શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 23 જુલાઈ 2014 (12:43 IST)

કાગડા બધે જ કાળા નથી હોતા, છોટાઉદેપુરમાં સફેદ કાગડો દેખાયો

વર્ષોપુરાણી જાણીતી ઉક્તિ છે કે કાગડા બધે જ કાળા.. જોકે આ ઉક્તિને ખોટી ઠેરવે તેવો કિસ્સો તાજેતરમાં બન્યો છે.  છોટાઉદેપુર નજીકના વન્ય ક્ષેત્રમાં જીવસૃષ્ટીના નિરીક્ષણ અને અભ્યાસ માટે નીકળેલા શહેરના પ્રકૃતિ પ્રેમી યુવક-યુવતીઓની ટુકડીને તાજેતરમાં જંગલ વિસ્તારમાં એક સફેદ કાગડો જોવા મળ્યો હતો. અનેક પશુ-પક્ષીઓથી ભરેલા વન્ય વિભાગમાં પ્રથમવાર જોવા મળેલા સફેદ કાગડાને જોઈને ટુકડીના સભ્યો પણ ભારે અચંબામાં પડયા હતા અને કાગડો ઉડી જાય તે અગાઉ ભારે જહેમત બાદ તેના ફોટા પાડયા હતા.

હિન્દુ ધર્મમાં મરણપ્રસંગ તેમજ શ્રાધ્ધ પર્વમાં ભારે મહત્વ ધરાવતાં કાળા કાગડા માનવોના રહેણાંક વિસ્તારમાં દેખાતું સામાન્ય પક્ષી છે. કાગડા માટે વર્ષોજુની કહેવત પણ જાણીતી છે કાળા બધે જ કાળા. જોકે કાગડા બધે જ કાળાં નથી હોતા તેનો તાદશ અનુભવ તાજેતરમાં શહેરના પ્રકૃતીપ્રેમી યુવક-યુવતીઓની ટુકડીને થયો હતો. ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ ઓફ ગુજરાતના પ્રોજેક્ટ કોઓર્ડીનેટર અને જીઆઈએસ એક્ષપર્ટ પ્રિતેશભાઈ પટેલ તેમજ વન્ય જીવોના નિષ્ણાત કાર્તિકભાઈ ઉપાધ્યાય સહિતની સાત યુવક-યુવતીઓની ટુકડી તાજેતરમાં છોટાઉદેપુરના જંગલ વિસ્તારમાં જીવસૃષ્ટિના નિરિક્ષણ તેમજ અભ્યાસ માટે પરિભ્રમણ કરવા માટે નીકળી હતી. પરિભ્રમણ દરમિયાન છોટાઉદેપુર પાસે સુખી ડેમ નજીકના જંગલ વિસ્તારમાં એક ઝાડ પર તેઓને સફેદ રંગનું પક્ષી જોવા મળ્યું હતુ. તેના નિરિક્ષણ દરમિયાન તે કાગડો હોવાની જાણ થતાં જ ટીમમાં સામેલ તમામ સભ્યો અચંબિત થયા હતા.

તેઓએ સફેદ કાગડાના ફોટા પાડતાં જ તે તુરંત ઉડીને જંગલ વિસ્તારમાં અદ્રશ્ય થયો હતો. તેના ફોટાના આધારે ટુકડીએ નિરિક્ષણ કરતાં તે સફેદ કાગડો હોવાની જાણ થહતી. આ અંગે પ્રિતેશભાઈ અને કાર્તિકભાઈએ જણાવ્યું હતું કે તેઓ ઘણા વર્ષોથી ગુજરાતના વિવિધ વન્ય ક્ષેત્રો તેમજ જંગલ વિભાગમાં ભ્રમણ કરી રહ્યા છે પરંતું સફેદ કાગડો પ્રથમવાર જોવા મળ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે કાળા રંગ અન કર્કશ અવાજના કારણે કાગડાને ભલે લોકો પસંદ કરતાં નથી પરંતું કાગડા ખરેખરમાં કુદરતનો સફાઈ કામદાર છે. તે માનવીઓ દ્વારા ત્યજી દેવાયેલા ઘનકચરા તેમજ એઠવાડ અને મરી ગયેલા જીવડા અને પશુપક્ષીઓના માંસ આરોગી કુદરતી સ્વચ્છતાનું સંતુલન જાળવી રહ્યા છે.