ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 17 એપ્રિલ 2015 (15:55 IST)

ગુજરાતનાં હથિયાર ધારકોને યુનિક નેશનલ આઇડી અપાશે

પ્રત્યેક દેશવાસી હવે સરકારી ચોપડે 'રાષ્ટ્રીય' બની રહ્યો છે. વોટર્સ આઈ-ડી કાર્ડ, આધાર કાર્ડ, રાંધણગેસ સબસિડી જેવી રાષ્ટ્રીય યોજનાઓ અમલી બની ચૂકી છે. હવે, હથિયાર લાઇસન્સમાં પણ નેશનલ યુનિક ID નંબર આપવામાં આવી રહ્યા છે. ગુજરાતના 45,000 હથિયાર લાઇસન્સધારકોને યુનિક નેશનલ ID નંબર આપવાની યોજના અમલી છે જે પૈકી અમદાવાદના 5200 લાઇસન્સ હોલ્ડરોને યુનિક આઈ.ડી. નંબર આપી દેવામાં આવ્યાં છે.

આર્મ્સ લાઇસન્સનો નેશનલ ડેટાબેઝ તૈયાર કરવાની કેન્દ્ર સરકારના ગૃહવિભાગની NDAL યોજના પાછળનો મુખ્ય હેતુ હથિયાર લાઇસન્સોમાં ગેરરીતિ નિવારવાનો છે. ખાસ કરીને રદ કરેલા લાઇસન્સ બીજા રાજ્યોમાં રિન્યુઅલ કરાવી લેવાથી માંડીને અનેક પ્રકારની ઘપલાંબાજી ઉપર અંકુશ મેળવવા આ યોજના અમલી બનાવાશે. જો કે, NDAL સર્વર કાર્યાન્વિત થાય એટલે હથિયાર લાઇસન્સમાં પણ નેશનલ યુનિક આઈ.ડી. નંબર અમલી બનશે.

કેન્દ્ર સરકારના ગૃહવિભાગની નેશનલ ડેટાબેઝ ઓફ આર્મ્સ લાઇસન્સ એટલે કે NDAL યોજના અંતર્ગત અમદાવાદમાં તમામ ૫૨૦૦ હથિયાર લાઇસન્સધારકોને યુનિક આઈ.ડી. નંબર આપી દેવામાં આવ્યાં છે.

આ યોજનાના કારણે તમામ લાઇસન્સ હોલ્ડરો અંગે પી.આઈ. એન.એસ. ચૌધરી અને ટીમે તપાસની પ્રક્રિયા આરંભી હતી. જે અંતર્ગત ૪૫૦ હથિયાર લાઇસન્સ રિન્યૂ જ થયા નહીં હોવાનું અને લાઇસન્સ હોલ્ડરનો અતોપતો મળતો નહોતો.

આથી, આવા ૩૦૦ જેટલા લાઇસન્સ તો રદ પણ કરી નાંખવામાં આવ્યાં છે. હથિયાર લાઇસન્સના સંવેદનશીલ મામલે પોલીસ કમિશનર શિવાનંદ ઝાએ અંગત રસ લઈને કાર્યવાહી કરાવતાં સમગ્ર ગુજરાતમાં અમદાવાદ શહેરે NDAL યોજનાની કામગીરી સૌ પ્રથમ પૂર્ણ કરી તમામ લાઇસન્સધારકોને યુનિક આઈ.ડી. નંબર આપી દીધાં છે. હવે, કેન્દ્ર સરકારના ગૃહવિભાગ તરફથી NDAL સર્વર કાર્યરત થઈ જાય એટલે ગુજરાતના લાઇસન્સ હોલ્ડર્સ દેશના કોઈપણ ખૂણેથી લાઇસન્સ રિન્યુઅલ સહિતની પ્રક્રિયા કરી શકશે.

સૂત્રો કહે છે કે, કેન્દ્રના ગૃહ વિભાગે કોઈપણ રાજ્યના હથિયાર લાઇસન્સ ધારક માટે નેશનલ ડેટાબેઝ આધારિત યુનિક આઈ.ડી. નંબર આપવાની પ્રક્રિયાનો પ્રારંભ કરી દીધો છે. આગામી તા., ૧ ઓક્ટોબર- ૨૦૧૫ પછી દેશભરમાં NDALમાં રજિસ્ટર ન હોય તેવું કોઈપણ હથિયાર લાઇસન્સ માન્ય ગણાશે નહીં.

સૂત્રોએ ઉમેર્યું કે, યુનિક આઈડી નંબરવાળું સ્માર્ટકાર્ડ લાઇસન્સધારકને ઇશ્યૂ કરવામાં આવશે. આ પધ્ધતિના કારણે કોઈ હથિયાર લાઇસન્સનું ડુપ્લિકેટિંગ અટકાવી શકાશે. ખાસ કરીને એક રાજ્યમાં લાઇસન્સ રદ થયું હોય તો બીજા રાજ્યમાં તે રિન્યૂ કરાવી લેવાની ગેરકાયદે પધ્ધતિ ઉપર અંકુશ આવશે. એ જ રીતે લાઇસન્સ મેળવે પણ હથિયાર ખરીદ્યું ન હોય તેવો ડેટા રાષ્ટ્રીય સ્તરે ઉપલબ્ધ બની જશે.

આ માટે તમામ રાજ્યના શહેરોની લાઇસન્સ બ્રાન્ચને એક જ સર્વરમાં કનેક્ટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે તે ટૂંક સમયમાં પૂર્ણ થશે તેમ સૂત્રોમાંથી જાણવા મળે છે.

નેશનલ ડેટાબેઝ ઓફ આર્મ્સ લાઇસન્સ તૈયાર થઈ ગયાં પછી એટલે કે ઓક્ટોબર- ૨૦૧૫ પછી સમગ્ર દેશમાં ગેરકાયદે હથિયારોના મુદ્દે રાષ્ટ્રીય સ્તરે ઝૂંબેશ શરૂ કરવામાં આવશે તેમ ઉચ્ચ સૂત્રો કહે છે. સૂત્રોનું કહેવું છે કે, અનેક રાજ્યોમાં ગેરકાયદે હથિયારોના વેપલાના કારણે ગુનાખોરી અને આતંકવાદ ઉપર અંકુશ મેળવવાનું કામ મુશ્કેલ બની રહ્યું છે.

કેન્દ્ર સરકારના ગૃહવિભાગે સૌ પ્રથમ સત્તાવાર લાઇસન્સનો નેશનલ બેઈઝ ડેટા તૈયાર કરી ગેરકાયદે હથિયારો સામે કાર્યવાહીની દિશામાં પ્રથમ પગલું ભર્યું છે. આવનારાં એકાદ વર્ષમાં ગેરકાયદે હથિયારો સામે રાષ્ટ્રીય ઝૂંબેશનો ફાયદો પ્રજાજનોને સુરક્ષાના અહેસાસ થતી થવાની આશા સેવાય છે.