શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદઃ , સોમવાર, 12 ઑક્ટોબર 2015 (14:17 IST)

ગુલબર્ગ હત્યાકાંડનો ચુકાદો દિવાળી પહેલાં

૨૮ ફેબ્રુઅારી ૨૦૦૨ના રોજ ગોધરા હત્યાકાંડના પ્રત્યાઘાત રૂપે અપાયેલા ગુજરાત બંધના અેલાનના દિવસે અમદાવાદના મેઘાણીનગરમાં સર્જાયેલા ગુલબર્ગ કાંડની ટ્રાયલ પૂરી થઈ ગઈ છે. અા ચકચારી કેસનો ચુકાદો દિવાળી પહેલાં અાવે તેવી શક્યતા છે. ગુલબર્ગ સોસાયટીમાં ટોળાંઅે કરેલા હુમલામાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત ૬૯ લોકોનાં મોત થયાં હતાં. અા કેસમાં ૬૬ અારોપી સામે સ્પેશિયલ કોર્ટ ચુકાદો અાપશે. 

ગુલબર્ગ હત્યાકાંડની તપાસ સૌ પ્રથમ ગુજરાત પોલીસે કરી હતી. જેમાં જુદા જુદા તબક્કે ૩૯ અારોપી સામે ચાર્જશીટ મુકાઈ હતી. ગુજરાત પોલીસે કરેલી તપાસ સામે વાંધો ઉઠાવી અહેસાન જાફરીનાં પત્ની ઝાકિયા જાફરીઅે અન્ય કોઈ એજન્સી તપાસ કરે તે માટે કોર્ટમાં રિટ કરી હતી. જેમાં વર્ષ ૨૦૦૮માં કોર્ટે સીટની રચના કરી હતી. સીટ દ્વારા વધુ ૨૫ અારોપીની ધરપકડ કરીને ૮ જેટલી ચાર્જશીટ સ્પેશિયલ કોર્ટમાં મુકાઈ હતી.

અા કેસમાં ફરિયાદી દ્વારા સ્પેશિયલ કોર્ટમાં વર્ષ ૨૦૦૨ના જોઈન્ટ કમિશનર અોફ પોલીસ એમ.કે.ટંડન સહિતના આઠ વ્યક્તિને અારોપી તરીકે જોડવા માટેની અરજી કરાઇ હતી. જો કે કોર્ટે ઉચ્ચ પોલીસ અધિકારીઅોને અારોપી બનાવવાની અરજી ફગાવી હતી. મેઘાણીનગર પોલીસ ઇન્સ્પેક્ટર કે.જી. અેરડા અને અન્ય વ્યક્તિઅોને અારોપીઅો બનાવાયા હતા. અા કેસમાં ૪૫૦થી વધુ સાક્ષી છે જે પૈકી ૨૨૮ જેટલા સાક્ષીને તપાસવામાં અાવ્યા છે. ત્યારે સીટે અા કેસમાં ૪૬ જેટલી વ્યક્તિનાં નિવેદનો નોંધ્યાં છે.
અમદાવાદના તત્કાલીન જોઈન્ટ કમિશનર એમ.કે. ટંડન સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઅો મળીને કુલ ૬૫ પોલીસ કર્મીએ સ્પેશિયલ કોર્ટમાં જુબાની અાપી છે. અા કેસની ટ્રાયલ પૂરી થઈ ગઈ છે ત્યારે સ્પેશિયલ કોર્ટના જજ પી.બી. દેસાઈ દિવાળી પહેલાં તેમનો ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે.