ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 18 નવેમ્બર 2013 (11:35 IST)

ગિર અભયારણ્યને દિવાળી ફળી, સિંહોના બચ્ચા જોવા લોકોએ રીતસરની લાઈનો લગાવી

P.R


એશિયાઈ સિંહોના નિવાસસ્થાન ગિર અભયારણ્યમાં પ્રવાસીઓના સર્જાયેલા નવા રેકોર્ડ માટે મૂક્ત મને જંગલમાં વિહરતા સિંહબાળ જોવાનો અનેરો લ્હાવો કારણભૂત ગણાવવામાં આવી રહ્યો છે. સિંહોની સાથે બચ્ચાઓને જોઈને પ્રવાસીઓ રીતસરના અભિભૂત બની ગયા હતાં. બીજી તરફ પ્રવાસીઓની સંખ્યા વધતા સમગ્ર પંથકમાં ટુરીઝમ આધારિત નવી રોજગારીનું સર્જન થયું છે. આ વખતે લોકોએ પોતાના ખેતરમાં સહેલાણીઓને ઉતારો આપીને ઓળોને રોટલાના ભોજન કરાવ્યા હતાં. એકલા વનવિભાગને જ સાત દિવસમાં રુ.૬૦ લાખની આવક થઈ છે. જેના પરથી અંદાઝ લગાવી શકાય છે કે, આસપાસના લોકોને પણ લાખ્ખો રુપિયાની કમાણી પ્રવાસીઓએ કરાવી હશે. એક જ દિવસમાં ૧૦ હજારથી વધુ પ્રવાસીઓએ સિંહ દર્શન કર્યું હોવાનો રેકોર્ડ સર્જનાર ગિર અભયારણ્યમાં દિવાળી અને તેના પછીના એક સપ્તાહમાં કૂલ મળીને ૬૧૦૪૪ સહેલાણીઓ રાજ્ય અને દેશભરમાંથી ઉમટી પડયા છે. આ વિશે વિગતો આપતા સાસણ વન્યપ્રાણી વિભાગના નાયબ વનસંરક્ષક ડો.સંદિપકુમારે જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીમાં પ્રવાસીઓની સંખ્યામાં ર૬ ટકાનો વધારો થયો છે. ગત વર્ષે આટલા દિવસોમાં ૪૮૪૩૯ પ્રવાસીઓએ સિંહદર્શન કર્યું હતું.

આ સંખ્યા વધવા માટે સિંહોના બચ્ચા મુખ્ય કારણ છે. હાલમાં બે-ત્રણ મહિનાના થઈ ગયેલા સિંહબાળ તેની માતા સાથે ખૂલ્લા જંગલમાં વિહરતા જોવા મળે છે. આ દ્રશ્યો નિહાળી પ્રવાસીઓ ખુશખુશાલ બની ગયા હતાં. સિંહોના બચ્ચા જોવા માટે લોકોએ રીતસરની લાઈનો લગાવી હતી. આ ઉપરાંત દીપડા, અજગર, હરણ વગેરે જેવા પ્રાણીઓ પણ મોટી સંખ્યામાં યાત્રિકોએ જોયા હતાં. આ ઉપરાંત વેકેશનના સમયમાં પરમીટની સંખ્યામાં ૬૦ નો વધારો કરીને ૧પ૦ કરી નાખવામાં આવી છે. આ વધારાની પરમીટોમાં મીની બસ મૂકવામાં આવી છે. જેના લીધે દરરોજના આશરે ૧ર૦૦ જેટલા વધુ પ્રવાસીઓને સિંહ દર્શનનો લ્હાવો મળી શકે છે. આ બીજા કારણે પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. પ્રવાસીઓની સંખ્યા વધતા ગિર પંથકમાં ટુરીઝમ ઉદ્યોગ આધારિત રોજગારીનું નવસર્જન થયું છે. આ વખતે એક નવીન બાબત એ જોવા મળી હતી કે, લોકોએ પોતાના ખેતરમાં પ્રવાસીઓને ઉતારો આપીને ઓળો અને રોટલાના ભોજન કરાવ્યા હતાં. જે બાબત બહારના પ્રવાસીઓ માટે આકર્ષક બની રહી હતી. આ ઉપરાંત નાના મોટા ફેરિયાઓ અને દૂકાનદારોને પણ અનેક ચિજવસ્તુઓના વેંચાણ દ્વારા નવી રોજગારી પ્રાપ્ત થઈ હતી. એકંદરે ટુરીઝમ આધારિત રોજગારી ઉપર લોકોનો વિશ્વાસ બંધાયો છે.