મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 24 એપ્રિલ 2014 (15:32 IST)

ગુજરાતમાં ૧૪થી વધુ સીટો કોંગ્રેસ કબ્જે કરશે

વલસાડ તાલુકાના જુજવા ગામે આવતીકાલે યોજાનારી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની જાહેરસભા પૂર્વે કાર્યકરોને સંબોધવા વલસાડ આવેલા તેમના રાજકીય સલાહકાર અહમદ પટેલે ગુજરાતમાં લોકશાહી નથી, સરમુખત્યારશાહી છે એમ કહ્યું હતું. તેમણે નરેન્દ્ર મોદી વાયદાબજાર કરે છે એમ જણાવી ગુજરાતમાં ૧૪થી વધુ સીટો કોંગ્રેસ કબ્જે કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

વલસાડ તાલુકાના જુજવા ગામે વાંકી નદીના કિનારે ગુરુવારે બપોરે ૧૨.૩૦ કલાકે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી જાહેર સભા સંબોધવા આવશે. આ સભા પૂર્વે આજે સાંજે ૫.૩૦ વાગ્યે સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલ વલસાડ કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરોને સંબોધવા આવ્યા હતા. આ પ્રસંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં લોકશાહી નથી, સરમુખત્યારશાહી છે. મોદી સરકાર આવ્યા બાદ ગુજરાતમાં માત્ર ૦.૫ ટકા રોજગારી વધી છે. નરેન્દ્ર મોદીએ માત્ર લોકોને ભરમાવવાનું અને ગુમરાહ કરવાનું કાર્ય કર્યું છે. મોટા મોટા વાયદાઓ કરી વાયદા બજાર ચલાવે છે. પરંતુ કદી વાયદાઓ પુરા કર્યા નથી. પરંતુ કોંગ્રેસે જ્યારે વાયદાઓ કર્યા છે તે પુરા કરીને બતાવ્યા છે.

પત્રકારોએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં તેમણે મોદી લહેર માત્ર ઊભી કરાયેલી છે. ક્યાંય પણ લહેર જેવું લાગતું નથી એમ કહ્યું હતું. ઉપરાંત તેમણે ટી.વી. ચેનલો પર ચાલતા ઓપીનીયન પોલને ખોટા ગણાવી ભૂતકાળમાં ઓપીનીયન પોલ ખોટા સાબિત થયા છે. એમ જણાવી ગુજરાતમાં કોંગ્રેસ ઓછામાં ઓછી ૧૪ સીટ કબ્જે કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે ભાજપના દાવાઓને પોકળ ગણાવી વલસાડ બેઠક પણ કોંગ્રેસ જ જીતશે એમાં કોઇ શંકાને સ્થાન નથી અને અગાઉની પરંપરા મુજબ વલસાડ બેઠક જે જીતે તેની કેન્દ્રમાં સરકાર બનતી હોય. આ વખતે પણ કેન્દ્રમાં યુપીએ સરકાર જ બનશે એમ કહ્યું હતું.