શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 25 મે 2015 (17:05 IST)

ગુજરાતમાંથી દરરોજે આઠ બાળકો ગુમ થાય છે!

કોઇ પણ માતા-પિતા માટે તેનું સંતાન કાળજાના કટકા કરતા પણ વધુ મહત્વ ધરાવે છે. જીવ કરતા પણ વિશેષ એવું આ સંતાન અચાનક જ પોતાનાથી વિખુટું પડી જાય તે કલ્પના પણ તેના માતા-પિતા માટે શરીરમાં લખલખું લાવી દે છે. છેલ્લા કેટલાક સમયથી ચાઇલ્ડ ટ્રાફિકિંગ વધુને વધુ ભરડો ભરી રહ્યું છે, જેના પગલે બાળકોના ગૂમ થવાના પ્રમાણમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. ભારતમાંથી દર વર્ષે એક લાખ બાળકો ગૂમ થાય છે. ગુજરાતની વાત કરવામાં આવે તો સૌથી વધુ ગૂમ થતા હોય તેવા રાજ્યમાં આઠમું સ્થાન ધરાવે છે. ૨૫ મે-સોમવારે 'ઇન્ટરનેશનલ મિસિંગ ડે' છે ત્યારે આ આંકડો ચોક્કસ ચિંતાજનક છે.ભારતમાંથી વર્ષ દરમિયાન કેટલા બાળક ગૂમ થયા તેનો છેલ્લે ૨૦૧૩માં સત્તાવાર આંક જારી કરવામાં આવ્યો હતો. જેના અનુસાર ભારતમાંથી કુલ ૧.૩૫ લાખ 
 
બાળકો ગૂમ થયા હતા. આ પૈકી મહારાષ્ટ્રમાંથી બાળકો ગૂમ થવાનું સૌથી વધુ પ્રમાણ નોંધાયું હતું. વર્ષ ૨૦૧૧થી વર્ષ ૨૦૧૪ દરમિયાન ગૂમ થયેલા બાળક મામલે મહારાષ્ટ્ર ૫૦૯૪૭ સાથે પ્રથમ , મધ્યપ્રદેશ ૨૪૮૩૬ બાળકો સાથે બીજા, દિલ્હી ૧૯૯૪૮ બાળકો સાથે ત્રીજા, આંધ્ર પ્રદેશ ૧૮૫૪૦ બાળકો સાથે ચોથા સ્થાને રહ્યા હતા. ગુજરાતમાંથી ૨૦૦૭થી એપ્રિલ ૨૦૧૩ દરમિયાન ૫૮૪૭૨ લોકો ગૂમ થયા હતા, જેમાં બાળકોનું પ્રમાણ ૭૦ ટકા હતું.  

 
>ગૂમ થયેલા બાળકોની ગંભીરતા સમજી ગુજરાત સરકાર દ્વારા ટ્રેક ધ મિસિંગ ચાઇલ્ડ નામની વેબસાઇટ શરૃ કરવામાં આવી છે. આ વેબસાઇટમાં દિવસ દરમિયાન કેટલા લોકો ગૂમ થયા અને તેમાં બાળકોનું પ્રમાણ કેટલું હતું તે વિષે વિગત રજૂ કરવામાં આવે છે. આ વેબસાઇટ અનુસાર તેમની પાસે અત્યારસુધી કુલ ૧૮૨૦૬ ગૂમ થયેલાની એન્ટ્રી નોંધાઇ છે, જેમાં બાળકોનું પ્રમાણ ૪૮૨૨ છે. આ ૪૮૨૨ પૈકી ૩૧૦૨ બાળકો મળી આવ્યા છે. આ વેબસાઇટમાં જ દર્શાવવામાં આવેલી વિગત અનુસાર છેલ્લા એક વર્ષ દરમિયાન ગુજરાતમાંથી ૩૧૨૮ બાળકો ગૂમ થયા હતા, જેમાંથી ચાર બાળકો ચાઇલ્ડટ્રાફિકિંગનો શિકાર બન્યા હતા. આ વિષે 'સર્ચ માય ચાઇલ્ડ' અભિયાન સાથે સંકળાયેલા સંજય જોષીએ જણાવ્યું હતું કે 'ગૂમ થયેલા બાળકો મુદ્દે માત્ર ગુજરાત જ નહીં કોઇ પણ રાજ્યસરકાર પગલા ભરવા માટે ગંભીર નથી. હકિકતમાં તો દરેક રાજ્યની પોલીસમાં ૪૦ સભ્યની એક ટૂકડી બનાવવી જોઇએ. 
 
પોલીસની આ ટૂકડી માત્ર ગૂમ થયેલા લોકોને શોધવાનું જ કામ કરે. ઘણીવાર કોઇ બાળક ગૂમ થઇ જાય પછી પોલીસ ફરિયાદ નોંધવામાં જ એટલો સમય લઇ લે છે કે તેને ઉઠાવી જનારો રાજ્યની સરહદ પણ પાર કરી ચૂક્યો હોય છે. અગાઉ પોલીસ દ્વારા ઘણી વાર ગૂમ થયેલા બાળક માટે એફઆઇઆર નહીં પણ જાણવા જોગ ફરિયાદ જ નોંધવામાં આવતી હતી. જાન્યુઆરી ૨૦૧૨માં અમદાવાદના વેજલપુરમાંથી ગૂમ થયેલી ૧૧ વર્ષીય વિશ્વા પટેલ અંગે પણ પોલીસે ફરિયાદ દાખલ કરવામાં ખૂબ ઢીલું વલણ દર્શાવ્યું હતું.સુપ્રીમ કોર્ટે બે વર્ષ અગાઉ ટકોર કરતા સેક્શન ૩૬૩ હેઠળ ફરિયાદ લેવાનું શરૃ કરવામાં આવ્યું છે. મારા મતે ૧૨ વર્ષથી નીચેની ઉંમરનું બાળક ચાઇલ્ડ ટ્રાફિકિંગનો ભોગ બનતા હોય છે.આ ઉપરાંત બાળકીઓ સૌથી વધુ ચાઇલ્ડ ટ્રાફિકિંગનો ભોગ બને છે.  '