બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 23 જુલાઈ 2014 (11:55 IST)

આજે ભારતમાં રેડિયોનો જન્મદિવસ છે, ગુજરાતમાં પહેલું સ્ટેશન બરોડામાં શરુ થયુ હતું

૨૩ જુલાઈ ભારતમાં રેડિયોનો જન્મદિવસ છે. ભારતનું પહેલું સરકારી રેડિયો સ્ટેશન ૧૯૨૭ની ૨૩મી જુલાઈએ મુંબઈ ખાતે શરૃ થયુ હતું. મુંબઈમાં ઈન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપનીની સ્થાપના થઈ હતી અને તત્કાલિન વાઈસરોઈ ઈરવિને તેનું ઉદ્ઘાટન કર્યુ હતું. પાછળથી તેનું નામ બદલીને ઓલ ઈન્ડિયા રેડિયો કરી દેવામાં આવ્યુ હતું. જોકે ભારતમાં ખાનગી ધોરણે નાના-નાના રેડિયો સ્ટેશનો તો છેક ૧૯૨૦ના અરસાથી સ્થપાવા શરૃ થયા હતાં. પહેલુ સમાચાર બુલેટિન પણ અંગ્રેજીમાં ૨૩મી જુલાઈએ જ રજુઆત પામ્યુ હતું.

ગુજરાતમાં રેડિયોની શરૃઆત ઘણી બાબતોમાં અગ્રેસર રહેતી ગાયકવાડી સરકારે કરી હતી. ગુજરાતનું સૌથી પહેલું રેડિયો સ્ટેશન વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ૧૯૩૯માં શરૃ  કરાવ્યુ હતું. કળાની કદર માટે જાણીતા વડોદરા રાજમાં અનેક કલાકારો હતાં. માટે રેડિયો પર રજુ કરવાના કાર્યક્રમોની ઘટ પડે એમ ન હતી. વડોદરાના રેડિયો દ્વારા વડોદરાની જનતાને રાજગાયક ઉસ્તાદ ફૈયાઝ ખાંના કાર્યક્રમોનો નિયમિત લાભ મળતો હતો. તેમનો કાર્યક્રમ આફતાબ-એ-મૌસુકી નામે આવતો હતો.

એ સ્ટેશન વડોદરાના સલાટવાડા ચાર દરવાજા વિસ્તારમાં હતું. સયાજીરાવની ઈચ્છા તો રાજમહેલ સામેના એક મકાનમાં જ રેડિયો સ્ટેશન સ્થાપવાની હતી. પરંતુ એ પુરી થઈ શકી ન હતી. હવેનું સરકારી રેડિયો સ્ટેશન મકરપુરા વિસ્તારમાં છે. ૧૯૪૭માં ભારત આઝાદ થયા પછી રજવાડી રેડિયો લાંબો ચાલી શકે એમ ન હતો. માટે ૧૯૪૮માં વડોદરા સ્ટેટના રેડિયોને ઓલ ઈન્ડિયા રેડિયો સાથે ભેળવી દેવામાં આવ્યુ હતું. પછી તો અમદાવાદ-વડોદરા બન્ને સંયુક્ત સ્ટેશન જાહેર થતાં આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.. એ વાક્ય શ્રોતાઓમાં જાણીતુ બન્યુ હતું.

મૈસુરમાં ૧૯૩૬માં પોતાનું ખાનગી રેડિયો સ્ટેશન સ્થાપ્યા પછી મૈસુર યુનિવર્સિટીમાં સાઈકોલોજી ભણાવતા પ્રોફેસર એમ.વી.ગોપાલસ્વામીએ રેડિયો માટે આકાશવાણી નામ આપ્યું હતું. હવે તો એ નામ અપાર લોકપ્રિયતા ધરાવે છે અને રેડિયોની ઓળખ બની ચૂક્યુ છે. ઓલ ઈન્ડિયા રેડિયોનું (રોજ સવારે પ્રસારણ શરૃ થાય ત્યારે વાગતું) થિમ સંગીત પણ તેની ઓળખ બન્યુ છે.

એ ધૂન ચેકોસ્લોવેકિયાના સંગીતકાર વોલ્ટર કોફમેને કમ્પોઝ કરી હતી. જોકે બધા આ વાત સાથે સહમત નથી. કેટલાક ઈતિહાસકારોના મતે આ ધૂન ઠાકુર બલવંતસિંહે કમ્પોઝ કરી હતી. એ ધૂનમાં તાનપુરા, વાયોલા અને વાયોલિન એમ ત્રણ વાજિંંત્રનો ઉપયોગ થયો છે.