ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 5 ઑગસ્ટ 2016 (20:01 IST)

નિતીન પટેલનું સપનું આખરે અધુરૂ રહ્યું પણ છેવટે નાયબ મુખ્યપ્રધાન બન્યાં

નિતીન પટેલનું સપનું હતું કે તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન બને. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે નિતીન પટેલ તેમની કેબિનેટમાં પણ મંત્રી તરીકે બીજા નંબરે હતાં. જ્યારે તેઓ વડાપ્રધાન બન્યાં ત્યારે સીએમ તરીકે પણ નિતીન પટેલનું નામ સૌથી વધુ લોકપ્રિય હતું. પરંતું આનંદીબેનને સાચવવા માટે આખરે નિતીન પટેલ મુખ્યમંત્રી ના બની શક્યાં, જ્ચારે આ વખતે પણ તેમની સાથે આ પ્રકારની જ બાબતને સહન કરવાની આવી એવું રાજકિય નિષ્ણાંતોમાં ચર્ચાઈ રહ્યું છે. જ્યારે ગાંધીનગરમાં ભાજપના કાર્યાલયમાં મીટિંગોનો દોર ચાલી રહ્યો હતો ત્યારે ધારાસભ્યોની મીટિંગ પહેલા નીરિક્ષકોની બેઠક ભારે રીસામણા-મનામણા વચ્ચે પુરી થઇ હતી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે છેક સુધી ફાઇનલ જણાતા નીતિન પટેલનું નામ છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં આવ્યું . જોકે તેમની ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન તરીકે વરણી થઇ છે. અમિત શાહની ગુડબૂકમાં વિજય રૂપાણીનું નામ સામેલ છે. જ્યારે પહેલા રૃપાણીની વરણી સામે આનંદીબેને વિરોધ કર્યો હોવાનું ભાજપના નજીકના સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. પાટીદાર આંદોલન વખતથી ભાજપમાં અમિત શાહ અને આનંદીબેન પટેલ વચ્ચે જૂથવાદ ચાલી રહ્યો હતો. અમિત શાહ જૂથની અસંતુષ્ટ તરીકેની સક્રિય ભૂમિકાને પગલે આનંદીબેનને મુખ્યમંત્રીની ખુરશી છોડવી પડી છે એવું રાજકિય નિષ્ણાંતોમાં ચર્ચાઈ રહ્યું છે. મુખ્યમંત્રી માટે ભાજપની કેન્દ્રીય નેતા- ગુજરાતના પ્રભારી ધારાસભ્યોના મત મેળવી રહ્યાં હતા ત્યારે સૂત્રોનું કહેવું હતુ કે, રૃપાણીના નામે સામે આનંદીબેને ભારે વિરોધ નોંધાવ્યો છે. છેલ્લાં બે મહિનાથી સુપર સીએમ બનેલા રૃપાણીને હવે સત્તાવાર સીએમ બનાવવા સામે આનંદીબેને વાંધો ઉઠાવ્યો હતો. જ્યારે અમિત શાહે છેલ્લી ઘડીએ મોટો ખેલ પાડીને વિજય રૂપાણીને સીએમ તરીકે જાહેર કર્યાં. આ બાબતમાં નિષ્ણાંતોનું એવું કહેવું છે કે અમિત શાહ અને આનંદીબેન વચ્ચેનો ગજગ્રાહ વિજય રૂપાણીને બર્થડેની ગીફ્ટ અપાવી ગયો. જ્યારે વધારે ઉહાપોહ ના થાય તે માટે નિતિન પટેલને નાયબ મુખ્યમંત્રી તરીકેની લોલીપોપ આપી દીધી. હવે જોવાનું એ છે કે ગુજરાતના મુખ્યપ્રધાન પદે વરાયેલા વિજય રૂપાણી કેવી રીતે આ કાંટાંળો તાજ પહેરીને સત્તા ભોગવી શકે છે.