બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 18 ડિસેમ્બર 2014 (17:27 IST)

ગાયકવાડ શાસન વખતનાં નજરબાગ પેલેસનો ૨૦ લાખ રૂપિયાનો વેરો બાકી

વડોદરા શહેરની મધ્યે માંડવી સમીપ આવેલો નજરબાગ પેલેસ ગાયકવાડ શાસનના પાયાની મજબૂત ઇમારત હતી. આઝાદી પછી રાજા-રજવાડાઓનું સરદાર પટેલે વિલિનીકરણ કર્યા પછી ઐતિહાસિક ધરોહર ગણાતી નજરબાગ પેલેસની ભવ્ય ઇમારત કાળક્રમે ગાયકવાડ પરિવારના આંતરિક ખટરાગને કારણે ઉપેક્ષિત રહ્યા પછી ગત વર્ષે ગાયકવાડ પરિવારમાં અબજો રૂપિયાની મિલકતોની વહેંચણી થયા પછી નજરબાગ પેલેસની જર્જરિત ઇમારતને ઉતારી લેવાઈ હતી. હવે તે સ્થળ નજરબાગ પેલેસની જગ્યાએ નજરબાગ લેન્ડ એસ્ટેટ બની ગયું છે.

ઉપરોક્ત સ્થળે ભવ્ય શોપિંગ મોલ બનાવવાનો તખ્તો ગોઠવાઈ ગયો છે અને વડોદરા સુધરાઈ પાસે નકશો મંજૂરી માટે મોકલી પણ અપાયો છે ત્યારે સન ૨૦૦૩થી ૨૦૧૪ સુધીના વર્ષોમાં નજરબાગ પેલેસની પ્રોપર્ટીનો આશરે ૨૦ લાખ રૂપિયાનો વેરો બાકી નીકળતા વડોદરા સુધરાઈના વોર્ડ ઓફિસરે નજરબાગ લેન્ડને સીલ મારી દેતાં ગાયકવાડ પરિવારના પ્રતાપસિંહના કુટુમ્બીજનોમાં દોડધામ મચી ગઈ હતી.

જૂના વડોદરા શહેરમાં સંખ્યાબંધ હેરીટેજ ખાનગી ઇમારતો આવેલી છે. આમાંથી કેટલીક ઇમારતો પડું પડું થઈ રહી છે ત્યારે વડોદરા કોર્પોરેશને આ મામલે યોગ્ય પગલાં ભરવાં જોઈએ તેવી લોકોમાં લાગણી છે.