શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 19 જાન્યુઆરી 2015 (17:11 IST)

ગુજરાતભરમાં લગ્નની મોસમ - વસંતપંચમીના દિવસે ૨૦ હજાર કરતા વધારે લગ્ન

૧૫ જાન્‍યુઆરીના રોજ ઉત્તરાયણના દિવસે કમુરતા પૂર્ણ થતાં રાજયભરમાં લગ્નસરાની મોસમ ફરીથી શરૂ થઇ ગઇ છે. હોળાષ્ટક સુધીમાં મોટી સંખ્‍યામાં લગ્નના આયોજન ગોઠવાયા હોઇ કેટરિંગવાળા અને લગ્ન કરાવનારા પંડિતોને બખ્‍ખા થઇ ગયા છે. એક વર્ષ પહેલાંથી મોટાભાગના મેરેજ હોલ, પાર્ટી પ્‍લોટ અને હોટેલના બેન્‍કવેટ્‍સ બુક કરાઇ દેવાયા છે. છેલ્લા કેટલાય સમયથી આપણે ત્‍યાં માત્ર શિયાળામાં લગ્ન કરવાનો ટ્રેન્‍ડ હોવાથી વસંતપંચમીના દિવસે રાજયમાં ૨૦ હજાર કરતા વધારે લગ્ન યોજાવાના છે.

   તા.૨૪ શનિવારના રોજ વસંતપંચમીનો શુભ દિવસ લગ્ન જેવા ભગીરથ કાર્યો માટે અતિશુભ મનાતો હોવાથી આ દિવસે હજારો લગ્નોનું આયોજન કરાયું છે. જાણીતા સમાજો અને સામાજિક સંસ્‍થાઓ દ્વારા પણ આ દિવસે સમૂહલગ્નોના આયોજન કરવામાં આવ્‍યા છે. આ અંગે વાત કરતા શાસ્ત્રી કૃણાલ રાવલના જણાવ્‍યાનુસાર, વસંતપંચમીના દિવસે લગ્ન કરાવનાર પંડિતને એક જ દિવસે બે કે તેથી વધુ જગ્‍યાએ લગ્ન કરાવવા માટે જવું પડે તેમ છે. આવા શુભ દિવસો વર્ષમાં ખૂબ ઓછા હોવાથી લગ્નો મોટી સંખ્‍યામાં લોકો કરવાનો આગ્રહ રાખે છે. વિદેશથી આવતા એનઆરઆઇ લોકો પણ ડિસેમ્‍બર જાન્‍યુઆરી મહિનો જ પસંદ કરે છે. મોટાભાગના યુવક-યુવતીઓ વિદેશથી પરણવા માટે આવતા હોઇ તે લોકોએ આ દિવસ પર પસંદગી ઉતારી છે. જાણીતી હોટલોના બેન્‍કવેટ્‍સ પણ આ દિવસે એકદમ ફૂલ થઇ ગયા છે. કેટલીક જગ્‍યાઓએ હોટલમાં પણ એક સાથે બે ત્રણ લગ્ન રખાયા છે. લગ્નો વધવાને કારણે ડી.જે., બેન્‍ડવાજા, ફૂલબજાર સહિતના બજારોમાં પણ પૂરબહારમાં તેજીનો માહોલ બન્‍યો છે.

   શુભ આઠ દિવસો

   ૨૪ થી ૨૬ જાન્‍યુ. શનિ થી સોમવાર

   ૨૯ જાન્‍યુઆરી-ગુરૂવાર

   ૦૭ ફેબ્રુઆરી-શનિવાર

   ૦૯ ફેબ્રુઆરી-સોમવાર

   ૧૦ ફેબ્રુઆરી-મંગળવાર

   ૧૫ ફેબ્રુઆરી-રવિવાર