ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 26 ઑગસ્ટ 2014 (14:46 IST)

એક જમાનો હતો જ્યારે કોઈ સાયકલ ખરીદે તો જાહોજલાલીનું પ્રતિક ગણાતુ

એક સમયે આખા દેશનાં શહેરોમાં કડકાઈથી અને ચૂસ્‍તપણે ટ્રાફીક પોલીસ નિયમોનું પાલન કરાવવા અંગે ખૂબ ગંભીર હતી. ઘણીવાર બાઈકસ્‍વારો ધૂમ સ્‍ટાઈલથી સર્પાકાર ફિલ્‍મો જેવા સ્‍ટંટો કરતા જોવા મળે છે. અનેકવાર કારચાલકો નંબર પ્‍લેટો વિના પૂરઝડપે બાઈકરો સાયકલિસ્‍ટો અને પગપાળા જનારાઓના ઉલાળીયા કરીને જતા રહેતા જોવા મળે છે.

   શહેરોના મુખ્‍ય ટ્રાફીક પોઈન્‍ટો પર પોલીસોના જમેલા અને વોર્ડન બેબ્‍સની હાજરી વચ્‍ચે પણ વાહનચાલકોને ટ્રાફીકની લાલ, લીલી કે પીળી લાઈટો તરફ જોવાની જરાયે જરૂર કે ફુરસદ પણ લાગતી નથી. જલ્‍દી જલ્‍દીની લ્‍હાયમાં કદાચ માણસ સલામતીના નિયમો થોભો, જુઓ અને જો જોખમ ન લાગે તો આગળ વધો ને સાવ ભૂલી ગયો હોય તેવુ લાગે છે. શહેરીજન કમનસીબે જ્‍યારે અકસ્‍માતનો ભોગ બને છે ત્‍યારે જ ગંભીર બને છે અને ત્‍યારે ખુદ તેના માટે અને તેના પરિવાર માટે ખૂબ મોડું થયુ હોય છે. ઘણીવાર બેદરકારીથી વાહનચાલકોને હાથે કરીને જિંદગીથી હાથ ધોતા નજરોનજર નિહાળતા દુઃખ થાય. બાઈક પર સમાય તેટલા સભ્‍યો ચડી બેસે. બાઈકસવાર માથું નમાવીને કાન અને ખભ્‍ભા વચ્‍ચે મોબાઈલ ગોઠવીને ખૂબ ટ્રાફીક વચ્‍ચે અને ધૂમ સ્‍પીડે ગાડી ચલાવતા ચલાવતા વાતો કરે! ઘણીવાર સલામતીના નિયમો અને જિંદગીની ખેવનાની ઐસીતૈસી કરીને કેટલાક બાઈકર્સો ચાલુ સવારીએ મિત્રોને એસ.એમ.એસ. પણ કરતા હોય છે. ખતરાનાં ખેલાડીઓના આવા અવનવા જોખમી અખતરાઓની કલ્‍પનાઓ પણ વિચારકો-ચિંતકોને ધ્રુજાવી દે છે.

   હમણા હમણા જિઓગ્રાફી ચેનલે આવા લોકો માટે ‘સાયન્‍સ ઓફ સ્‍ટુપિડ' અર્થાત મુર્ખાઈનું વિજ્ઞાન શિર્ષકથી સરસ મજાનો કાર્યક્રમ ચાલુ કર્યો છે. જેમાં ધીરેથી છતા જોરદાર લાગતા ઝટકાઓના અનુભવો જ્ઞાન અને ગમ્‍મત સાથે પીરસવામાં આવે છે. ખોટા સાહસવીરોએ આવા પ્રોગ્રામો જરૂર જોવા જોઈએ. અચ્‍છા, વિચારોની સાયકલને ઉંધા રસ્‍તેથી સાવ સાચા પાટા પર લાવીએ. આજની તારીખે સાયકલ વાહન,  વ્‍યવહારનું સાવ સામાન્‍ય અને બીનજોખમી વાહન સાધન છે. સિવાય તેનો ઉપયોગ વિદ્યાર્થીઓ અને કેટલાક મજુરો કરે છે. સાયકલથી ઘણા કસરત પણ કરે છે.

   સાયકલીંગને લગતુ કેટલુક જાણેલુ અને થોડુંક અનુભવેલુ જણાવુ છું. એક જમાનો આવો પણ હતો. કોઈ સાયકલ ખરીદ કરતુ તો તેનુ ફરજીયાત રજીસ્‍ટ્રેશન કરાવવુ પડતુ હતું. જેના અનુસંધાને સાયકલોને અન્‍ય વાહનોની જેમ નંબરો પણ આપવામાં આવતા હતા. જે તે વખતે ચીફ ઓફિસર તરીકે વજુભાઈ વાળાએ એક બ્રાહ્મણ સજ્જનને બજરંગવાડી ૧૯૬૨-૬૬ વચ્‍ચેની સાલમાં સાયલના ૨૫૬ નંબર આપેલા. આ સમયે એટલાસ અને હરકયુલીસ કું.ની સાયકલોનું જ વેચાણ હતું. જેની કિંમત ફકત ૬૦ - ૬૫ રૂપિયા જેટલી હતી.

   સાયકલ રાત્રે ચલાવવાની હોય તો આગળ સફેદ અને પાછળ આછા પ્રકાશ આપતી આગલા પાછલા વ્‍હીલ સાથે ડાયનેમો સંચાલિત લાઈટ જરૂર રાખવી પડતી હતી. સિવાય ટોકરી, ટંકોરી, બેલ કે બેટરી સંચાલિત હોર્ન પણ રાખવા ફરજીયાત હતા. હોર્નમાં એવરરેડીના સેલ વપરાતા. આ સેલની કિંમત એ સમયે એક દોઢ કે બે રૂપિયા જેટલી માંડ હતી. આવા સેલ વેચતા વેપારીઓ પણ બે ત્રણ જ હતા. સાયકલ ર ડબલસ્‍વારીની સખત મનાઈ હતી.

   ઉપરોકત નિયમોનું ઉલ્લંઘન કરનાર પાછળ ટ્રાફીક પોલીસ વ્‍હીસલ બ્‍લોઈંગ, સિસોટી વગાડતી દોડતી અને ગુન્‍હેગારને મતલબ સાયકલીસ્‍ટને પકડતી અને નિયમોનુસાર દંડ સજાના કાગળો ફટકારતી. એ વખતે ટ્રાફીક પોલીસ પાસે પહોંચ રૂપ કેસ મેમો ફાડવાની સત્તા ન હતી. ગુન્‍હેગાર સાયકલીસ્‍ટે કોર્ટ કચેરીમાં એક બે કે ત્રણ રૂપિયા દંડ ભરવો પડતો હતો. માલિક રૂા. ૧૦ ના હપ્તાથી બજારમાં સાયકલો વેચાતી હતી.

   લગભગ ૧૯૬૦-૭૦ના દાયકામાં ગામડાગામમાં કોઈ સાયકલ ખરીદે તો જાહોજલાલીનું પ્રતિક ગણાતુ હતું. બે-પાંચ ગામ વચ્‍ચે એકાદ સાયકલ જોવા મળતી. બે પૈડાવાળુ સાયકલ સાધન ચલાવતા આવડવુ એ બહુ કુશળતાનું કામ ગણાતું.

   આજે ૨૦૧૪મા ટ્રાફીક પોઈન્‍ટ પરથી પસાર થતી સાયકલની કોઈ નોંધ પણ લેતુ નથી. નવી સાયકલ કરતા ટીપટોપ કન્‍ડીશનમાં ચાલતુ કાઈનેટીક લુના લોકોને અડધી કિંમતે મળે છે. લુના, બજાજના એઈટી કે હીરો કું.ના પુક મોપેડ ચલાવનારને કોઈ ટ્રાફીક પોલીસ જેવુ નડતુ નથી. સૂચવેલા ઉપરોકત મોપેડો મિત્રો કે ફેમીલીના નાના મોટા ત્રણેક સવારો સાથે અને લાઈટ, હોર્ન, લાયસન્‍સ કે નંબર પ્‍લેટો વિના બીનધાસ્‍તપણે અને બેફામ રીતે રાજકોટ શહેરમાં તો ચલાવી જ શકાય છે. આવુ કચ્‍છ સૌરાષ્‍ટ્ર અને સમગ્ર ગુજરાતમાં પણ હોવું જ જોઈએ. કોઈ શક?!