શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 27 ઑગસ્ટ 2016 (17:25 IST)

ડોક્ટર ન હોઈ સારવારના અભાવે બાળકનું મોત, વહીવટી તંત્ર દોડતું થયું

ડાંગ જિલ્લાના નડગચોંડ ગામે આદિવાસી બાળકને ઝેરી જંતુ કરડી જતા નજીકમાં આવેલા શામગહાન પીએચસી ખાતે સારવાર અર્થે લઇ જવાયો હતો જ્યાં ડોકટરી સારવારના અભાવે બાળકનું મોત નિપજતા સ્થાનિક આગેવાનો સહિત ધારાસભ્યએ હોબાળો મચાવતા જિલ્લા વહીવટીતંત્ર દોડતુ થયું હતું.
 મળતી માહિતી અનુસાર ડાંગના અંતરિયાળ વિસ્તાર એવા નડગચોંડ ગામના તુળશીરામ ગોપીચંદભાઈ પવાર (ઉ.વ. 6)ને શુક્રવારે મળસ્કે ભરઉંઘમાં હોય ડાબા કાન પાસે કોઈ ઝેરી જંતુએ ડંખ માર્યો હતો. આ બાબતે બાળકે માતાપિતાને જણાવતા બાળકના માતાપિતાએ નડગચોંડ વિસ્તારના રાજકીય આગેવાન ચંદરભાઈ ગાંવિતને જણાવતા તેઓ પોતાની માલિકીની ગાડીમાં બાળકને શામગહાન પીએચસીમાં સારવાર અર્થે ખસેડાયા હતા. પીએચસી ખાતે ડોકટર હાજર ન હોય દવાખાનાના સ્ટાફે બાળકની સારવાર કરવા વિલંબ કર્યો હતો. જેથી બાળકને યોગ્ય સારવાર મળે તે પહેલા જ તરફડીને મોતને ભેટતા આદિવાસીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો.   ઘટનાની જાણ ધારાસભ્ય મંગળ ગાંવિતને કરાતા આદિવાસી બાળકના મોત અંગે જિલ્લા આરોગ્ય અધિકારીને તેડાવી ડોકટરની ગેરહાજરી અંગે ખુલાસો મંગાયો હતો. આદિવાસી બાળકને ઝેરી જંતુ કરડી જવા છતાં સારવાર આપી ન શકેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફે ધારાસભ્ય સાથે ઉદ્ધત વર્તન કરતા મામલો બિચક્યો હતો. બાદમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર સહિત સાપુતારા પીએસઆઈ આર.સી.વસાવા ઘટનાસ્થળે ધસી જઈ મામલો થાળે પાડ્યો હતો.