બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 20 ઑક્ટોબર 2014 (14:34 IST)

કાળી ચૌદશે હનુમાનદાદાની ભકિત અને સાધનાથી ધાર્યા ચમત્કાર અને શકિતની પ્રાપ્તિ થતી હોવાનું મહાત્મ્ય

કાળી ચૌદશને લઇ રાજયના વિવિધ સુપ્રસિધ્ધ હનુમાનજી મંદિરોમાં મહાઆરતી, હોમ-હવન અને યજ્ઞાનું આયોજન કરાયુ છે, જે અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શ્રીરામભકત હનુમાનજીની સાધના અને કવચશકિતની પ્રાપ્તિ માટે કાળીચૌદશની પૂજાનું બહુ જ મહાત્મ્ય છે. કાળી ચૌદશના દિવસે હનુમાનજી દાદાની આકરી તપશ્ચર્યા અને સાધના કરી ભારે ચમત્કારિક શકિત અને સંકટોમાંથી મુકિત પામી શકાય છે. તંત્ર-મંત્ર, મેલુ-વળગાડ દૂર ભગાડવા માટે પણ હનુમાનજીની અપાર શકિતના પરચાનો આ અસાધારણ દિવસ મનાતો હોઇ શહેરના કેમ્પ હનુમાનજી મંદિર, સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, ગાંધીનગરના ડભોડાના સુપ્રસિધ્ધ ડભોડિયા હનુમાનદાદા, માણસા તાલુકાના લોદરાના બાલાહનુમાનજી સહિતના મંદિરોમાં  કાળા દોરા-ધાગા અને યંત્રની પણ વિશેષ પૂજાનું વિશેષ આયોજન કરાયું છે.

સાળંગપુરના કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, ડભોડાના ડભોડિયા હનુમાનજી મંદિર અને લોદરાના બાલા હનુમાન ખાતે તો કાળી ચૌદશને લઇ મેળા જેવો માહોલ જામશે. આ મંદિરોમાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુ દર્શનાર્થીઓ દાદાના દર્શનાર્થે ઉમટશે. સાળંગપુર કષ્ટભંજન દેવમંદિર ખાતે કાળીચૌદશના દિવસે સવારે સવા પાંચ વાગ્યે દાદાની મંગળાઆરતી, ૭-૦૦ વાગ્યે શણગાર આરતી, ૭-૩૦ વાગ્યાથી ભવ્ય મારૃતિ યજ્ઞા, ૮-૩૦ વાગ્યે પંચમુખી હનુમાનજીનો પંચામૃત, કેસરયુકત જળ અને તેલથી અભિષેક, ૯-૦૦ વાગ્યે કષ્ટભંજન દેવ હનુમાનજી દાદા મૂર્તિ પાસે જે ચમત્કારિક લાકડી છે તેનો અભિષેક, ત્યારબાદ દાદાની સન્મુખ અન્નકુટ ધરાવાશે અને ૧૨-૦૦ વાગ્યે અન્નકુટ આરતી, બીજીબાજુ, લાખોની સંખ્યામાં આવનાર શ્રધ્ધાળુ ભકતો માટે ૧૧-૦૦થી બપોરે ૩-૦૦ દરમ્યાન પ્રસાદી(ભોજન વ્યવસ્થા) સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ જ પ્રકારે ગાંધીનગર જિલ્લાના ડભોડા ખાતેના ડભોડિયા હનુમાનજી મંદિરમાં ધનતેરસની રાત્રે ૧૨-૦૦ વાગ્યે કાળી ચૌદશ જેવી શરૃ થાય કે તરત જ દાદાની મહાઆરતીનું આયોજન કરાયું છે. દાદાની મૂર્તિ સ્વયંભુ અને સાક્ષાત્ હોવાથી એક હજાર વર્ષ કરતાં પણ વધુ પ્રાચીન એવા ડભોડિયા હનુમાન દાદાના દર્શન ચમત્કારિક છે. કાળી ચૌદશને લઇ લોકમેળાનું આયોજન થાય છે તો સાથે સાથે દેશ-વિદેશથી આવતા લાખો શ્રધ્ધાળુઓ માટે દાદાને ધરાવેલા કાળા દોરા અને તાવીજ ખાસ કાળીચૌદશના દિવસે વિતરણ કરાય છે. લાખોની સંખ્યામાં દર્શનાર્થે આવતાં શ્રધ્ધાળુઓ દાદાની કાળીચૌદશની લાઇવ આરતીનો લાભ લઇ શકે તે હેતુથી ડભોડિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટી મંડળ તરફથી ત્રણ વિશાળ એલઇડી સ્ક્રીન પણ ગોઠવવામાં આવી છે. દાદાના ભકતો માટે  ભોજન-પ્રસાદીનું પણ આયોજન કરાયુ છે.
આ જ પ્રકારે શહેરના કેમ્પ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આવેલા કેમ્પ હનુમાનજી મંદિર ખાતે પણ કાળી ચૌદશના દિવસે રાત્રે ૧૨-૦૦ વાગ્યે દાદાની મહાઆરતીનું આયોજન કરાયું છે. આ સિવાય દાદાના દર્શનાર્થે આવનાર લાખો ભકતોને ખાસ પૂજા-મંત્રિત કરાયેલા દોરા-ધાગા અને પ્રસાદીનું વિતરણ કરાશે. આર્મી દ્વારા કાળીચૌદશને લઇ રાત્રે ૧૨-૦૦ વાગ્યા સુધી દર્શનાર્થીઓને મંદિર પરિસરમાં દર્શનાર્થે જવાની ખાસ મંજૂરી આપવામાં આવી છે. તો માણસા તાલુકાના સુપ્રસિધ્ધ લોદરાના બાલા હનુમાનજી મંદિર ખાતે પણ કાળી ચૌદશના દિવસે દાદાના હવન-યજ્ઞા અને રાત્રે ૧૨-૦૦ વાગ્યે મહાઆરતીનું આયોજન કરાયું છે. શ્રધ્ધાળુઓ દૂર-દૂરથી કાળીચૌદશના યજ્ઞા અને આરતીમાં ભાગ લેવા અને દાદાના ચમત્કારિક આશીર્વાદ લેવા આવે છે. કાળી ચૌદશની દાદાની ભકિત અને સાધનાથી ધાર્યા ચમત્કાર અને શકિતની પ્રાપ્તિ થતી હોઇ તેનું બહુ મહાત્મ્ય હોય છે.