મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 14 ઑક્ટોબર 2014 (16:41 IST)

જો જો, ધ્યાન રાખજો, મિઠાઈઓ ઝાપટવી ઘણી ભારે પડી શકે છે

જો તમે કાજૂકતરી કે પછી માવાની અન્ય મિઠાઈઓના દિવાના હો તો આ દિવાળીએ તેનાથી દૂર જ રહેજો. કારણકે, આ મિઠાઈ ગમે તેમ ઝાપટવી આપને ઘણી ભારે પડી શકે છે. તમે ભલે ગમે તેટલી સારી જગ્યાએથી આ મિઠાઈઓ ખરીદી હોય પરંતુ તેની ગુણવત્તા સારી હોય તેવું માની લેવાની જરાય જરૂર નથી.

દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ મિઠાઈના વેપારીઓ પર ઘોંસ બોલાવી છે. અધિકારીઓ દ્વારા લેવામાં આવેલા માવા અને દૂધની અન્ય બનાવટોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં કેટલીક જગ્યાએ તો માવા તેમજ મિઠાઈ બનાવા વપરાતી અન્ય વસ્તુઓનો જે જગ્યાએ સંગ્રહ કરવામાં આવ્યો હતો તે જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

માવા તેમજ દૂધની અન્ય બનાવટોને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે. પરંતુ અહીં ફૂડ સેફ્ટીના એકેય નિયમનું પાલન નથી કરાતું. મોટેરામાં આવેલા આવા જ એક કોલ્ડ સ્ટોરેજનું હેલ્થ વિભાગના અધિકારીઓ દ્વારા ચેકિંગ કરાયું હતું. જ્યાં ફૂગ લાગેલું ચીઝ, અનહાઈજેનિક સ્થિતિમાં રાખવામાં આવેલી અન્ય ખાદ્ય વસ્તુઓ મળી આવ્યા હતા. આ કોલ્ડ સ્ટોરેજના માલિક મનોજ શર્માએ દાવો કર્યો હતો કે અહીં તમામ નિયમોનું પાલન કરાય છે અને હાઈજીનના માપદંડ અનુસરાય છે. અહીંથી જ શહેરની જાણિતી રેસ્ટોરાંમાં આ સામાન મોકલાય છે. પરંતુ, આ દાવાથી વિરૂદ્ધની જ સ્થિતિ અધિકારીઓને અહીં જોવા મળી હતી.

પનીર અને ચીઝનું ઉત્પાદન કરતી ફેક્ટરીની પણ અધિકારીઓએ તપાસ કરી હતી. જ્યાં તેમાં કામ કરતા કામદારો બિનઆરોગ્યપ્રદ રીતે કામ કરતા નજરે પડ્યા હતા. તેમણે ન તો હાથમાં મોજા પહેર્યા હતા કે ન તો માથામાં કેપ. કોર્પોરેશન દ્વારા વિવિધ કોલ્ડ સ્ટોરેજમાં ઓચિંતી તપાસ કરીને તેમને નિયમોનું પાલન ન કરવા બદલ 55,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.