શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 27 ડિસેમ્બર 2013 (10:56 IST)

કેશુભાઈ પટેલ નિરાશ: રાજકીય નિવૃત્તિ જ જાહેર કરે તેવી સંભાવના

ગુજરાત સમાચાર

P.R
ગુજરાત પરિવર્તન પાર્ટીના સ્થાપક પ્રમુખ કેશુભાઈ પટેલ તેમના પુત્ર ભરત પટેલની રાજકીય એષણા અને કારર્કિદી માટે રાજકીય નિવૃત્તિ લે તેવી સંભાવના સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેશુભાઈ ધારાસભ્યપદેથી રાજીનામું આપી દે અને તેમની ખાલી પડેલી જગ્યાએ ભાજપ ભરત પટેલની ટિકિટ આપીને ધારાસભ્ય બનાવીને તેમને પ્રધાનપદ આપવામાં આવે તેવી શક્યતા પણ સૂત્રોએ વ્યક્ત કરી છે.

ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના પાયાના કાર્યકર રહી ચૂકેલા કેશુભાઈ પટેલની ભાજપમાં થતી અવમાનના બદલ તેમણે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) છોડીને ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી)ની રચના કરી હતી. આ જીપીપીએ ગત વિધાનસભાની ચૂંટણીમાં માત્ર બે બેઠક મેળવી હતી, જેમાં એક કેશુભાઈ પટેલ અને બીજા ધારીના નલિન કોટડિયાનો સમાવેશ થાય છે. જેના કારણે કેશુભાઈ પટેલ નિરાશ થયા હતા. દરમિયાનમાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે નિકટતા કેળવી હતી.

દરમિયાનમાં બે દિવસ પહેલા કેશુભાઈના પુત્ર ભરત પટેલ વિધિવત્ રીતે પુનઃભાજપમાં જોડાયા હતા. ભરત પટેલના ભાજપમાં પુનઃ જોડાણથી અનેક જાતના તર્ક-વિર્તકો ઉદ્ભવી રહ્યા છે. આ અંગે અંતરંગ સૂત્રોના જણાવ્યા મુજબ ભરત પટેલની રાજકીય એષણાને સંતોષવા માટે કેશુભાઈ પટેલ રાજકીય નિવૃત્તિ લઈ લે તેવી સંભાવના છે. કેશુભાઈ નજીકના સમયમાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેશે. કેશુભાઈની ખાલી પડેલી જગ્યાએ ભાજપ કેશુભાઈના પુત્ર ભરત પટેલને ટિકિટ આપીને તેમને જીતાડવામાં આવશે. ત્યાર બાદ તેમને પ્રધાનપદ સોંપવામાં આવે તેવી પણ એક હિલચાલ ચાલી રહી છે.

કેશુભાઈના પુત્ર ભરત પટેલના ભાજપમાં પુનઃ પ્રવેશ અંગે જીપીપીના ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે ભરતભાઇને અમે શુભેચ્છા પાઠવી છે. કેશુભાઈ જીપીપી સાથે સંકળાયેલા જ છે અને રહેશે. આગામી લોકસભાની ચૂંટણીમાં પણ જીપીપી ભાજપની સામે લડશે.