શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 7 સપ્ટેમ્બર 2013 (13:06 IST)

ઉત્સવ ઘેલા ગુજરાતીઓ ગણેશોત્સવની તૈયારીઓમાં તલ્લીન

દેવા હો દેવા ગણપતિ દેવા

P.R

રિધ્ધિ-સિધ્ધિ કે તુમ હો સ્વામી

દેવ નમામિ નમામિ નમામિ

સબ કે વિધ્ન હરો વિધ્નેશ

જય જય મંગલમૂર્તિ ગણેશ


ગણપતિ ઉત્સવમાં ગુજરાત ઘેલું બન્યું છે. ચારેય તરફ દુંદાળા દેવને પૂજવા શેરી અને ચોકમાં મંડપો સજી દેવામાં આવ્યા છે. કોઇપણ શહેર હોય, જાણે એવું લાગે કે સમગ્ર શહેર વિધ્નહર્તાની પૂજનમાં તલ્લીન છે ! દિવાળી-જન્માષ્ટ્રમી સમાન હવે ગણેશોત્સવનો માહોલ ગુજરાતમાં બની ગયો છે. એમ કહો કે, ગુજરાતીઓ હવે તહેવારોની ઉજવણીમાં મસ્ત બની ગયા છે. નવરાત્રી હોય કે શિવરાત્રી દરેક તહેવારને ગુજરાતીઓ શ્રદ્ધાપૂર્વક મનભરીને માણે છે. અગાઉ ગુજરાતમાં માત્રને માત્ર ચૈત્ર મહિનાની ચોથના દિવસે ગણેશનું પૂજન વિશેષ રીતે થતું હતું. આમ તો શ્રી ગણેશજીનું મહાત્મય ગુજરાતી સમાજે વર્ષોથી દરેક કાર્ય વખતે એવું વણી લીધું છે કે તેના વગર કોઇપણ કાર્યનો પ્રારભં જ કરી ન શકાય ! ચૈત્ર મહિનાની ચોથના દિવસે ઘરના એક ખૂણામાં શ્રી ગણેશજીનું સ્થાપન કરીને તેમને લાડુંનો પ્રસાદ જમાડવામાં આવતો, ઘરના પ્રવેશદ્રાર અને વ્યવસાયના પ્રવેશદ્રાર પર 'શ્રી ગણેશયા નમ:' એવું સીંદુરથી લખીને ગણેશજીની ભકિતનું આલેખન થતું, એ દિવસે સમગ્ર ઘરનું વાતાવરણ ગણેશમયી બની જતું, નાના-મોટા સહુના ઘરે ગણેશજીની નાની-નાની પ્રતિમાઓ જે કાયમી પૂજામાં હોય તેમનું સ્થાપન થતું, ગણેશજીને ધરાવાયેલા લાડુંને સાંજે ગૌધનને પ્રસાદ તરીકે અપાતા હતાં આ હતું ગુજરાતી ગણેશચોથનું મહાત્મય !

હવે ગુજરાતીઓ ચૈત્રસુદની ચોથને ભુલીને ભાદરવા સુદની ચોથને ઉજવવા લાગ્યા છે. જે અગાઉ ફકતને ફકત મહારાષ્ટ્રમાં ગણેશ ચર્તુથીની ઉજવણી થતી હતી તે ગણેશ ચતુર્થી હવે ગુજરાતમાં પ્રસરી ગઇ છે. પરિણામે લોકોને ગણેશજીની પૂજા કરવાનો એક વધુ અવસર સાંપડયો છે, પરંતુ સાથે-સાથે ગુજરાતીઓએ પોતાની આગવી ચૈત્રસુદ ચોથની ચર્તુથી પણ ન ભુલવી જોઇએ એ કહેવું અહીં અસ્થાને નહી ગણાય !

કહેવાય છે કે, મહારાષ્ટ્ર્રના મુંબઇમાં સાર્વજનિક ગણેશ ઉત્સવનો પ્રારભં કરાવનાર લોકમાન્ય તિલક હતાં. બાદમાં તો આ તહેવાર મુંબઇની સાથે-સાથે સમગ્ર મહારાષ્ટ્ર્માં અને હવે તો ગુજરાત સહિતના અનેક પ્રદેશોમાં પ્રસરી ચૂકયો છે. આમ પણ સમગ્ર ભારતમાં કોઇપણ કાર્યની શરૂઆતમાં વિધ્નહર્તાનું પૂજન પ્રથમ થાય છે, કારણ કે શિવજીએ પુત્ર ગણેશને એ પ્રકારના આર્શીવાદ આપ્યા છે. આથી નવું કાર્ય કરતા વિધ્નહર્તાનું પૂજન-અર્ચન કરવાથી આ કાર્યમાં વિધ્ન ન આવે અને તે સિદ્ધ થઇ પૂર્ણ થઇ શકે. શ્રી ગણેશજીના મહાત્મય માટે એક આખું ગણેશ પૂરાણ લખાયેલું છે જેમાં શ્રી ગણેશજીના બહાદુરી, ભોળપણ, ચતુરાઇ, મહાનતા, ગુસ્સો, ઉદારતા વગેરેની કથાનું આલેખન કરાયું છે.

