શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 20 માર્ચ 2015 (14:21 IST)

પક્ષીઓને પરાણે ઠેકાણા બદલવા પડ્યા - વિજવાયરો અને ટેલીફોનના કેબલો ઉપર માળા બાંધવા લાગ્યા

પર્યલ સન બર્ડ એક એવું પક્ષી છે જે પાંચથી ૬ ફુટ ઉંચા વૃક્ષ ઉપર જ માળો બાંધે છે, પરંતુ જેમ જમીનનો ભાવ વધતા વિશ્વમાં કબ્રસ્તાન માટે જગ્યા નથી રહી એજ રીતે વુક્ષો ઘટવા માંડતા પર્યલ સન બર્ડને પણ મોળો બાંધવા માટે જગ્યા ન મળતા હવે આ પક્ષીએ પોતાનો સ્વભાવ બદલી નવી પરિસ્થિતીને સ્વીકારી છે. પોરબંદર શહેરમાં  પર્પલ સન બર્ડ એટલે કે શક્કરખોરા પક્ષીઓએ પોતાના માળા બાંધવા માટે વૃક્ષો નહીં મળતા વિજવાયરો અને ટેલીફોનના કેબલો ઉપર રહેણાંક માટેના માળા બનાવવા લાગ્યા હોવાથી આ બાબત પક્ષીપ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ માટે આઘાતજનક છે.

બદલાતા સમયની સાથે નેસ્ટીંગ હેબીટેડ બદલાવી

પર્યલ સન બર્ડએ બદલાતા સમય સાથે પોતાની નેસ્ટીંગ હેબીટડે પણ બદલાવી છે. સામાન્ય રીતે પાંચથી છ ફુટ ઉંચે વૃક્ષ કે છોડની ડાળી ઉપર માળો બાંધતા આ પક્ષીએ હવે ઘરના કપડાં સૂકવવાના વાયર ઉપર ઝુલાના નકુચા પર, નીચા વીજવાયર કે પછી ટેલીફોનના વાયર ઉપર પણ માળો બાંધવા લાગ્યું છે. આમ આ પક્ષી પોતાનો સ્વભાવ બદલી નવી પરિસ્થિતીને અનુકુળ થઈ રહ્યું છે.આ પક્ષી માર્ચથી જૂન, જુલાઈ સુધીમાં નેસ્ટીંગ કરે છે. પક્ષી જે વૃક્ષ ઉપર તેનો જૂનો માળો હોય ત્યાં બાજુમાં જ મોટાભાગે નવો માળો બાંધે છે. નવા માળામાં રહેલા બચ્ચાં પાસે રાત્રે તેને રક્ષણ આપવા નર પક્ષી રહે છે. અને બાજુમાં આવેલા જૂના માળામાં માદા પક્ષી રાત્રે આરામ કરે છે.

 વાયરો ઉપરનો માળો પક્ષીઓ માટે ખતરારૃપ

પોરબંદર બર્ડ કન્વઝર્વેશન સોસાયટીના ધ્યાને આવેલી આ બાબત પક્ષીપ્રેમીઓ માટે આંચકારૃપ છે. પર્પલ સન બર્ડ એટલે શક્કરખોરા પક્ષીઓ સામાન્ય રીતે માળો બનાવવા માટે વૃક્ષોની ડાળીની સલામત જગ્યાનો આશરો શોધતા હોય છે પરંતુ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી આવા ઘેઘૂર વૃક્ષોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતા પક્ષીઓને રહેવા માટે માળા બનાવવામાં પણ ફાંફા થઇ પડયા છે, જેથી શહેરમાં અનેક જગ્યાએ વિજવાયરો તથા ટેલીફોનના લટકતા કેબલોમાં આવા પક્ષીઓ માળા બનાવવા લાગ્યા છે જે તેમના બચ્ચાઓ અને ઇંડા માટે ભયજનક છે.

નરી આંખે ન દેખાતી જીભ ચાંચ બહાર કાઢી ફુલોનો રસ ચુસે છે

પર્યલ સન બર્ડ એટલે શક્કરખોરા પક્ષી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સર્વત્ર અને ઘરઆંગણે જોવા મળતું પક્ષી છે. આ ટચુકડાં પક્ષી પૈકી નરનો કલર કાળો હોય છે અને માદાનો રંગ રાખોડી અને આછો પીળો હોય છે. આ પક્ષી માનવ વસાહત વચ્ચે રહેવા ટેવાયેલું છે.પક્ષીનો મુખ્ય ખોરાક ફુલોનો રસ તથા કરોળીયા સહિતના નાના જીવ જંતુઓ પણ છે. માદા શક્કરખોરા એક દિવસે ઇંડુ મૂકે તેના બીજા દિવસે અથવા ત્રણ - ચાર દિવસે અલગ - અલગ સમયે ઇંડા મૂકે છે. માળો બનાવવામાં પણ નર અને માદા સહિયારો પ્રયાસ કરે છે અને બચ્ચાને ભોજન આપવામાં પણ માતા - પિતા બન્નેની સરખી ભૂમિકા રહે છેતે પાંખો ફફડાવતા ફફડાવતા પણ પોતાની ચાંચની બહાર તેની દોરા કરતા પણ બારીક લાંબી જીભ બહાર કાઢી ફુલોનો રસ ચુસી લે છે. આ જીભ નરી આંખે ન દેખાય તેટલી બારીક હોય છે.તેમ પોરબંદર બર્ડ કન્વઝર્વેશન સોસાયટીના પ્રમુખ ભરતભાઇ રૃઘાણીએ જણાવ્યું હતું.

માળામાં પણ તણખલાના સ્થાને પ્લાસ્ટીકની કોથળીઓ વધુ માત્રામાં

મહત્વની વાત એ છે કે, ચારેબાજુ પ્લાસ્ટીકની કોથળીનું પ્રદૂષણ વધ્યું છે ત્યારે આ પક્ષીઓના માળામાં પણ તણખલાના સ્થાને પ્લાસ્ટીકની કોથળીઓ વધુ માત્રામાં જોવા મળે છે, જેને કારણે પ્લાસ્ટીકથી હવે માત્ર મનુષ્યને જ નહીં પરંતુ પક્ષીઓને પણ નુકશાન થઇ રહ્યું હોવાની સાબિતિ મળે છે.

વૃક્ષો ઘટતા જતા પક્ષીઓની દયનીય સ્થિતી

 શક્કરખોરા પક્ષીઓનકેસુડો, પનરવો, શેમળો અને શેતૂર જેવા વૃક્ષો ઉપર જ વધુ માળા બાંધે છે કેમ કે તેમાં ઉગતા ફૂલોનો રસ તેઓનો ખોરાક હોય છે  ત્યારે આ પક્ષીઓને હવે વૃક્ષો ઘટતા જતા હોઇ  વાયર ઉપર માળા બાંધવા પડતા હોવાથી આ બાબત ખૂબ જ ચિંતાજનક છે.