ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 22 એપ્રિલ 2014 (13:01 IST)

આ વખતે ૭૮ કરોડપતિ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે

૪૨ ઉમેદવારો પાસે એક લાખ કરતાંયે ઓછી મિલ્કત

નવસારીના ઉમેદવારનાં માથે રૃ.૪૦.૫૮ કરોડનું દેવું



આ વખતે લોકસભાની ચૂંટણીમાં ૭૮ ઉમેદવારો એવાં છે કે જેઓ કરોડોની સંપતિ ધરાવે છે. ગત લોકસભાની ચૂંટણીની સરખામણીમાં આ વખતે કરોડપતિ ઉમેદવારોની સંખ્યામાં વધારો થયો છે. ગત વખતે ૪૬ ઉમેદવારો કરોડપતિ હતાં જયારે આ વખતે ૭૮ કરોડપતિ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે તેમાંયે સાત ઉમેદવારો તો ૧૫ કરોડ કરતાંયે વધુની મિલ્કતો ધરાવે છે. ગુજરાત ઇલેકશન વોચ કમિટીના રિપોર્ટ આધારે, ૧૬મી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપના અમદાવાદ પુર્વ બેઠકના ઉમેદવાર પરેશ રાવલ સૌથી ધનવાન ઉમેદવાર છે જેમની પાસે રૃ.૭૮.૫૨ કરોડની મિલ્કત છે.

આ વખતે કુલ ઉમેદવારો પૈકી ૭૮ ઉમેદવારો એટલે ૨૪ ટકા ઉમેદવારો કરોડપતિ છે. કોંગ્રેસના ૨૦ ઉમેદવારો, ભાજપના ૨૧ ઉમેદવારો, આપના ૧૨ ઉમેદવારો અને બસપાના એક ઉમેદવાર કરોડપતિ છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડતાં ઉમેદવારોની સરેરાશ મિલ્કત રૃ.૧.૬૪ કરોડ છે. કોંગ્રેસના ઉમેદવારોની સરેરાશ અસ્કયામતો રૃ.૪.૭૬ કરોડની છે તો ભાજપના ઉમેદવારોની અસ્કયામતો રૃ.૯.૨૭ કરોડની છે.આપના ઉમેદવારોની અસ્કયામતો રૃ.૨.૩૪ કરોડ અને બસપાના ઉમેદવારોની અસ્કયામતો રૃ.૨૧.૯૦ લાખ થવા જાય છે. સૌથી વધુ મિલ્કતો ધરાવતાં ઉમેદવારોમાં ભાજપના પરેશ રાવલ રૃ.૭૯.૫૨ કરોડ,નવસારીના ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ પાસે રૃ.૭૪.૪૭ કરોડ અને પોરબંદરના એનસીપીના ઉમેદવાર કાંધલ જાડેજા પાસે રૃ.૨૮.૩૯ કરોડની મિલ્કત છે.

લોકસભાની ચૂંટણી લડતાં કુલ ઉમેદવારો પૈકી ૪૨ ઉમેદવારો એવાં છેકે, જેમની પાસે એક લાખ કરતાંયે ઓછાની મિલ્કત ધરાવે છે. ભાવનગરના અપક્ષ ઉમેદવાર ભરત ગોહિલે કોઇ મિલ્કત નથી તેવું એફિડેવિટમાં કબુલ્યું છે જયારે રાજકોટના અપક્ષ ઉમેદવાર બિસ્મીલ્લાહખાન અબ્દુલખાન પઠાણ પાસે રૃા.૨૭૦૦, જામનગરમાં અપક્ષ ઉમેદવાર સુથાર હંસાબેન પાસે પાંચ હજાર અને આણંદના અપક્ષ ઉમેદવાર ભરત વાઘેલા પાસે રૃા.૬.૫૦૦ જ હોવાનું જણાવ્યું છે.

ચૂંટણીમાં ૧૩૪ ઉમેદવારોએ એફિડેવિટમાં એવુ જાહેર કર્યું છેકે,તેમણે બાકી લેણું ચુકવવાનું છે તેમાંયે ૧૪ ઉમેદવારો તો એવાં છેકે, જેમણે રૃ.૫૦ લાખથી વધુનું દેવું છે.ભાજપના નવસારીના ઉમેદવાર સી.આર.પાટિલે તો રૃ.૪૦.૫૮ કરોડ ચુકવવાના બાકી છે જયારે ગાંધીનગરના આપના ઉમેદવાર ઋતુરાજ મહેતાએ રૃ.૧૮.૫૫ કરોડ અને બનાસકાંઠાના સપાના ઉમેદવાર ચૌધરી આદમભાઇ નાસીરભાઇએ રૃ.૧૩.૦૬ કરોડ દેવા પેટે ચુકવવાના બાકી છે.