શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 19 નવેમ્બર 2013 (17:27 IST)

આ ઉત્તરાયણમાં ઊંધિયું, ઊંધા કરી નાખશે

P.R
અનેક તહેવારોના શોખિન ગુજરાતીઓ નજીક આવી રહેલા ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરવા થનગની રહ્યા છે, પરંતુ આ વર્ષે તેઓની ઉત્તરાયણની મજા ઊંધિયું બગાડશે. ધાબા પર પતંગ ચડાવવાની સાથે ઊંધિયું, ચીકી, શેરડી અને જામફળનો સ્વાદ માણતા ગુજરાતીઓને મોંઘા થયેલાં શાકભાજીના બજેટનો સામનો કરવો પડશે. હાલમાં કયું શાક ખાવું તેની પસંદગી અઘરી થઇ જાય તેવા ભાવ હજુ પણ શિયાળાની શરૃઆત થઇ ગઇ હોવા છતાં ઊંચા રહ્યા છે ત્યારે ઊંધિયામાં વપરાતા ખાસ પ્રકારના શાકના ભાવ ગત વર્ષની સરખામણીએ બમણાથી ત્રણ ગણા સુધી પહોંચી ગયા છે.

માત્ર અમદાવાદીઓ જ ઉત્તરાયણમાં અંદાજે ૧૦,૦૦૦ કિલો જેટલું ઊંધિયું ખરીદે છે. ઉત્તરાયણ શરૃ થવાના અઠવાડિયા અગાઉ ઊંધિયામાં વપરાતા શાકભાજીના ભાવમાં ઉછાળો જોવા મળે છે. આ ઉછાળો માત્ર ૧૦થી ૨૦ ટકાનો હોય છે, પરંતુ હાલમાં જ શાકભાજીના ભાવ એટલા ઊંચા ગયા છે કે ઊંધિયું તો એક બાજુ રહ્યું, રોજબરોજનું શાક ખાવાનું પણ સામાન્ય પ્રજાને મુશ્કેલ બની રહ્યું છે. સામાન્ય રીતે શિયાળાની શરૃઆત થતાની સાથે જ શાકભાજીની આવક વધે છે અને ભાવમાં નોંધપાત્ર ઘટાડો થાય છે, પરંતુ હજુ પણ કોબી-ફ્લાવર જેવા શિયાળુ શાક પણ જંગી આવકના અભાવે મોંઘા વેચાઇ રહ્યાં છે. ઉત્તરાયણ સમયે આ શાકભાજીની માગમાં વધારો થાય છે, પરંતુ હવે આ ભાવવધારા ઉપરાંતના ભાવ જો શાકભાજીમાં વધશે તો પ્રજાએ ઊંધિયું ખાવાનું મુલતવી રાખવું પડશે.

ગત વર્ષની સરખામણીએ ઊંધિયાના વપરાશમાં આવતા તમામ શાકના ભાવ વધ્યા છે, જેથી ગત વર્ષે રૃ. ૧૦૦એ પ્રતિકિલો વેચાતું ઊંધિયું રૃ. ૨૦૦એ પ્રતિકિલો વેચાય તો નવાઇ નહીં. આ ઉપરાંત લગ્નની સિઝન અને અન્ય પાર્ટીઓમાં પણ બે માસ ઊંધિયાનું ચલણ વધુ રહેતું હોવાના કારણે ઊંધિયામાં વપરાતા શાકભાજીના ભાવ ઘટવાની શક્યતા નહીંવત્ બની છે, કારણ કે ઊંધિયામાં મુખ્ય ગણાતા કંદ અને બટાકાના ભાવ પણ ગત વર્ષની સરખામણીએ ત્રણ ગણા છે. હાલમાં લોકો ઊંધિયું ખાવાનો સંતોષ માણી શકે છે, પરંતુ મોટા ભાગે ચણાના લોટમાં મેથી નાખીને બનાવાયેલા મૂઠિયાંનું પ્રમાણ અને સૌથી સસ્તા રવૈયાનું પ્રમાણ વધારીને ઊંધિયું ખાવાનો સંતોષ માની લેવો પડે છે.

ગત વર્ષે ટામેટાંનું રાજ્યમાં અઢળક ઉત્પાદન થયું હતું. સિઝનમાં ટામેટાંનો ભાવ કિલોએ રૃ. પાંચ થઇ ગયો હતો. આ જ સમયે ગત વર્ષે લગ્ન સિઝન નહોતી ત્યારે કડીના વેપારીઓ દ્વારા ટામેટાં રસ્તા પર ફેંકી દેવાયા હતા. કેટલાક વિસ્તારમાં ટામેટાં ખેડૂતોએ ખેતરમાં જ ફેંકી દીધા હતા. કેટલાક ખેડૂતોએ તો ટામેટાંનો પાક ઉતારવાનું કષ્ટ પણ લીધું નહોતું. ગત વર્ષે ટામેટાં અને બટાકાના ખેડૂતો રોયા હતા, તેઓ આ વર્ષે હસી રહ્યા છે.

દેશભરમાં વધી રહેલા શાકભાજીના ભાવ સામાન્ય પ્રજા માટે રોજિંદા જીવનની વપરાશ માટે અસહ્ય બનતાં ગત માસમાં પશ્ચિમ બંગાળનાં ત્રણ બજારોમાં લૂંટફાટ મચી હતી. પશ્ચિમ બંગાળના માલદા ગામમાં લોકોએ ઉશ્કેરાઇ જઇને આખું શાકભાજી બજાર લૂટ્યું હતું અને ચાર લાખથી વધારે કિંમતના શાકભાજીની લૂંટ ચલાવી હતી. રૃ. ૬૦ના કિલો બટાકા અને રૃ. ૮૦ની કિલો ડુંગળીના ભાવ જોઇને લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને જોતજોતામાં શાકભાજીના તમામ વેપારીઓ લૂંટાઇ ગયા હતા.