ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગાંધીનગર , બુધવાર, 1 જુલાઈ 2015 (13:15 IST)

ચીની ડેલિગેશન ગુજરાતમાં

ગુજરાતમાં સાણંદ નજીક ટેક્સટાઇલ પાર્ક તેમજ વડોદરા નજીક કરજણ ખાતે ઇન્ડસ્ટ્રિયલ પાર્ક સ્થાપવા માટે ચીનની કંપનીઓ ચાઇના ડેવલપમેન્ટ બેંક (સીડીબી)ના માધ્યમથી કામગીરી કરી રહી છે. કરજણ નજીક ઇન્ડસ્ટ્રિયલ પાર્ક માટે ચીનની કંપનીઓ જમીન સંપાદન કરી રહી છે, પરંતુ તેમાં 25 ટકા જ જમીન સંપાદિત થઇ શકી હોવાથી મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના ચીનના પ્રવાસ દરમિયાન આ મુદ્દે પરામર્શ થયો હતો, મુખ્યપ્રધાને જમીન સંપાદનમાં સરકાર સહયોગ આપશે તેવી ખાતરી આપી હતી. આને પગલે ચીનની ઇન્ડ્સ્ટ્રીઝ દ્વારા અમદાવાદના સાણંદ પાસે ટેક્સટાઇલ પાર્ક સ્થાપવા તેમજ ગુજરાતમાં અન્ય કોઇ જગાએ સાનુકૂળ લાગશે એવા સ્થળે જનરલ પાર્ક પણ સ્થાપવાની ઇચ્છા દર્શાવી હતી. હાલ આ ડેલિગેશન વડોદરા અને સાણંદમાં પાર્ક સ્થાપવાની દિશામાં કેવી પ્રગતિ થઇ રહી છે તેની માહિતી મેળવવા માટે આવ્યું છે. ડેલિગેશને બપોર પછી સાણંદ જીઆઇડીસીની મુલાકાત લઇને સંભવિત સ્થળોનું અવલોકન કર્યું હતું.

ચાઇના કાઉન્સિલ ફોર ધ પ્રમોશન ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ (સીસીપીઆઇટી)ના પ્રેસિડેન્ડ હ્યુડોંગ વાન્ગની આગેવાની હેઠળ આ ડેલિગેશન તથા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, સીઆઇઆઇ તેમજ ફિક્કીના પ્રતિનિધિઓ તેમજ ઇન્ડેક્ષ્ટ-બીની સંયુક્ત બેઠક આજે ચેમ્બર ઓફ કોમર્સ ખાતે યોજાઇ હતી. ગયા મે મહિનામાં ગુજરાતનું પ્રતિનિધિમંડળ ચીનની મુલાકાતે ગયા પછી ગુજરાતમાં રોકાણો અંગેની વિવિધ તકો તપાસવા માટે આ ડેલિગેશન અહીં આવ્યું છે, તેમ અધિક મુખ્યસચિવ, ઉદ્યોગ, અરવિંદ અગ્રવાલે જણાવ્યું હતું.

અગ્રવાલે આ ડેલિગેશનને સંબોધતાં કહ્યું હતું કે,  ગુજરાત અને ગ્વાંગઝોઉ વચ્ચે સિસ્ટર સ્ટેટ તરીકે સમજૂતી કરાર થયા છે. આ બન્ને પ્રાંત મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં અવ્વલ છે. હાલ આ સમજૂતી કરારના ફોલોઅપ માટે કામગીરી ચાલી રહી છે. થોડાં સમય પહેલાં ચીનના પ્રતિનિધિમંડળે ગુજરાતની મુલાકાત લીધી હતી. ગ્વાંગડોંગના ગવર્નર સપ્ટેમ્બર માસમાં ગુજરાતની મુલાકાતે આવવાના છે એ પહેલા આ ડેલિગેશન અહીં આવ્યું છે. આ ડેલિગેશન શહેરી વિકાસ, બિન પરંપરાગત ઊર્જા, સ્માર્ટ સિટીઝ, વેસ્ટ મેનેજમેન્ટ અને રિસાયક્લિંગ ક્ષેત્રે પરામર્શ કરશે.

ઉદ્યોગ કમિશનર મમતા વર્માએ જણાવ્યું હતું કે, ગુજરાત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજાર સાથે યોગ્ય રીતે જોડાયેલું છે. રાજ્યમાં સુઆયોજિત માળખાકીય સુવિધાઓ, 24 કલાક વીજળી, સંકલિત પાણી પુરવઠા સિસ્ટમ અને અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. જેનાથી ઉદ્યોગો માટે કુશળ માનવબળ ઉપલબ્ધ બને છે. ગુજરાત પેટ્રોકેમિકલ ઉદ્યોગમાં અગ્રણી છએ આને કારણે ગુજરાત રોકાણના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

સ્વાગત પ્રવચનમાં જીસીસીઆઇના પ્રેસિડેન્ટ રોહિત પટેલે જણાવ્યું હતું કે, ચીન દ્વારા ગુજરાતને રોકાણના કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવે છે. અમે અમદાવાદ અને ગ્વાંગઝોઉ વચ્ચે સહયોગ વધારવા માટે સક્રિયપણે કામ કરી રહ્યાં છીએ. આ ઉપરાંત બન્ને રાજ્યોનું તેમના દેશના આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન છે. મને વિશ્વાસ છે કે ચીનના ઉદ્યોગો અમારી નિપૂણતાનો લાભ ઉઠાવશે.

સીસીપીઆઇટીના પ્રેસિડેન્ટ વાન્ગે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, અમદાવાદની મુલાકાતથી અમે ખુશી અનુભવી રહ્યા છીએ. અહીં ઉજ્જવળ તકો સમાયેલી છે. આ મુલાકાતનો અમારો ઉદ્દેશ બન્ને રાજ્યો વચ્ચે કારોબારી વિકાસ અંગે અસરકારક ચર્ચા વિચારણા કરવાનો છે. અમે મેન્યુફેક્ચરિંગ, ટેક્સટાઇલ, સર્વિસ ઉદ્યોગ, બિઝનેસ ડેવલપમેન્ટ સહિતના ચાવીરૂપ ઉદ્યોગોમાં રોકાણ સંબંધો વિકસાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.