ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: રાજપીપળાઃ , સોમવાર, 6 જુલાઈ 2015 (15:13 IST)

ડાકીયા ડાક લાયા

આજના ઇ-યુગ, સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ અને ટ્વિટરના આધુનિક જમાનામાં પણ કોઇ તમને નિયમિત પોસ્ટકાર્ડ લખે તો કદાચ નવાઇ જરૂર લાગે. પોસ્ટકાર્ડ લખવાની પ્રથા આજના આધુનિક જમાનામાં લગભગ લુપ્ત થઇ જવા રહી છે ત્યારે આ પ્રથાને જીવંત રાખી અસંખ્ય લોકો સાથે પોસ્ટકાર્ડ લખીને લોકસંપર્ક જાળવી રાખી આત્મીયતાનો નાતો પોસ્ટકાર્ડ લખતા જાણીતા ફિલ્મમેકર ધીરૂ મિસ્ત્રી આજે ૭૧ વર્ષની જૈફ વયે પણ છેલ્લા ૫૦ વર્ષથી નિયમિત પોસ્ટકાર્ડ લખવાનો અનોખો શોખ ધરાવે છે. રાજપીપળાના વતની, રાજપીપળાના સ્વ. કાંતિ શાંતિ ચક્ષુહિન ઉપર ડોક્યુમેન્ટરી ફિલ્મના રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અને જાણીતા ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર, હાલ વડોદરા રહેતા રાજપીપળાના વતની એવા ધીરૂ મિસ્ત્રીએ અત્યાર સુધીમાં ૨૫,૦૦૦થી વધુ પોસ્ટકાર્ડ લખ્યા છે. તેઓ દૈનિક ચારથી પાંચ પોસ્ટકાર્ડ લખે છે.

લોકોના અંધકારમય જીવનમાં પ્રોત્સાહનનું અજવાળું પાથરવા પોસ્ટકાર્ડ લખી સારી પ્રવૃત્તિ કામગીરીને પ્રોત્સાહન દ્વારા પોસ્ટકાર્ડથી બિરદાવવાનું કામ કરતા ધીરૂ મિસ્ત્રીનો લોકસંપર્ક વધ્યો છે. અજાણ્યા અને જાણીતી વ્યક્તિઓ સાથે પત્ર સંપર્કથી આત્મીયતા કેળવાઇ છે.

પત્રકાર સાથેની વાતચીતમાં ધીરૂ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે પોતે રોજ ૪થી ૫ પોસ્ટકાર્ડ લખે છે. તેનાથી લોકસંપર્ક અને સમાજમાં નોંધપાત્ર કામગીરી કરનાર લોકોને પ્રોત્સાહિત કરવાનો મુખ્ય હેતુ છે. આ શોખને કારણે નિયમિતપણે જૂના સંપર્કો મજબૂત કરે છે અને નવા સંપર્કો ઊભા કરતા રહે છે. તેમને આ સુટેવ પોતાના પિતા પાસેથી પ્રેરણા મળી હોવાનું જણાવે છે. ધીરૂભાઇએ લખેલા યાદગાર પોસ્ટકાર્ડ આજે પણ સાચવી રાખ્યા છે. હું માત્ર વીઆઇપી વ્યક્તિને જ પોસ્ટકાર્ડ નથી લખતો, પણ કોઇએ સારી કામગીરી કરી હોય, સમાજ માટે પ્રગતિ કરી હોય તેને હું પોસ્ટકાર્ડ લખી નાખું છું.

એક વ્યક્તિ રત્નાઆલા નામની અંધ વ્યક્તિ હતી. તેમની એક અખબારમાં સ્ટોરી આવી. તેમને મેં પોસ્ટકાર્ડ લખેલો. મારા પર તેમનો પત્ર આવ્યો. એ મારા પત્રથી પ્રભાવિત થયા હતા. આરટીઆઇ ઉપર એવા સરસ કામ કર્યા કે તેમને રાઇટ્સ ઓફ ઇન્ડિયાએ ૫૦ હજારનું ઇનામ આપ્યું. કમિશનર ઓફ આઇટીઆઇએ ૨૫ હજાર રૂપિયાનું ઇનામ આપ્યું હતું. પોસ્ટકાર્ડનું મહત્ત્વ કેટલું છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. એ ભાઇ વાંકાનેરથી મને મળવા આવ્યા હતા.પોસ્ટકાર્ડ વેચાતા લેવા જવું પડે છે, લખવું પડે છે, પોસ્ટઓફિસે ડ્રોપ કરવા જવું પડે છે, શારીરિક મહેનત પડે છે, પરંતુ તેનો આનંદ અનેરો છે.

ધીરૂ મિસ્ત્રી પાસે ઘણી વ્યક્તિઓના પત્રોના જવાબો મળ્યા છે. ડૉ. કરણસિંહ, હરિસિંહ મહીડા, નલીન ભટ્ટ, જશપાલસિંહ, ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી હસમુખ પટેલના પત્રો આજે પણ મારી પાસે છે. ચંદ્રશેખર જેવા જાણીતા એક્ટરનો પણ પત્ર છે.