શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 13 સપ્ટેમ્બર 2014 (16:16 IST)

'ગ્રીન સિટી ક્લીન સિટી', 'રળિયામણું રાજકોટ' - સિર્ફ બાતેં હૈ, બાતોં કા ક્યાં...

'રળિયામણું રાજકોટ'ની ટેગલાઇન સાથે મહાપાલિકા દ્વારા વોર્ડવાઇઝ અભિયાન ચાલી રહ્યું છે. શહેરને રળિયામણું બનાવવા અગાઉ 'ગ્રીન સિટી ક્લીન સિટી'ની વાતો પણ થઇ છે પણ આ માટે પાયાની કામગીરી વૃક્ષારોપણ પ્રત્યે મનપા ઉદાસીનતા દાખવી રહી છે. આ કારણે રાજકોટમાં હાલ માનવદીઠ તો દૂરની વાત ઘર દીઠ પણ એક વૃક્ષ નથી જ્યારે આટલા વૃક્ષો હોવા તે જીડીસીઆર મુજબ પણ ફરજીયાત છે.


શહેરમાં મેયરથી મુખ્યમંત્રી સહિતના, ક્લાર્કથી કમિશનર સહિતના સમયાંતરે ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા, શહેરને કાર્બન ક્રેડિટ અપાવવા આયોજનો પણ કર્યા છે. પણ આજની વાસ્તવિકતા મુજબ ૧૪ લાખની વસ્તી ધરાવતા આ શહેરમાં મકાનોની સંખ્યા વધીને ૩.૭૦ લાખ પહોંચી છે જે સામે વૃક્ષોની સંખ્યા વન ખાતાની છેલ્લી ગણતરી મુજબ માત્ર ૧.૮૬ લાખ હોવાનું મનપાના સુત્રોમાંથી જાણવા મળે છે.

વૃક્ષો વરસાદ લાવે છે. પ્રાણી માત્રને પ્રાણવાયુ આપે છે, ગરમીની માત્રા ઘટાડે છે. એ વાતો બાળકોને ભણાવાય છે પણ ચાલુ વર્ષ મનપાએ માંડ એક હજાર વૃક્ષોજ વાવ્યા છે.

ચોંકાવનારી વાત એ બહાર આવી છે કે મનપા દ્વારા મકાન બાંધકામનો પ્લાન મંજુર થાય ત્યારે વૃક્ષારોપણ માટે લેવાતી ડિપોઝીટ પેટે રૃા.૩ કરોડથી વધુ રકમ જપ્ત કરાઇ છે. પણ આ રકમમાંથી વાવી શકાતા ૩૦ હજાર વૃક્ષો હજુ વવાયા નથી.
વોર્ડવાઇઝ ઝુંબેશમાં 'સ્માર્ટ સિટી' માટે અન્ય બાબતો પર ભાર દેવાય છે પણ તેમાં પણ વૃક્ષારોપણ માટે કે જેના માટે હાલ શ્રેષ્ઠ સમય છે તેના પર લક્ષ્ય અપાતું નથી.

કોર્પોરેટરો આશરે સાડાત્રણ હજાર ટ્રી ગાર્ડ પોતાના ક્વોટાના લઇ ગયા છે પણ તે ક્યાં વૃક્ષો વાવ્યા તેની કોઇ નોંધ જ નથી.