શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 28 નવેમ્બર 2014 (17:00 IST)

કેદી પત્નીને લઇને ફરાર, પોલીસને સદ્દભાવના ભારે પડી !

પોલીસ કેદીને તેના પરિવારને મળવા ઘરે લઇ ગઇ, તો કેદી પત્નીને લઇને ફરાર

શહેરના સરદારનગર વિસ્તારમાં મારામારીના અનેક ગુનામાં સંડોવાયેલા શખસની પાસા હેઠળ અટકાયત બાદ તેને વડોદરાની જેલમાં મોકલી આપવાના બદલે કોન્સ્ટેબલ પરિવારજનોને મળવા લઈ જતા "પાસાનો આરોપી પોલીસ કર્મચારીને થાપ આપીને પત્ની સાથે ફરાર થઈ ગયો હતો. પોલીસે બંનેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર મારા-મારીના ગુનામાં સંડોવાયેલો દીપક ઉર્ફે દીપુ હરેશ વાગડિયા (રહે. ભીલવાસ, સરદારનગર) એક ગુનામાં વોન્ટેડ હતો. જેથી તે આગોતરા જામીન મેળવીને પોલીસ સમક્ષ હાજર થયો હતો. પોલીસે તેની સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને અટકાયત કરી હતી તેમજ તેને વડોદરાની જેલમાં મોકલી આપવા ઉચ્ચ અધિકારીઓએ આદેશ કર્યો હતો. જે અંતર્ગત કોન્સ્ટેબલ અજિતસિંહ સહિત બે કર્મચારીને સરકારી વાહનમાં તેને વડોદરા લઈ જવા હુકમ કરાયો હતો.

પરંતુ અજિતસિંહે સાથી કર્મચારીની રાહ જોયા વગર તેને વડોદરા લઈ જવાની કવાયત આરંભી હતી. બીજી તરફ દીપકે પરિવારજનોને મળવાનું કહેતા અજિતસિંહ સરદારનગર વિસ્તારમાં રહેતા તેના મિત્ર બોડાજીના ઘરે લઈ ગયા હતા. જ્યાં પોલીસ કર્મચારીને થાપ આપીને દીપક તેની પત્ની નિશા સાથે ફરાર થઈ ગયો હતો.
આરોપી દીપક ફરાર થઈ જતા પોલીસ કર્મચારીએ તેની શોધખોળ કર્યા બાદ ઉચ્ચ અધિકારીને જાણ કરી હતી.

આ બનાવ અંગે પોલીસે દીપક, તેની પત્ની નિશા, મિત્ર બોડાજી અને અજિતસિંહ સામે ગુનો નોંધી બોડાજી તથા કોન્સ્ટેબલ અજિતસિંહની અટકાયત કરીને પૂછપરછ આરંભી હતી. તેમજ કુખ્યાત દીપક ઉર્ફે દીપુ અને તેની પત્ની નિશાને ઝડપી લેવા નાકાબંધી કરી હતી.

જોકે, મોડે સુધી તેઓ પોલીસના હાથ લાગ્યા ન હતા. પાસા હેઠળ ગુનેગારની અટકાયત બાદ ગણતરીના કલાકોમાં જ પોલીસ કર્મચારીને થાપ આપીને તે ફરાર થઈ જતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો હતો.


વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.