શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated : શનિવાર, 30 ઑગસ્ટ 2014 (16:18 IST)

ગુજરાત સરકાર દ્વારા એર અને બોટ એમ્બ્યુલન્સ સેવા શરુ કરવાની વિચારણા

ગુજરાતમાં છેલ્લા સાત વર્ષથી જીવીકે એએમઆરઆઇ સાથે ગુજરાત સરકાર દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા ચાલી રહી છે. અત્યાર સુધી એમ્બ્યુલન્સની સેવા માર્ગ સુધી મર્યાદીત હતી ત્યારે આગામી દિવસોમાં ગુજરાતમાં જીવીકે અને રાજ્ય સરકાર દ્વારા એર અને બોટ એમ્બ્યુલન્સ સેવા શરુ કરવાની સક્રિય વિચારણા હાથ ધરવામાં આવી છે. જે માટે રાજ્યના ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયાકિનારાનો અભ્યાસ પણ હાથ ધરવામાં આવ્યો છે. તો બીજીબાજુ હેલીકોપ્ટરની બે હેલી એજન્સીઓ સાથે આ અંગે એમઓયુ પણ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા વર્ષ ૨૦૦૭માં ૧૪ વાન સાથે શરુ થઇ હતી.આજે તેની સંખ્યા ૫૫૦ થઇ ગઇ છે તેમજ ૧૦૮ ઇમરજન્સી સેવા ૨૦૦ ખીલખીલટ વાન તેમજ છ જેટલી મહિલાઓ માટે અભયમ વાનની સેવાનું સંચાલન પણ કરી રહ્યું છે.ગુજરાતમાં પ્રતિદિન આ સેવા દ્વારા ૨૨૦૦થી વધુ ઇમરજન્સી કોલ્સ એટેન્ડ કરવામાં આવે છે અને દરરોજ સરેરાશ ૧૧૦ જેટલા જીવન બચાવવામાં આવતા હોવનો દાવો ૧૦૮ જીવીકેના ગુજરાતના ચીફ ઓપરેટર જશવંત પ્રજાપતિએ કર્યો છે.આજે આ એમ્બ્યુલન્સ સેવાના ગુજરાતમાં સાત વર્ષ પુર્ણ થઇ રહ્યા છે ત્યારે ગાંધીનગર ખાતે ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સાથે શ્રેષ્ઠ કામગીરી બજાવનાર કર્મચારીઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જીવીકે,ઇએમઆરઆઇ સિકંદરાબાદના ડાઇરેક્ટર કે. ક્રિશનમ રાજુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માર્ગ ઉપર દોડતી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સની સેવાને હવામાં તેમજ પાણીમાં પણ આગામી દિવસોમાં લઇ જવાની વાત કરી હતી.
તેમણે આ અંગે ખાસ કહ્યું હતું કે, માર્ગ ઉપરતો ૧૦૮ વાન દોડે જ છે પણ હવે હવામાં અને દરિયામાં પણ એમ્બ્યલન્સ સર્વિસ શરુ કરવામાં આવી રહી છે. હેલી અને એર એમ્બ્યુલન્સ સાથા સાથે બોટ એમ્બ્યુલન્સ શરુ કરવાના વિચારણાને મૃતિમંત કરવાની દિશામાં પ્રયાશો શરુ કરી દેવામાં આવ્યા છે.જેના ભાગરૃપે ગુજરાતના ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયાકિનારાનો અભ્યાસ પણ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં દરિયામાં ફસાયેલા માછીમારોને ત્યાંથી નીકની હોસ્પિટલ સુધી ખસેડવા માટે પ્રાથમિક આવશ્યક તબીબી સાધનોથી સજ્જ બોટ એમ્બ્યુલન્સ સેવા શરુ કરવાનું આયોજન છે. તો જીવીકે અને રાજ્ય સરકાર દ્વારા શરુ કરવામાં આવનાર આ સેવામાં એર એમ્બ્યુલન્સ માટે બે હેલીકોપ્ટરની હેલી એજન્સીઓ સાથે પણ એમઓયુ કરવામાં આવ્યા છે તેમ જણાવીને આ એર અને બોટ એમ્બ્યુલન્સની સેવાનો પ્રોજેક્ટ આગામી વર્ષ ૨૦૧૬-૧૭ સુધીમાં શરુ થઇ જશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.



વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો