બુધવાર, 17 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 14 ઑક્ટોબર 2014 (16:32 IST)

ગીર જંગલમાં સાવજોનું વેકેશન પુરું, દિવાળી વેકેશનમાં સિંહદર્શન માટે હાઉસફુલનાં પાટિયાં ઝૂલશે

એશિયાઇ સિંહોના એકમાત્ર રહેઠાણ એવા ગીર જંગલમાં સાવજોનો સંવવનકાળ પૂરો થઇ ગયો છે. હવે ૧૬મીને ગુરુવારથી ગીર જંગલ પ્રવાસીઓ માટે ખૂલ્લું મૂકવામાં આવશે. જો કે સિંહદર્શન માટેનો પ્રવાસીઓમાં એટલો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે કે સાસણ ખાતે વનવિભાગ દ્વારા અપાતી ઓનલાઇન પરમિટોની ૧૦૦ ટકા ફાળવણી થઇ જતાં આગામી દિવાળી વેકેશનમાં સિંહદર્શન માટે જાણે હાઉસફુલનાં પાટિયાં ઝૂલતાં હોય એવી સ્થિતિ સર્જાઇ છે.

દર વર્ષે ૧૫મી જૂનથી ૧૬મી ઓક્ટોબર સુધી વર્ષાઋતુના દિવસોમાં ચાર મહિના માટે ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે છે.આ સમયગાળો સિંહો માટેનો સંવવનકાળ હોઇ જંગલમાં કોઇને જવા દેવાતા નથી. છેલ્લા કેટલાક સમયથી ગીર જંગલ પ્રવાસન માટેનું અત્યંત લોકપ્રિયસ્થળ બનેલું છે. દેશવિદેશોમાંથી અહીં આવતા પ્રવાસીઓમાં ભારે વધારો થઇ રહ્યો છે. ગત ૧૬ ઓક્ટોબર ૨૦૧૩થી ૧૫ જૂન ૨૦૧૪ સુધીમાં ગીર અભયારણ્ય અને દેવળિયા પાર્કમાં ૪.૮૫ લાખ પ્રવાસીઓ આવ્યા હતા. મહાનાયક અમિતાભ બચ્ચનના ખુશ્બૂ ગુજરાત કી કેમ્પેન બાદ ગીર આવતા પ્રવાસીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. સાસણ તેમજ આસપાસના વિસ્તારોમાં અનેક મોટાં ગ્રુપો સહિતની ઘમી બધી ખાનગી હોટેલ્સ-રિસોર્ટ્સ પણ ખૂલી ગયા છે.

રાજ્યના વન્યપ્રાણી વિભાગ દ્વારા પ્રવાસીઓને સિંહદર્શન થઇ શકે એ માટે કર્મચારીઓ-ગાઇડ-જિપ્સીચાલકો વગેરેને ખાસ તાલીમ આપીને તૈયાર કરાયા છે. સાસણ ખાતેના ડી.એફ.ઓ. ડો. સંદીપકુમારે જણાવ્યું છે કે દિવાળી વેકેશન દરમિયાન પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને એ માટે સાસણમાં સિંહસદન ખાતે વધુ વ્યવસ્થા કરવામાં આવી છે. પરમિટના ક્વોટામાં પણ વધારો કરાયો છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે ગીર અભયારણ્ય તથા જંગલને પ્લાસ્ટિકમુક્ત કરવા વનવિભાગ સતત પ્રયત્નશીલ છે. સિંહદર્શન માટે જતા લોકો જંગલમાં વેફર-નાસ્તા-બિસ્કીટના રેપર્સ તથા પાણીની બોટલ્સ સહિતનો વિવિધ પ્લાસ્ટિકકચરો ન ફેંકે તે માટે સૂચના-માહિતી આપીને તેમને અપીલ પણ કરવામાં આવનાર છે.