બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 26 મે 2015 (16:42 IST)

ટંકારામાં ધરતી ફાટી અને જમીનમાંથી નિકળ્યો લાવારસ જેવો પદાર્થ

મોરબી જિલ્લાના ટંકારા ગામ પાસે આવેલા જબલપુર નામના ગામમાં ગઈ કાલે બપોરે સાડાબાર વાગ્યાની આસપાસ અચાનક જ જમીનમાં ધડાકો થયો હતો અને જમીન ફાટી એમાંથી લાવારસ જેવો ગરમ પદાર્થ બહાર નીકળ્યો હતો.

ગણતરીની મિનિટોમાં જ આસપાસમાં સાત જગ્યાએ ધડાકા થયા હતા અને દરેક જગ્યામાંથી લાવારસ જેવો પદાર્થ નીકળ્યો હતો. લાવારસ નીકળ્યાની વાતથી ગામભરના લોકો ભેગા થઈ ગયા હતા અને થોડી જ વારમાં આજુબાજુનાં ગામના લોકો પણ ફાટી હતી એ જમીન જોવા માટે એકત્રિત થઈ ગયા હતા. જમીનમાંથી જે પદાર્થ નીકળ્યો એ પદાર્થ ખરેખર શું છે એ જાણવા માટે એને તાત્કાલિક ફૉરેન્સિક લૅબમાં મોકલવામાં આવ્યો હતો. જોકે પ્રાથમિક તારણ એવું પણ આવ્યું હતું કે આ જે કોઈ ધડાકાઓ થયા છે એ જમીનમાં એકત્રિત થયેલી ગરમીને કારણે થયા હોઈ શકે. રાજકોટના સાયન્ટિસ્ટ ડૉ. કમલકાન્ત શર્માએ કહ્યું હતું કે ‘પેટ્રોલિયમની છાંટ ધરાવતી જમીનમાં જ્યારે ગરમીનું પ્રમાણ વધે ત્યારે આ પ્રકારની ઘટના ઘટતી હોય છે. આ અગાઉ પણ સૌરાષ્ટ્રમાં આવી ઘટના બની હતી, જેનું આ જ તારણ આવ્યું હતું.’

મજાની વાત એ છે કે ગામના લોકો લાવારસની ધારણા સાથે જે જગ્યાએ જમીન ફાટી હતી એ જગ્યાએથી પથ્થરો એકત્રિત કરીને ઘરે લઈ ગયા હતા. સરકારી અધિકારીઓએ લોકોને રિક્વેસ્ટ કરીને એ અજાણ્યો પદાર્થ ઘરમાં નહીં રાખવા માટે લોકોને સમજાવવા પડ્યા હતા.