શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 21 મે 2015 (17:23 IST)

ગંદકી ફેલાવવી, ખુલ્લામાં કચરો ફેંકવો અપરાધ ગણાશે

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના સ્‍વચ્‍છ ભારત અભિયાનને કાનૂની આધાર આપવા માટે કેન્‍દ્ર સરકાર ગંદકી ફેલાવવા, ખુલ્લામાં કચરો ફેંકવા, ઇલેકટ્રોનીક કબાડ જમા કરવાને અપરાધની શ્રેણીમાં સામેલ કરવા વિચારણા કરી રહી છે. આ ગુન્‍હા માટે કસુરવાર થવા પર દંડ ભરવો પડશે.

   પર્યાવરણ અને વન મંત્રાલયના સુત્રોના જણાવ્‍યા પ્રમાણે જાહેર સ્‍થળોને વિકૃત કરવા અને પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીક થેલા, પોલીથીલીનના ઉપયોગને પણ ગુન્‍હો ગણવામાં આવશે. કેન્‍દ્રનું માનવુ છે કે, કાનૂની ઢાલ મળવાથી સ્‍વચ્‍છતા અભિયાનને જારી રાખવામાં સફળતા મળશે.

   સુત્રોના જણાવ્‍યા પ્રમાણે આ બાબત સંસદના ચોમાસુ સત્રમાં પર્યાવરણ સંબંધી એક સંશોધન બીલ રજુ કરવામાં આવશે. સરકારનો ઇરાદો છે કે, જાહેર સ્‍થળો પર તબીયત માટે ખતરો ઉભા કરનાર આ ઉલ્લંઘનોને બીનસંજ્ઞનેય અપરાધની શ્રેણીમાં સામેલ કરી લોકોને સાવચેત કરવામાં આવશે અને સફાઇ અભિયાનને સફળ બનાવવામાં આવશે.

   સુત્રોનું કહેવુ છે કે, વર્તમાન પર્યાવરણ (સંરક્ષણ) કાનૂન (ઇપીએ) હેઠળ આ પ્રકારના ગુન્‍હા પર આર્થિક પેનલ્‍ટી કે દંડની જોગવાઇ નથી. આ પ્રકારના ઉલ્લંઘન પર વર્તમાન દંડ વ્‍યવસ્‍થા પણ સફળ સાબીત નથી થઇ. નવી જોગવાઇઓ બાદ દંડાત્‍મક રોક અને સામાજીક જાગૃતત્તાથી સ્‍વચ્‍છતા અભિયાનને એક નવી દિશા મળશે.

   સુત્રોનુ કહેવુ છે કે, નવા સંશોધનો બાદ પર્યાવરણ સંરક્ષણ કાનૂનમાં ગંદકી ફેલાવવાના અપરાધને ગુન્‍હો ગણવામાં આવશે. આ ગુન્‍હામાં ધરપકડ થવા પર એફઆઇઆર નોંધવા કે ધરપકડની જરૂર નહી પડે પરંતુ આ પ્રકારના અપરાધ (લોકોના સ્‍વાસ્‍થ્‍ય માટે ખતરો ઉભો કરવા)માં ઓન ધ સ્‍પોટ જ આરોપી પાસેથી દંડ વસુલવામાં આવશે.

   સુત્રોના જણાવ્‍યા પ્રમાણે આ દંડ રૂ.પ૦૦નો થઇ શકે છે. જો કે દંડની રકમ કેન્‍દ્રીય કાનૂનથી નિર્ધારીત સ્‍થાનિય નિગમ કાનૂનના આધાર પર નક્કી કરવામાં આવશે. સુત્રોના જણાવ્‍યા પ્રમાણે આ મામુલી અપરાધમાં પ્રતિબંધિત સામગ્રી જેમ કે પ્‍લાસ્‍ટીકની થેલી વગેરેના ઉત્‍પાદન, તેનો સંગ્રહ કરવાની બાબત પણ સામેલ હશે. તેમાં આવી થેલીના ઉત્‍પાદન, તે રાખવા અને તેના ઉપયોગ ઉપર નિયંત્રણ કે પ્રતિબંધ મુકાશે. નક્કી કરેલી થીકનેશ કરતા જો તેમાં વધઘટ હશે તો દંડ પણ થશે.

   સુત્રોના જણાવ્‍યા પ્રમાણે ભારત હવે સમૃધ્‍ધ બની રહ્યો છે અને તેથી ભારતમાં પર્યાવરણની ગુણવત્તા જળવાય તે જરૂરી છે. ત્‍યારે લોકોએ અને ઉદ્યોગોએ જવાબદાર બનવાની જરૂર છે. પર્યાવરણ અને વનમંત્રી પ્રકાશ જાવડેકર પર્યાવરણ એકટમાં ફેરફારો કરવા તૈયારી કરી રહ્યા છે.