ચતુર્થી લઇને પૂનમ સુધી હવે ગુજરાત ગણેશમયી રહેશે. સવાર અને સાંજના સમયે શેરી તથા મહોલ્લામાં દુંદાળા દેવની આરતી થતી રહેશે. છેલ્લે પૂનમના દિવસે શ્રી ગણેશજીની પ્રતિમાનું વિસર્જન શ્રધ્ધાળુઓ દ્રારા હોશેં-હોંશે કરાશે. અગીયાર દિવસ સુધી ભકિતનો માહોલ ફરી છવાયેલો રહેશે. શ્રાવણ મહિનામાં પિતા શિવજીની પૂજન-અર્ચન કર્યા બાદ હવે પુત્ર ગણેશજીની ભકિત કરવાનો અવસર ગુજરાતીઓને મળ્યો છે, ત્યાર બાદ આ જ ગુજજુઓ માતાજીની આરાધના કરવા નવરાત્રી ઉજવશે.
અગાઉ ગુજરાતના કોઇપણ શહેર લો ફકત એકાદ વિસ્તારમાં ગણેશ મહોત્સવ યોજાતો અને એ પણ જે તે મરાઠી મંડળો દ્રારા. એ વખતે આ મરાઠી મંડળો ગણેશજીની પ્રતિમાઓ છેક મુંબઇથી મંગાવતા અથવા તો રાજસ્થાની કારીગરને અગાઉથી ઓર્ડર આપીને પ્રતિમાઓ લાવતા. મૂર્તિઓનું એ જમાનામાં ગુજરાતમાં વેંચાણ કરવું એ સ્વપ્ને'ય વિચારી શકાય એમ ન હતું, કારણ કે જયાં ગુજરાતી ચોથનું મહત્વ હોય તો વળી અન્ય ચોથ ગુજરાતીઓ કઇ રીતે ઉજવી શકે ? જો કે ધીમે-ધીમે મિડીયાના રોલે આમાં પણ ભાગ ભજવ્યો. મુંબઇમાં ગણેશ મહોત્સવના કાર્યક્રમને ન્યૂઝ ચેનલો અને ધાર્મિક ચેનલોમાં જોરશોરથી પ્રચાર થતો.
એમા'ય એક-બે ધાર્મિક ચેનલોમાં તો ગણેશ વિસર્જન વખતે તમામ કાર્યક્રમોનું 'લાઇવ ટેલીકાસ્ટ' કરાતું. ન્યૂઝ ચેનલોમાં કયાં મહોલ્લાના ગણેશજી વધુ આકર્ષક છે ? તેના અહેવાલો રિલીઝ કરાતાં. ખાસ કરીને મુંબઇના દાદર-પરેલ વિસ્તારના 'લાલબાગ ચા રાજા' ગણેશજીનું તો અહોભાગ્ય કે તે હંમેશા દરેક વખતે ન્યૂઝ વેલ્યુંમાં પ્રથમ હરોળમાં હોય છે. જેને કારણે તેના વિશેના સમાચારો સતત વહેતા રહે છે.


P.R


થોડા વર્ષોમાં આની ઇફેકટ એટલી પરફેકટ બની કે, ગુજરાત સહિતના પ્રદેશમાં ભાદરવા સુદ ચોથનું મહત્વ વધી ગયું. લોકમાન્ય તિલકે શરૂ કરેલી સાર્વજનીક ઉજવણી હવે દેશના દરેક ખૂણે-ખૂણે પહોંચી ગઇ છે. આજે દરેક શહેરમાં ગણેશજીની પ્રતિમાઓ બનાવતા કારીગરો બારેમાસ વસવાટ કરવા લાગ્યા છે. આખું વર્ષ પ્રતિમાઓ બનાવીને તેનો સંગ્રહ કરી રાખે છે અને ગણેશ મહોત્સવ આવતાની સાથે આ ગણેશ પ્રતિમાઓ ચપોચપ વેંચાવા લાગે છે. પ્રતિમાઓની સાઇઝ અને તેની કારીગરી ઉપર કિંમતની મુલવણી થાય છે. એક શહેરમાં એક અંદાજ મુજબ ૩ થી ૪ હજાર પ્રતિમાઓનું વેંચાણ થાય છે. એક સમય એવો હતો કે, ગણેશજીની પ્રતિમા છેક બહારથી મંગાવવી પડતી હતી તેને બદલે હવે બારેમાસ પ્રતિમાઓ મળતી થઇ ગઇ છે !

