શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 30 જાન્યુઆરી 2014 (13:32 IST)

ખૂરશી કરાવે ખેલઃ મોદી પોતે ‘નમો’ ટી સ્ટોલ પર ચા પીને પ્રચાર અભિયાનનો પ્રારંભ કરાવશે

P.R
લોકસભા-૨૦૧૪ની ચૂંટણી હવે ગણતરીના મહિનામાં યોજાવાની છે ત્યારે મુખ્ય પ્રધાન અને ભાજપના વડા પ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની કોમનમેનની છબીને ઉજાગર કરવા માટે તા. ૧લી ફેબ્રુઆરીથી ‘નમો’ ટી સ્ટોલ શરૂ કરીને પ્રચાર અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. જેમાં ચાની લારીઓ, કેન્ટીનો પર નૂક્કડ સભાઓ યોજીને પ્રચાર કરવામાં આવશે જેનો પ્રારંભ ગાંધીનગરથી કરાશે જ્યાં નરેન્દ્ર મોદી પોતે ‘નમો’ ટી સ્ટોલ પર જઈને ચા પીને પ્રચાર અભિયાનનો શુભારંભ કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ આગામી લોકસભાની ચૂંટણીના પ્રચારમાં ભાજપ હવે સમાજના વિભિન્ન વર્ગોને સાંકળીને કાર્યક્રમો આયોજિત કરી રહી છે. જેમાં ગુજરાત સહિત દેશભરમાં નમો ટી સ્ટોલ ઊભા કરીને ચૂંટણીનો પ્રચાર કરવામાં આવશે. આવતા મહિને ૩૦૦ જેટલા સંસદીય વિસ્તારોમાં ૧૦૦૦ જેટલા નમો ટી સ્ટોલ ઊભા કરવામાં આવશે જ્યાં નૂક્કડ સભાઓ યોજાશે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી નમો ટી સ્ટોલ ચલાવવામાં આવશે. વડા પ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અડધો ડઝન જેટલાં ટી સ્ટોલ પર જઈને નૂક્કડ સભાઓને સંબોધશે.

ભાજપના સૂત્રોના કહેવા મુજબ ‘ચા’ની કેન્ટીનો નજીક નૂક્કડ સભાઓ યોજવાની રણનીતિના ભાગરૂપે અત્યાર સુધીમાં ૫૦૦ જેટલા ચાની કિટલીવાળાઓનો સંપર્ક કરવામાં આવ્યો છે જ્યાં નમો, નમો ટી સ્ટોલના બેનર્સ-પોસ્ટર લગાવીને સભાઓ યોજવામાં આવશે.

જો આ અભિયાનને સફળતા મળશે તો દેશના અન્ય રાજ્યોમાં પણ નમો ટી સ્ટોલ દ્વારા જ પ્રચાર કરવામાં આવશે. નમો ટી સ્ટોલ પર ભાજપની જનકલ્યાણની યોજનાઓ, મોદીના વિકાસ મોડલની સફળતાની લોકોને માહિતી આપવામાં આવશે તેમ જ કેન્દ્રની યુપીએ સરકારના કારણે વધેલી મોંઘવારી બેરોજગારી અને ભ્રષ્ટાચારની માહિતી પણ આમ જનતાને આપવામાં આવશે.