શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ, , શનિવાર, 28 મે 2016 (11:23 IST)

તલવાર દેખાડતા સીએમ સામે ફરિયાદની માંગ

અનેક મુશ્કેલીઓ વચ્ચે પોતાની સત્તાની સરકારના બે વર્ષ પૂર્ણ કરનાર આનંદીબેન પટેલની મુશ્કેલીઓ જાણે કે બંધ થવાનુ નામ જ નથી લઈ રહી. અત્યારે તેઓ પોતાની મુખ્યમંત્રી તરીકેના બીજી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આનંદીબેન પટેલ સામે ચુંટણી પ્રચાર દરમિયાન ખુલ્લામાં જાહેરસભામાં તલવાર દર્શાવવા મામલે એફઆઈઆર નોંધાય  તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. 

આનંદીબેન પટેલે વર્ષ ૨૦૧૫ની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી દરમિયાન વિરમગામથી અમદાવાદ સુધીના રોડ શો દરમિયાન હાથમાં ખુલ્લી તલવાર સાથે પ્રદર્શન કર્યુ હતું. આ મામલે જે તે સમયે વિવાદ પણ થયો હતો. જોકે,  ત્યારબાદ આ વિવાદ શાંત પડી ગયો હતો. જોકે, હવે આ મામલે આરટીઆઈ થતા રાજ્ય ચુંટણી આયોગના સચિવે અમદાવાદ કલેક્ટરને સમગ્ર મામલે તપાસ કરીને સંપૂર્ણ અહેવાલ મોકલવા આદેશ કર્યો છે. આરટીઆઈ એક્ટીવિસ્ટ રોશન શાહે આ મામલે આરટીઆઈ દ્વારા મળેલી વિગત રજુ કરીને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સામે એફઆઈઆર નોંધવા માંગણી કરી છે.

આરટીઆઈ દરમિયાન અમદાવાદ કલેક્ટરે કોઈ જવાબ આપ્યો નહતો. જેથી રાજ્ય ચુંટણી આયોગને અરજી કરાઈ હતી. રાજ્ય ચુંટણી આયોગે આ મામલે અમદાવાદ કલેક્ટર પાસે અહેવાલ માંગ્યો હતો. પરંતુ અમદાવાદ કલેક્ટર તરફથી કોઈ જવાબ ન મળતા હવે આ મામલો રાજ્યના ચુંટણી આયોગના સચિવ સમક્ષ પહોંચ્યો છે અને જેમણે અમદાવાદ કલેક્ટરને નોટિસ ફટકારી આ સમગ્ર મામલે અહેવાલ રજુ કરવા આદેશ આપ્યો છે.