના નામે વૃક્ષોનો સોથ વાળવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં સત્તાવાર રીતે વિકાસના નામે ૨૦૯૦ વૃક્ષો કાપવાની મંજૂરી અપાઈ હતી જેમાંથી ૨૦૨૮ વૃક્ષો કપાયા હતા પણ છેલ્લા ચાર વર્ષમાં આ વર્ષે રેકોર્ડબ્રેક ૧૦૫૦થી વધુ વૃક્ષો કાપવાની મંજૂરી આપવામાં આવી છે જેમાંથી ૯૦ ટકા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. કાંકરિયા વિસ્તારની આબાદ ડેરી પરિસરમાં ૨૦૧૩ વૃક્ષો કાપવાની મંજૂરી આપવામાં આવી હતી જેમાં મોટાભાગનાં વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. જ્યારે મેઘાણીનગરની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં નવી ઇમારતના નિર્માણ માટે ૧૧૦ વૃક્ષોનો ભોગ લેવાયો છે. આમ શહેરમાં છેલ્લા ચાર વર્ષમાં એપ્રિલ૨૦૧૪થી જાન્યુઆરી ૨૦૧૫ સુધીમાં સૌથી વધુ વૃક્ષો કાપવાની મંજૂરી મળી છે અને વૃક્ષો કપાયા છે.

બીઆરટીએસ પ્રોજેકટમાં ત્રણ વર્ષમાં દૂધેશ્વર-બીઆરટીએસમાં ૧૦, સોનીની ચાલીથી સારંગપુર બ્રિજ બીઆરટીએસ રૂટમાં ૧૨૪, બાપુનગર લીમડા સર્કલથી ૧૩૩ બસ રોડમાં ૨૮, કાંકરિયાથી શાહઆલમથી ગીતામંદિરના બીઆરટીએસ રૂટ ઉપર ૬૦ અને એલિસબ્રિજથી ગુજરાત કોલેજ થઇને પાસપોર્ટ ઓફિસવાળા રૂટ ઉપર ૧૦૦થી વધુ ઘટાટોપ વૃક્ષોનું છેદન કરાયું છે. આ ઉપરાંત મેઘાણીનગર મેન્ટલ કમ્પાઉન્ડ અને સિવિલ હોસ્પિટલમાં નવી ઇમારતોના બાંધકામમાં સૌથી વધુ વૃક્ષોનું છેદન કરવામાં આવ્યું છે. શહેરમાં વર્ષ ૨૦૧૦-૧૧માં ૫૯૧ વૃક્ષો કપાયા હતા. વર્ષ ૨૦૧૧-૧૨માં ૮૪૨ વૃક્ષો કાપવાની મંજૂરી મળી હતી જેમાંથી ૭૮૯ વૃક્ષો કપાયા હતા. વર્ષ ૨૦૧૨-૧૩માં ૬૪૮ વૃક્ષો કપાયા હતા. જ્યારે ૧ એપ્રિલ ૨૦૧૪થી જાન્યુઆરી ૨૦૧૫ સુધીમાં કુલ ૧૦૫૦ વૃક્ષો કાપવાની મંજૂરી અપાઇ હતી જેમાં ૯૦ ટકા વૃક્ષો કાપવામાં આવ્યાં છે.

શહેરમાં મંજૂરી વિના જ વૃક્ષો કાપીનાં નાખવામાં આવે છે. શહેરમાં ગેરકાયદે વૃક્ષોના છેદન પાછળ નબળો કાયદો જવાબદાર છે. સૌરાષ્ટ્ર વૃક્ષછેદન અધિનિયમની જોગવાઇ મુજબ ગેરકાયદે વૃક્ષો કાપનારને નજીવો દંડ કરાય છે જેથી ગેરકાયદે વૃક્ષો કાપવાનું અટકતુ નથી. મોટાભાગના કિસ્સામાં મ્યુનિ.ને ફરિયાદ ન મળતાં બારોબાર વૃક્ષો કપાઇ જાય છે. વર્ષ ૨૦૧૧-૧૨માં ૧૦૦ વૃક્ષો, વર્ષ ૨૦૧૨-૧૩માં ૨૪૨ વૃક્ષો અને વર્ષ ૨૦૧૩-૧૪માં ૧૩૯ વૃક્ષો ગેરકાયદે કપાયાં હતાં.

સૌથી વધુ વૃક્ષો ક્યાં કપાયા ?

૭૨૪ સિવિલ હોસ્પિટલ કેમ્પસ
૩૦૮ મેન્ટલ કમ્પાઉન્ડ
૨૩૪ નરોડા રોડ બીઆરટીએસ
૨૧૩ આબાદ ડેરી પરિસર
૧૦૦ એલિસબ્રિજ-ગુજરાત કોલેજ BRTS