શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 30 ઑગસ્ટ 2016 (14:46 IST)

ગુજરાતમાં પીએમ મોદીના આગમનને લઈને અહમદ પટેલ અને શક્તિસિંહ ગોહિલના ટ્વિટર પર પ્રહારો

સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને સાંસદ અહમદ પટેલે વડાપ્રધાન નરેંદ્ર મોદી પર નિશાન સાધતા ટ્વિટ કરીને મોદીનો આભાર માનતા કહ્યું કે, બે વર્ષમાં 42 દેશોના પ્રવાસ કર્યા બાદ ગુજરાતને સમય ફાળવવા બદલ ધન્યવાદ. સાથે સાથે અહમદ પટેલે ચુંટણી નજીકના દિવસોમાં હોવાથી આ પ્રવાસ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સૌની યોજનાના ઉદ્ધાટન માટે આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે ટ્વીટને કારણે રાજકારણ ગરમાયું છે.

કોંગ્રેસી નેતા શક્તિસિંહ ગોહિલે મોદી દ્વારા સૌની યોજનાના લોકાપર્ણને લઈને પોતાના ટ્વીટર હેન્ડલ દ્વારા પ્રશ્નોનો હારમાળા કરી હતી. તેઓએ સવાલ ઊભો કર્યો હતો કે, “સૌની યોજના મુજબ જુન ૨૦૧૬ના દિવસે ૧૧૫ ડેમોમાં લિન્કેજ થઈ જશે તેવી જાહેરાત ૨૦૧૨માં મોદીએ કર્યા છતાં માત્ર ૩% ડેમો પણ હજી કેમ પૂર્ણ થયા નથી? નર્મદાની કેનાલો વર્ષો સુધી તુટે નહી તેવી ડીઝાઇનો હોવા છતાં નર્મદાની કેનાલો કેમ વારંવાર તુટે છે? નર્મદાના દરવાજા બંધ કરવાની કેન્દ્ર સરકારે કેમ મંજુરી આપી નથી. ચૂંટણી આવે ત્યારે જ સૌની યોજનાનો કાર્યક્રમ અને જાહેરાતો થયા બાદ શા માટે કામ થતું નથી? ચૂંટણીલક્ષી સભાઓ યોજવા માટે એસ.ટી. નિગમની બસો ખેચી લઈને જનતાને હાડમારી શા માટે? રાજકીય લાભ માટે સૌની યોજનાના વિશાળ સંમેલનો પાછળ પ્રજાની તિજોરીનો ખર્ચ શા માટે? ૨૨ વર્ષ ભાજપ ગુજરાતમાં સત્તા પર રહ્યું અને ૧૩ વર્ષ સુધી મોદી સત્તામાં રહ્યા છતાં ૪૮ હજાર કિલોમીટરની નર્મદાની કેનાલનું કામ બાકી શા માટે?”