ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 16 એપ્રિલ 2015 (16:14 IST)

ગુજરાત ભાજપમાં પણ ચાલી રહ્યો છે આંતરકલહ

રાજ્યમાં ૧૯૯૫ થી સત્તાના સૂત્રો સંભાળનારા ભાજપામાં શંકરસિંહ વાઘેલાના રાજપા બ્રાન્ડ બળવા અને ત્યારબાદ કેશુભાઇ અને તેમના સમર્થકોથી થયેલા આંતરિક કલહમાંથી સુપેરે પાર ઉતર્યો હતો પરંતુ હવે ભાજપામાં ફરી એકવાર સુનિયોજિત રીતે કલહનો પલિતો ચંપાય તેવી પૂરી શકયતાઓ વ્યકત થઇ રહી છે. નરેન્દ્ર મોદીના દિલ્હિી પ્રયાણ બાદ સત્તા સ્થાને બેઠેલા મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ સામે કોંગ્રેસ બ્રાન્ડ કલહનો પડકાર આલબેલ પોકારી રહ્યો હોવાની ઘટનાઓ ઘટી રહી છે.

દેશભરમાં સંઘબ્રાન્ડ સ્વયમ શિસ્ત માટે જાણીતી થયેલી ભારતીય જનતા પાર્ટીને રાજ્યમાં સત્તા મળ્યાને શંકરસિંહ વાઘેલા, ગોરધન ઝડફીયા અને ત્યારબાદ કેશુભાઇ પટેલના બળવા બાદ પણ બધુ ઠરીને ઠામ કરી દેનારા નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન બનતાની સાથે જ તેમના ગુજરાત આગમન ટાણે અમિત શાહને રાજ્યનું સુકાન સોંપવાનો સૂર ઉઠ્યો હતો પરંતુ આખરે ઘીના ઠામમાં ઘી ઢળ્યું હતું. જો કે આનંદીબેન પટેલે શાસન સંભાળ્યા બાદ સરકારી બોર્ડ- નિગમોમાં રાજકીય નિમણૂંકોમાં પણ પ્રદેશ સંગઠનનો હાથ ઉંચો રહ્યો હતો જ્યારે છેલ્લા કેટલાક દિવસોથી મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ જ ગંભીર બીમાર હોવાની હવા ઉભી કરવામાં આવી હતી જેની સામે ખૂદ પ્રદેશ અધ્યક્ષ આર.સી. ફળદુને સ્પષ્ટતા કરીને કહેવું પડ્યું હતું કે, આનંદીબેન પટેલને કોઇ બીમારી નથી.

મુખ્ય પ્રધાન બીમાર હોવાની હવા ખૂદ પક્ષના કેટલાક લોકો હોવાનું પણ તારણ કાઢવામાં આવી રહ્યું છે બીજી બાજુ ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાંથી ચૂંટાયા બાદ લાલકૃષ્ણ અડવાણી ગુમ થયા હોવાના તેમના મતવિસ્તારમાં પોસ્ટરો લગાવાયા હતા તેમજ તેમાં આમ આદમી પાર્ટીનું નામ જાણી જોઇને લખવામાં આવ્યું હતું. પોસ્ટરોનો દોષ આપ ને માથે નાખવામાં આવતા જ ગુજરાત એકમના આપના નેતા સુખદેવ પટેલે ભાજપામાં જ કોંગ્રેસી કલ્ચર વકર્યું હોવાનું કહીને આપ નહીં પણ ભાજપના જ અસંતુષ્ટોએ આ પોસ્ટર લગાવ્યા હાવોનો વળતો પ્રહાર કર્યો હતો.

ભાજપમાં ધીમે ધીમે પ્રજરી રહેલા આંતરકલહનો નિર્દેશ તાજતેરમાં યુનિવર્સિટીઓ ના એક કાર્યક્રમમાં ખૂદ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે જ શિક્ષણ પ્રધાનની હાજરીમાં શિક્ષણ વિભાગમાં ચાલતા રેઢીયાળપણાં અંગે જાહેરમાં જ બળાપો કાઢયો હતો. રાજ્યમાં વધેલા વ્યાપ સાથે ભાજપામાં કોંગ્રેસ જેવી આંતરકલહની બદી પણ વકરી છે, રાજકોટમાં સત્તાધારી ભાજપાના જ કોર્પોરેટરો વચ્ચે આમને સામને પોલીસ ફરીયાદો નોંધાઇ રહી છે ત્યારે આખરે પ્રદેશ અધ્યક્ષે લાલ આંખ કરીને પોલીસ ફરીયાદ નોંધાશે તો પક્ષમાંથી જ સસ્પેન્ડ કરી દેવાની ચીમકી આપવી પડી હતી