આજની યગં જનરેશન પણ ફેસ્ટીવલ પ્રિય બની ચૂકી છે. આથી ગણેશજીના મહોત્સવની ઉજવણીમાં ચારચાંદ લાગી રહ્યા છે. જો કે જેમ-જેમ સાર્વજનીક મહોત્સવનો ક્રેઝ વધતો ચાલ્યો છે તેમ-તેમ પ્રોબ્લેમ્સ પણ વધતા રહ્યા છે. પ્રતિમાઓનું સર્જન દિવસે-દિવસે વધતું ગયું અને તેના વિસર્જન વખતે ઉભી થયેલી એન્વાયરમેન્ટ સમસ્યાને નાથવા હવે ધર્મપ્રિય પ્રજાને પર્યાવરણવિદો અપીલ કરી રહ્યા છે કે, પ્લાસ્ટર ઓફ પેરિસ, સિસુ, મરકયુરી, કેમીકલ્સ પેઇન્ટસવાળી ગણેશજીની મૂર્તિઓ ન ખરીદે. એન્વાયરમેન્ટ અવેરનેશ સાથે સંકળાયેલી કેટલીક સંસ્થાઓએ હવે પ્રતિમાઓ બનાવતા કારીગરોનો સંપર્ક કર્યેા છે. તેઓને સમજાવી રહ્યા છે કે, વિધ્નહર્તાની પ્રતિમાઓ પર્યાવરણને વિધ્ન ન પહોંચાડે તે માટે ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું સર્જન કરે અને વિધ્નહર્તાની સાચી ભકિત સાર્થક કરે !

મુંબઇમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ માટે ડો.નરેન્દ્ર દાભોલકરે ઝુંબેશ ચલાવેલી. ડો.નરેન્દ્ર આ મામલો છેક કોર્ટ સુધી લઇ ગયા. જેમાં અદાલતે પણ વાતને સ્વીકારી સમગ્ર સમાજનું કલ્યાણ થાય તે અર્થે ગણેશજીની પ્રતિમાઓને ઇકો ફ્રેન્ડલી બનાવવા હુકમ કરી ઠરાવ્યું કે, પ્લાસ્ટ ઓફ પેરિસ, સિસુ, મરકયુરી કે કેમીકલ્સ પેઇન્ટસનો ઉપયોગ કરવો નહીં. મહારાષ્ટ્ર્રમાં લાખોની સંખ્યામાં ગણેશજીની પ્રતિમાઓનું ઘરમાં સ્થાપન થાય છે ત્યારે આ પ્રતિમાઓ છેલ્લે જયારે સમુદ્રમાં વિસર્જીત થાય તો પર્યાવરણને પણ નુકશાન ન પહોંચે તે ખરેખર જાગૃત નાગરિક તરીકે વિચારવું પણ જોઇએ જ.

આજે ગણેશ સાર્વજનીક મહોત્સવ ફકત મહારાષ્ટ્ર્ર પૂરતો સીમીત નથી રહ્યો. જેમ તેનો વ્યાપ ગુજરાત અને અન્ય પ્રદેશોમાં પ્રસરી ગયો છે તે જ રીતે વિદેશની ભૂમિ પર પણ ગણેશ મહોત્સવ થવા લાગ્યા છે. લંડન હોય કે અમેરિકા સર્વત્ર વિધ્નહર્તાનું સ્થાપન કરી ખુબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવે છે. લંડનમાં કેટલીક સાંસ્કૃતિક સોસાયટીઓ દ્રારા ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે તો અન્ય દેશોમાં પણ વર્ષોથી વસવાટ કરતા ભારતીયો ગણેશમયી બની જાય છે. અહીં એ વાતનો પણ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, મુંબઇના 'લાલબાગ ચા રાજા'ની માહિતી હવે વિસ્તૃત રીતે 'વિકીપીડીયા'માં પણ પહોંચી ગઇ છે. ગણેશજીનું મહાત્મય જાણીને વિકીપીડીયાએ વર્ષ ૨૦૦૭માં આ ગણેશજીની વિસ્તૃત માહિતી મુકી દીધી છે. જેને કારણે દેશ-વિદેશમાં વસવાટ કરતા ભારતીયોની સાથે વિદેશના શ્રધ્ધાળુઓ પણ ગણેશજીના મહાત્મયને ફકત કોમ્પ્યુટર ઉપર એક કલીક દ્રારા જાણી શકે છે. 'ઇટસ મેઝીક ફોર ઇન્ડીયન કલ્ચર- લેટસ વી સેલીબ્રેટ ગણેશ મહોત્સવ, બટ ઇકો ફ્રેન્ડલી.'