શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 2 ઑક્ટોબર 2014 (16:56 IST)

જો ઘરમાં શૌચાલય નહીં હોય તો પંચાયતની ચૂંટણીં નહીં લડી શકાય

ગુજરાતમાં ગ્રામીણ ક્ષેત્રે જેના ઘરમાં શૌચાલયની સુવિધા નહી હોય તે વ્યક્તિ ગ્રામ પંચાયતની માંડીને તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નહી કરી શકે. આવતા વર્ષે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની મોટાપાયે સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે એ પરિપ્રેક્ષ્યમાં આવો વટહુકમ બહાર પાડવાનો રાજ્ય પ્રધાન મંડળે બુધવારે નિર્ણય લીધો છે.

ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૯૩ની જોગવાઇઓમાં ગ્રામ- તાલુકા- જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સભ્ય કે સરપંચ તરીકે ઉમેદવારી પત્ર ભરતા પહેલા સંબંધિત વ્યક્તિના ઘેર શૌચાલય હોવું ફરજિયાત અને આવશ્યક બનાવતી જોગવાઇ ઉમેરી તે અંગે વટહુકમ જારી થશે, એમ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાણકારી આપતા સરકારી પ્રવક્તા પ્રધાન નીતિન પટેલે પત્રકારો સમક્ષ જાહેર કર્યું હતું.

ગુજરાતમાં ૨૦૧૧ની વસતિ ગણતરી પ્રમાણે કુલ ૩૧.૩૧ લાખ પરિવારો પાસે પોતાનું શૌચાલય નથી ત્યારે આજની તારીખે કેટલા પરિવારોના ઘરોમાં શૌચાલય નથી, એવા એક પ્રશ્નના ઉત્તરમાં પ્રધાન નીતિન પટેલે તેમની પાસે વિગતો હાથવગી ના હોવાનું જણાવ્યું હતું.
તેમણે એમ કહ્યું હતું કે, અત્યારે ગ્રામપંચાયત, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતમાં સભ્ય કે સરપંચ તરીકે ચૂંટાયેલા છે, તેમણે વટહુકમ બહાર પડયા બાદ છ માસમાં પોતાના ઘેર શૌચાલય હોવા બાબતનું સર્ટિફિકેટ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહેશે. રાજ્ય સરકારે જે પરિવારમાં શૌચાલયની સુવિધાના અભાવે પરિવારના સભ્યોને જાહેરમાં શૌચક્રિયાને કારણે ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડે છે. તે સ્થિતિ દૂર કરવા માટે ઉદ્યોગો, વ્યક્તિઓ, દાતાઓ તેમજ સમૂહસંગઠનો પાસેથી દાન- ડોનેશન મેળવી જનભાગીદારીથી તથા સરકારી ગ્રાન્ટ સહાયથી ઘેરઘેર શૌચાલય વ્યવસ્થા ઉભી કરવા ઝૂંબેશ આદરી છે અને એ સંદર્ભમાં ગંદકી મુક્ત ગુજરાત બનાવવા માટે ઉમેદવારોના ઘેર શૌચાલય હોવું ફરજિયાત બનાવતો નિર્ણય લેવાયો છે અને આવો ઐતિહાસિક નિર્ણય ધરાવતું ગુજરાત, દેશમાં પહેલું રાજ્ય બનશે, એમ નીતિન પટેલે જાહેર કર્યું હતું.