શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 30 એપ્રિલ 2016 (13:24 IST)

ગુજરાતમાં અનામત પાછળ સંઘનો હાથ ?

ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા આર્થિકરૂપે પછાતવર્ગો (ઇબીસી)ને 10 ટકા અનામત આપવાના ફેંસલા પર ભલે સંઘની ભુમિકા સામે આવી ન હોય પરંતુ રાજકીય વિશ્‍લેષકો આમા સંઘનો હાથ નિહાળી રહ્યા છે. કહેવાય છે કે, સંઘે આ દાવ 2019ની સામાન્‍ય ચૂંટણીઓને ધ્‍યાનમાં રાખીને ચલાવ્યો છે.
 
   સંઘે પોતાની રાજકીય પ્રયોગ શાળા ગુજરાતમાં આનો કર્યો છે. તેનો હેતુ સવર્ણોને અનામતવાળા પોપ્યુલર માઇન્ડ સેટને હવા આપવી અને પછી તેને સમગ્ર દેશમાં લાગુ કરવો કે જેથી 2019માં તેનો ફાયદો મળી શકે. આ મામલામાં કાનૂની નિષ્‍ણાંતો અલગ વાત કહે છે પરંતુ સંઘને લાગે છે કે, બોલ સહી દિશામાં જઇ રહ્યો છે આનાથી ભારતને જ્ઞાતિવાદની રાજનીતિની બેડીઓમાંથી આઝાદી મળી શકે છે અને જાતિમુકત સમાજ બની શકે છે.
 
   ગઇકાલે ગુજરાત સરકારે પાટીદાર સહિત તમામ સામાન્‍ય શ્રેણીના આર્થિક રીતે પછાત લોકો માટે 10 ટકા અનામતની જાહેરાત કરી હતી. આ પગલા પાછળ સંઘ છે એવુ માનવાનુ એક વધુ કારણ એ છે કે, આ ફેંસલાની જાહેરાત રાજય સરકાર તરફથી નહી પરંતુ ભાજપના મંચ ઉપરથી કરવામાં આવી છે. એવુ મનાય છે કે સંઘે પોતાની રાજકીય શાખા ભાજપ થકી આ દાવ ચલાવ્‍યો છે. રાજકીય વિશ્લેષકોનુ માનવુ છે કે, મોદીને પીએમની ખુરશી સુધી પહોંચવા માટે સીએમ હતા ત્‍યારે હિન્‍દુત્‍વ અને પછી વિકાસના એજન્ડાને અપનાવ્યો  હતો. જો કે હજુ પણ બંને એજન્‍ડા ચાલુ છે પરંતુ સંઘને એવા કોઇ એજન્ડાની શોધ હતી કે જેનાથી વ્યાપક જનમાનસ ખુશ થાય અને તેનો રાજકીય લાભ પણ મળી શકે.
 
   કેટલાક રાજકીય વિચારકોનું માનવુ છે કે, જમીન સ્તર પર કામ કરનાર સંઘના પ્રચારકોને લાગે છે કે શિક્ષણ અને રોજગારમાં અનામતથી બહાર રહેનાર કેટલાક સમુદાયોની સ્થિતિ ઘણી દયાજનક છે. ગુજરાતમાં સૌથી પહેલા ભાજપની મજબુત વોટ બેંક પાટીદારોએ અનામત માટે પોતાનો અવાજ ઉઠાવ્‍યો. તે પછી બ્રાહ્મણો, વૈષ્‍ણવો અને ક્ષત્રિયો જેવી ઉંચી જ્ઞાતિઓમાં પણ આ અવાજ ફેલાયો.
 
   આ મામલે એક ટોચના રાજનેતાએ કહ્યુ હતુ કે, સંઘ હંમેશા જાતિ આધારીત અનામતને હટાવી આર્થિક આધાર પર કરવા ઇચ્‍છતુ હતુ. તેણે ઇબીસી માટે અનામતની જોગવાઇ કરી માહોલ બનાવી દીધો છે અને તેનો ફાયદો તે ર૦૧૭ની ગુજરાતની ચૂંટણી અને તે પછી રાષ્‍ટ્રીય ચૂંટણીમાં ઉઠાવી શકે છે.