મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated :અમદાવાદઃ , શનિવાર, 4 જુલાઈ 2015 (15:20 IST)

નશીલાં દ્રવ્યોની ફેરાફેરી રેલવે સુરક્ષા દળ સામે એક પડકારરૂપ

બહારનાં રાજ્યમાંથી ગુજરાતમાં આવતી ટ્રેનમાં ગાંજા સહિતનાં નશીલાં દ્રવ્યોની ફેરાફેરીનું એક મસમોટું નેટવર્ક ચાલી રહ્યું છે, જે રેલવે સુરક્ષા દળ સામે એક પડકારરૂપ બન્યું છે. છેલ્લા દસ દિવસમાં જુદી જુદી ટ્રેનમાંથી ૧૦૦ કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપાતાં રેલવેતંત્ર પણ ચોંકી ઊઠ્યું છે અને આ નેટવર્ક તોડી પાડવા માટે વ્યૂહરચના ગોઠવવામાં આવી રહી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે એક સપ્તાહ અગાઉ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ઓરિસાથી આવેલી પુરી-અમદાવાદ એકસપ્રેસના ટોઇલેટમાંથી બિનવારસી હાલતમાં આશરે ૭પ કિલો જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. રેલવે સ્ટેશન પર ટ્રેન આવી પહોંચ્યા બાદ મુસાફરોના ઊતરી ગયા પછી આરપીએફ દ્વારા ટ્રેનનું ચેકિંગ ચાલતું હતું ત્યારે આ જથ્થો મળી આવ્યો હતો. ગાંજાે ભરેલ ૪પ જેટલા પ્લાસ્ટિકના પેકેટો એફએસએલને મોકલી આપ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કાલુપુર રેલવે સ્ટેશન પરથી ગાંજા અને ચરસનો જથ્થો પકડાયો હતો.

તાજેતરમાં વડોદરા રેલવે સ્ટેશન પરથી પણ ઓરિસાથી આવેલી એક ટ્રેનના કોચમાંથી ગાંજાના જથ્થા સાથે પોલીસે ત્રણ શખ્સની ધરપકડ કરી હતી. આ શખ્સોની પૂછપરછ દરમિયાન નશીલાં દ્રવ્યોની હેરાફેરી કરતા માફિયાઓ ઓરિસાથી ગુજરાતમાં ગાંજો પહોંચાડવા માટે પ્રત્યેકને રૂ.૪,૦૦૦ ચૂકવતા હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે ગઇ કાલે રાજકોટના રેલવે સ્ટેશન પરથી પોલીસે અોરિસાના વતની અને હાલ જામનગરમાં રહેતા વિષ્ણુ જગન્નાથ રાઉલા નામના શખ્સને રૂ.૪૦,૦૦૦ની કિંમતના ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. આ શખ્સ ઓખા-પુરી ટ્રેનમાંથી ઊતરી નાસવાનો પ્રયત્ન કરતો હતો તે દરમિયાન પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો.