શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 21 સપ્ટેમ્બર 2015 (17:19 IST)

ગુજરાતભરમાં ભાદરવો ભરપૂર...નદી-નાળાં-ડેમો છલકાયાં

અરબી સમુદ્રમાં ૪.૫ કિ.મી. ઉપર સર્જાયેલું અપર એર સાયક્લોનિક સરક્યુલેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા ગુજરાતભરમાં ભાદરવો ભરપૂર બન્યો હોય તેમ સાર્વત્રિક મેઘાડંબર સર્જાયો છે. રવિવારે દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. જ્યારે કચ્છના માંડવીમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. આકાશ ઘટાટોપ વાદળોથી છવાયેલું રહ્યું હતું. સૌરાષ્ટ્રમાં ધીમી ધારે પડી રહેલા વરસાદને કારણે ખરીફ પાકને નવજીવન મળ્યું છે. દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ૪૮ કલાકમાં ગુજરાત દીવદમણ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો દુષ્કાળની સ્થિતિનો સામનો કરી રહ્યા હતા ત્યાં જ શુક્રવારથી મેઘરાજાએ પુન: પધરામણી કરીને આજે રવિવારે પણ ધીમી ધારે વરસાદ પડ્યો હતો. જેમાં જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને વિસાવદરમાં પાંચ-પાંચ ઈંચ માળિયા હાટીના અને વંથલીમાં ચાર-ચાર ઈંચ મેંદરડામાં ત્રણ ઈંચ તથા જૂનાગઢ-માણાવદર અને કેશોદમાં બે-બે ઈંચ વરસાદ પડ્યો હતો. આ વરસાદને કારણે જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ ફરીવાર ઓવરફ્લો થયો છે. આ ઉપરાંત ગિરનાર અને ગીરના જંગલ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યાના અહેવાલો મળ્યા છે. જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં ઊનામાં પાંચ ઈંચ, ગીરગઢડામાં ૪ ઈંચ વરસાદ પડ્યો છે. જામવાળામાં વીજળીના બે થાંભલા ધરાશાયી થતાં તેનો જીવંત વીજપ્રવાહને કારણે શોક લાગતા ચાર ભેંસોના મોત નિપજ્યા હતા. ભારે વરસાદને કારણે મછુન્દ્રી અને રાવલ ડેમ છલકાઈ ગયા છે. અમરેલી જિલ્લામાં પણ સાર્વત્રિક મેઘમહેર થઈ છે. રવિવારે દિવસ દરમિયાન ધારીમાં ૨ ઈંચ, જાફરાબાદમાં દોઢ ઈંચ, લાઠીમાં ૩ ઈંચ, સાવરકુંડલામાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે ખોડિયા અને મુંજીયાસર ડેમો છલકાઈ ગયા છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લામાં તળાજા, મહુવા, પાલિતાણા, સિહોર તથા જામનગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. પોરબંદર અને દ્વારકા પંથકમાં પણ બપોર બાદ મેઘાનું આગમન થયું છે. અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન વરસાદના હળવા ઝાપટાં પડ્યા હતા. જ્યારે મધ્ય ગુજરાતમાં નડિયાદ, આણંદ, છોટા ઉદેપુર, મહીસાગર જિલ્લામાં પણ વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ડાંગ-આહવા, વલસાડ, તાપી, સુરત સહિતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે.